ટ્રમ્પનો કોઇ રોલ નથી, લક્ષ્ય પુરૂ થતાં સિંદૂર અટકાવ્યું: સરકાર
- ડિફેન્સ મિનિસ્ટર રાજનાથસિંહની લોકસભામાં ઉદઘોષણા
- પાક. ઘૂંટણીયે પડવા તૈયાર હતું તો પછી કેન્દ્રએ શસ્ત્ર વિરામ કેમ કર્યું, કોનું દબાણ હતું તેનો જવાબ આપો: વિપક્ષનો સવાલ
- પહલગામ હુમલાને 100 દિવસ વીતી ગયા, હુમલાખોર આતંકીઓ ક્યાં છે?: વિપક્ષનો સવાલ
- 22 એપ્રિલથી 17 જૂન સુધી મોદી-ટ્રમ્પ વચ્ચે વાતચીત થઇ નથી: જયશંકર
નવી દિલ્હી : વિપક્ષ ઘણા સમયથી આરોપ લગાવી રહ્યો છે કે કેન્દ્ર સરકારે દબાણને કારણે પાકિસ્તાન સામેનું ઓપરેશન સિંદૂર અટકાવ્યું હતું, આ મુદ્દે હવે કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહે સંસદમાં જવાબ આપ્યો છે. પહલગામ આતંકી હુમલો અને બાદમાં ભારતે હાથ ધરેલા ઓપરેશન સિંદૂર પર લોકસભામાં સોમવારે ચર્ચા શરૂ થઇ હતી. જેમાં ભાગ લેતા રાજનાથસિંહે કહ્યું હતું કે ભારત પોતાના રાજકીય અને સૈન્ય લક્ષ્ય પ્રાપ્ત કરી ચુક્યું હતું તેથી પાક. સાથે વધુ ઘર્ષણને અટકાવી દેવાયું હતું. કોઇ પણ પ્રકારનું દબાણ નહોતું.
પહલગામ હુમલો અને ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા માટે વિપક્ષ ઘણા સમયથી સરકાર પર દબાણ કરી રહ્યો હતો, અંતે સરકારે આ મુદ્દે ચર્ચા માટે સંમતિ દર્શાવતા સોમવારે ચર્ચા શરૂ થઇ હતી. વિપક્ષે સવાલ ઉઠાવ્યો હતો કે પહલગામના હુમલાખોર આતંકીઓ ભારતમાં પ્રવેશ્યા ક્યાંથી, આ સવાલનો રાજનાથસિંહ દ્વારા કોઇ જવાબ નહોતો આપવામાં આવ્યો પરંતુ તેમણે ઓપરેશન સિંદૂરની સફળતા પર વિસ્તારથી વાતચીત કરી હતી. સાથે જ તેમણે પહલગામ હુમલાની પણ ટિકા કરી હતી.
રાજનાથે કહ્યું હતું કે વિપક્ષ એવો સવાલ પૂછી રહ્યો છે કે ઓપરેશન દરમિયાન ભારતના કેટલા વિમાન તુટી પડયા હતા, ખરેખર વિપક્ષને એ જાણવામાં રસ નથી કે પાકિસ્તાનના કેટલા વિમાન તોડી પડાયા હતા. દરેક પરીક્ષામાં પરિણામ મહત્વનું હોય છે, જો કોઇ બાળક પરીક્ષામાં સારા માર્ક્સ લાવ્યું હોય તો તેની સફળતા પર ધ્યાન કેન્દ્રીત થવું જોઇએ નહીં કે તેની પેન્સિંલ કે પેન ખોવાઇ ગઇ કે નુકસાન થયું તેના પર. જ્યારે લક્ષ્ય મોટું હોય ત્યારે નાની નાની બાબતો પર ધ્યાન ના અપાય. શસ્ત્ર વિરામની પહેલ પાકિસ્તાન તરફથી થઇ હતી, પાક.ના ડીજીએમઓ તરફથી પહેલ થયા બાદ શસ્ત્ર વિરામ અંગે ભારતે નિર્ણય લીધો હતો. તેવી સ્પષ્ટતા પણ રાજનાથસિંહે કરી હતી.
રાજનાથસિંહ જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે અચાનક જ રાહુલ ગાંધી સ્થળ પરથી ઉભા થયા અને સવાલ કર્યો હતો કે ઓપરેશન સિંદૂર અટકાવવામાં કેમ આવ્યું? શસ્ત્ર વિરામ કેમ કરવામાં આવ્યું? બાદમાં વિપક્ષના સાંસદો પણ જગ્યા પર ઉભા થઇ ગયા અને આ મુદ્દે સરકારને સવાલ કરવા લાગ્યા. રાજનાથસિંહે જવાબ આપતા કહ્યું કે આ મુદ્દે હું પહેલા જ કહી ચુક્યો છું. વિપક્ષના નેતાને સવાલ પૂછવાનો પુરો અધિકાર છે પરંતુ તેમણે પહેલા મારી વાત પુરી સાંભળવી જોઇએ.
બાદમાં કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઇએ કહ્યું હતું કે પાકિસ્તાનને આક્રામક જવાબ આપવા માટે વિપક્ષ અને સમગ્ર દેશ સરકારની સાથે હતો, અચાનક એવું શું થયું કે સરકારે પાકિસ્તાન સાથે શસ્ત્ર વિરામ કરી લીધુ? અમારે નરેન્દ્ર મોદી પાસેથી જાણવું છે કે જો પાકિસ્તાન ઘૂંટણીએ પડવા તૈયાર હતું તો પછી સરકારે અચાનક જ શસ્ત્ર વિરામ કેમ કરી લીધુ? અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૬ વખત કહી ચુક્યા છે કે તેમણે ભારત અને પાકિસ્તાન બન્ને પર દબાણ કરીને શસ્ત્ર વિરામ કરાવ્યું અને યુદ્ધ અટકાવ્યું. જ્યારે ભારતના કેટલા રફાલ વિમાન આ દરમિયાન તુટી પડયા તે અંગે સવાલ કરતા ગૌરવ ગોગોઇએ કહ્યું હતું કે ભારત પાસે માત્ર ૩૫ રફાલ વિમાન છે, જો તેમાંથી કેટલાક તોડી પડાયા હોય તો પણ તે ભારત માટે મોટુ નુકસાન છે. પહલગામ હુમલા પર સવાલ ઉઠાવતા ગોગોઇએ કહ્યું હતું કે પહલગામ હુમલાને ૧૦૦ દિવસ વીતી ગયા છે છતા પણ પીડિતાને ન્યાય નથી મળ્યો, આતંકીઓને હજુસુધી પકડી નથી શકાયા.
વિપક્ષનો દાવો છે કે ટ્રમ્પના દબાણને પગલે કેન્દ્ર સરકારે ઓપરેશન સિંદૂર અટકાવ્યું અને પાક. સાથે શસ્ત્ર વિરામ કર્યું હતું, આ અંગે જવાબ આપતા કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે ૨૨ એપ્રીલથી ૧૭ જૂન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કોઇ જ વાતચીત નહોતી થઇ. પાકિસ્તાન તરફથી પહેલ થયા બાદ જ શસ્ત્ર વિરામનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જયશંકરના ભાષણ દરમિયાન વિપક્ષે હોબાળો મચાવ્યો હતો તેથી વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉભા થઇને સરકાર અને જયશંકરનોનો બચાવ કર્યો હતો તેમણે કહ્યું હતું કે ભારતના વિદેશમંત્રી અહીંયા બોલી રહ્યા છે વિપક્ષને વિદેશમંત્રી પર વિશ્વાસ નથી, પરંતુ કોઇ અન્ય દેશ પર ભરોસો છે. અને તેથી જ તેઓ વિપક્ષમાં છે અને આગામી ૨૦ વર્ષ સુધી તેઓ વિપક્ષમાં જ રહેશે.