'RCBના કારણે થઈ નાસભાગ, પોલીસ કોઈ જાદુગર કે ભગવાન નથી', બેંગલુરુ દુર્ઘટના પર ટ્રિબ્યુનલનો રિપોર્ટ
Images Sourse: IANS |
Bengaluru Stampede: આઈપીએલ 2025 રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની જીતની ઉજવણી દરમિયાન બેંગલુરુમાં થયેલી નાસભાગમાં 11 લોકોના મૃત્યુ નિપજ્યાં હતાં. આ મામલે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી નાસભાગ માટે આરસીબીને જવાબદાર ઠેરવ્યું છે. આરસીબીએ પોલીસ પાસેથી કોઈ પૂર્વ પરવાનગી લીધી ન હતી. અચાનક તેમને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધી હતી.
પોલીસકર્મીઓ પણ માણસ છે
સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલના રિપોર્ટ અનુસાર, આરસીબીએ પોલીસની મંજૂરી વિના સોશિયલ મીડિયા પર વિક્ટ્રી પરેડ માટે આમંત્રણ પોસ્ટ કર્યું હતું, જેના કારણે મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી અને પોલીસ પાસે સુરક્ષા વ્યવસ્થા કરવા માટે પૂરતો સમય નહોતો. પોલીસ માત્ર 12 કલાકમાં સંપૂર્ણ વ્યવસ્થા કરે તેવી અપેક્ષા રાખી શકાય નહીં. પોલીસકર્મીઓ પણ માણસ છે, તે દેવતા કે જાદુગર નથી કે, એક જ વારમાં બધી વ્યવસ્થા કરી શકે.'
IPS વિકાસ કુમારને ફરીથી સેવામાં લેવામાં આવ્યા
આ કેસમાં સસ્પેન્ડ કરાયેલા IPS અધિકારી વિકાસ કુમારને મોટી રાહત મળી છે. સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલે તેમનું સસ્પેન્શન રદ કર્યું છે. આ ઉપરાંત ટ્રિબ્યુનલે કર્ણાટક સરકારને બે અન્ય વરિષ્ઠ અધિકારીઓ તત્કાલીન બેંગલુરુ પોલીસ કમિશનર બી દયાનંદ અને ડીસીપી શેખર એચ ટેક્કનવરના સસ્પેન્શન પર પુનર્વિચાર કરવાનું સૂચન પણ કર્યું. નોંધનીય છે કે, IPS વિકાસ કુમાર બેંગલુરુના પશ્ચિમ ઝોનના એડિશનલ કમિશનર અને ચિન્નાસ્વામી સ્ટેડિયમના ઇન્ચાર્જ હતા.
આ પણ વાંચો: 1000 કરોડની લાંચનો આરોપ લાગતા ભાજપના મહિલા મંત્રીએ કહ્યું - 'CM બધુ જાણે છે કે..'
સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલના અનુસાર, 'પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય પૂરતા પુરાવા પર આધારિત નથી. નિર્ણય સમયે આ અધિકારીઓની બેદરકારીને કારણે અકસ્માત થયો હોવાનું સાબિત કરવા માટે કોઈ નક્કર કે નક્કર આધાર નહોતો.' જો કે, સરકાર ઈચ્છે તો આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકારી શકે છે.
નાસભાગના કેસ બાદ રાજકીય ઉથલપાથલ
ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ચોથી જૂનના રોજ થયેલી નાસભાગ બાદ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વિપક્ષના નિશાના પર છે. ભાજપ અને જેડીએસે સરકાર પર સીધો હુમલો કર્યો હતો અને મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી હતી.