ઓડિશામાં ટ્રેન અકસ્માત : 50નાં મોત, 350થી વધુ ઘાયલ
- બાલાસોર જિલ્લાના બહનાલા રેલવે સ્ટેશન પાસે કોરોમંડલ ટ્રેન, બેંગ્લુરુ એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે વિચિત્ર દુર્ઘટના
- 300થી વધુને બચાવાયા, ફસાયેલા 700 પ્રવાસીઓને બહાર કાઢવાનું ઓપરેશન આખી રાત ચાલ્યું : 60 એમ્બ્યુલન્સ અને એસડીઆરએફની ટીમો તૈનાત
- મૃતકોના પરિવારને રૂ.10 લાખ, ગંભીર ઇજાગ્રસ્તોને રૂ.બે લાખ અને સામાન્ય ઘાયલોને રૂ.50 હજારનું કેન્દ્રનું વળતર
- અકસ્માત વખતે કોરોમંડલ ટ્રેન પશ્વિમ બંગાળના શાલીમારથી ચેન્નઈ, બેંગ્લુરુ-હાવડા ટ્રેન હાવડા તરફ જતી હતી
નવી દિલ્હી : ઓડિશાના બાલાસોર જિલ્લામાં આવેલા બહનાલા રેલવે સ્ટેશન નજીક કોરોમંડલ ટ્રેન, બેંગ્લુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે વિચિત્ર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ૫૦થી વધુ લોકોનાં મોત થયા છે અને ૩૦૦ જેટલાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાંથી ૪૦ની સ્થિતિ ખૂબ જ ગંભીર હોવાનું કહેવાય છે. દુર્ઘટના સ્થળે તુરંત રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. રેલવે વિભાગે ઠેર-ઠેર હેલ્પલાઈન શરૂ કરી હતી. ઓડિશાના બાલાસોર જિલ્લાના બહનાલા રેલવે સ્ટેશન નજીકથી નીકળેલી બેંગ્લુરુ-હાવડા એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરીને કોરોમંડલ ટ્રેન સાથે અથડાઈ. બરાબર એ જ વખતે બાજુના ટ્રેક પરથી પસાર થઈ રહેલી માલગાડી સાથે કોરોમંડલ એક્સપ્રેસ ટકરાઈ હતી. કોરોમંડલ ટ્રેન પશ્વિમ બંગાળના શાલીમારથી ચેન્નાઈજતી હતી અને બેંગ્લુરુ-હાવડા એક્સપ્રેસ હાવડા તરફ જતી હતી. કોરોમંડલના સાત ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
ઈજાગ્રસ્તોને બાલાસોરની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે અને રાહત તેમ જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. એસડીઆરએફની ટીમ રેસ્ક્યૂ માટે પહોંચી ગઈ હતી. તે ઉપરાંત ૫૦ એમ્બ્યૂલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ટક્કર મોડી સાંજે થઈ હતી. દુર્ઘટના બાદ રૂટની પાંચ ટ્રેનો તાત્કાલિક અસરથી રદ્ કરી દેવામાં આવી હતી. તે ઉપરાંત પાંચ ટ્રેન ડાઈવર્ટ કરાઈ હતી. ટ્રેક ખાલી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અકસ્માતનું કારણ સ્પષ્ટ થયું નથી. પરંતુ પ્રાથમિક અંદાજ પ્રમાણે ટ્રેનની ઝડપ વધારે હોવાથી તેની બોગીઓ પાટા પરથી ઉતરીને બાજુમાંથી પસાર થતી એક્સપ્રેસ ટ્રેન સાથે અથડાઈ હતી.
એ એક્સપ્રેસ ટ્રેન માલગાડી સાથે ટકરાઈ હતા. આ દુર્ઘટનાની તપાસ માટે રેલવે વિભાગે પાંચ અધિકારીઓની ટીમને ઘટના સ્થળે રવાના કરી છે.
મુખ્યમંત્રી નવીન પટનાયકે કેન્દ્રીય મંત્રી ઉપરાંત સરકારી અધિકારીઓને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવાનો આદેશ આપ્યો હતો અને તાકીદની બેઠક બોલાવીને રાહત-બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી.
પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ ટ્વિટ કરીને કહ્યું હતું કે બંને રાજ્યોના અધિકારીઓ એક બીજા સાથે સંકલન કરીને ઘાયલ લોકોની મદદ માટે વ્યવસ્થા કરી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ઓડિશા રેલવે દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું હતું અને કેન્દ્રની તમામ પ્રકારની સહાયની જાહેરાત કરી હતી. તેમણે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરીને બચાવ કાર્યનો અહેવાલ મેળવ્યો હતો.