Get The App

સરકાર વિરુદ્ધ ચુકાદા બદલ જજની બદલી અયોગ્ય : સુપ્રીમના ન્યાયાધીશ

Updated: Jan 25th, 2026

GS TEAM

Google News
Google News
સરકાર વિરુદ્ધ ચુકાદા બદલ જજની બદલી અયોગ્ય : સુપ્રીમના ન્યાયાધીશ 1 - image

- કોલેજિયમમાં સરકાર દખલ ના દઇ શકે : ન્યાયાધીશ ઉજ્જ્વલ

- સરકારની ભલામણથી હાઇકોર્ટના જજની બદલી થયાનો કાર્યક્રમમાં ન્યાયાધીશ ઉજ્જ્વલે ઉલ્લેખ કર્યો

પુણે: મધ્ય પ્રદેશના ન્યાયાધીશ અતુલ શ્રીધરનનું અલ્લાહાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું, જેને લઇને સુપ્રીમના ન્યાયાધીશ ઉજ્જ્વલ ભુયાને સવાલો ઉઠાવ્યા છે. આ ટ્રાન્સફર કેન્દ્ર સરકારની ભલામણો પર કરાઇ હોવાનું પૂર્વ સીજેઆઇ બીઆર ગવઇએ કહ્યું હતું, જેને પગલે ન્યાયાધીશ ઉજ્જ્વલે કહ્યું છે કે સરકારની વિરુદ્ધમાં ચુકાદા બદલ જજોનું ટ્રાન્સફર કરવું ઠીક નથી. 

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ઉજ્જવલ ભુયાને સવાલ ઉઠાવ્યો હતો કે કોઇ જજે સરકારને પસંદ ના હોય તેવા ચુકાદા આપ્યા હોય તો તેનો અર્થ એમ નથી થતો કે આ ચુકાદા બદલ  જજની ટ્રાન્સફર કરી દેવામાં આવે. કોલેજિયમ ખુદ જ્યારે પોતાના જ પ્રસ્તાવમાં એવી નોંધ કરે છે કે જજનું ટ્રાન્સફર કેન્દ્ર સરકારના કહેવા પર કર્યું છે તો આ બંધારણીય રીતે સ્વતંત્ર ગણાતી કોલેજિયમની પ્રક્રિયામાં કાર્યપાલિકાની દખલ હોવાનું સ્પષ્ટ કરે છે. 

ન્યાયાધીશ ઉજ્જવલ ભુયાને કહ્યું હતું કે હાઇકોર્ટના જજોની ટ્રાન્સફર અને પોસ્ટિંગ સંપૂર્ણ રીતે ન્યાયપાલિકાનો વિષય છે અને તેમાં સરકારની કોઇ જ ભૂમિકા ના હોવી જોઇએ. પુણેના આઇએલએસ લો કોલેજમાં આયોજિત જીવી પંડિત મેમોરિયલ લેક્ચરમાં સંબોધન વખતે ન્યાયાધીશ ઉજ્જ્વલ ભુયાને આ નિવેદન આપ્યું હતું તેમણે વધુમાં કહ્યું હતું કે જજોની ટ્રાન્સફર હંમેશા ન્યાય વ્યવસ્થાના સારા માટે હોવી જોઇએ. હું મારા કાર્યકાળ દરમિયાન બે વખત ટ્રાન્સફરનો સામનો કરી ચુક્યો છું, જેમાં મને જ ફાયદો થયો છે. જોકે તે અલગ મામલો છે પરંતુ હંમેશા ન્યાય પ્રશાસનના સારા માટે જ જજનું ટ્રાન્સફર થવું જોઇએ.