ઇરાન પાસેથી ઓઇલ ખરીદશો તો પ્રતિબંધો લાગશે
અમેરિકા અને ઇરાનની મંત્રણા મોકૂફ રાખવાની જાહેરાત પછી ટ્રમ્પે ધમકી આપી
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી
(પીટીઆઇ) દુબઇ,
તા. ૧
ઇરાનના ઝડપથી વધતા પરમાણુ કાર્યક્રમ પર અમેરિકા અને ઇરાનની
વચ્ચે થનારી મંત્રણા સ્થગિત કરી દેવામાં આવ્યા પછી અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ધમકી
આપી છે કે જે પણ દેશ ઇરાન પાસેથી ઓઇલ ખરીદશે તેને
પ્રતિબંધોનો સામનો કરવો પડશે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ઇરાનના ઓઇલ અને
પેટ્રોકેમિકલ પ્રોડક્ટની ખરીદી હવે બંધ થવી જોઇએ. તેમણે જણાવ્યું હતું કે કોઇ પણ
દેશ કે વ્યકિત ઇરાન પાસેથી ખરીદી કરશે તે અમેરિકા સાથે બિઝનેસ કરી શકશે નહીં.
સપ્તાહના અંતમાં અમેરિકા અને ઇરાન વચ્ચે થનારી મંત્રણા સ્થગિત
કરી દેવામાં આવી હોવાની ઓમાનની જાહેરાત પછી અમેરિકાના પ્રમુખે આ ચેતવણી આપી છે.
મંત્રણા સ્થગિત કરી દેવામાં આવી હોવાની જાહેરાત ઓમાનના
વિદેશ પ્રધાન બદ્ર અલ બુસેઇજીએ સોશિયલ
પ્લેટફોર્મ એક્સ પર કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે તાર્કિક કારણોને લીધે ૩ મે શનિવારના
રોજ રાખવામાં આવેલી ઇરાન અને અમેરિકાની મંત્રણા રદ કરવામાં આવી છે. બંને દેશોની
સંમતિ પછી નવી તારીખ જાહેર કરવામાં આવશે.
આ દરમિયાન ઇરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાઘેઇએ
એક નિવેદનમાં જણાવ્યું છે કે ઓમાનના વિદેશ પ્રધાનની વિનંતીને કારણે મંત્રણા મોકૂફ
રાખવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઇરાન વ્યાજબી અને કાયમી સમજૂતી
કરવા માટે કટિબદ્ધ છે.