યુપીના ગોંડામાં મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓને લઈ જતી કાર નહેરમાં ખાબકી, 11 મોત
Uttar Pradesh Road Accident: ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં એક દર્દનાક માર્ગ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે. ઈટિયાથોક પોલીસ સ્ટેશન વિસ્તારમાં દર્શન માટે જઈ રહેલી બોલેરો કાર બેકાબૂ બનતાં નહેરમાં ખાબકી હતી. જેમાં કુલ 15 લોકો સવાર હતાં, જેમાંથી 11 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતાં. અન્ય ચાર ગંભીર રૂપે ઘવાયા છે.
મુખ્યમંત્રી યોગીએ આર્થિક સહાયતા આપી
ગોંડા જિલ્લાના રહરા ગામમાં થયેલા ભયાવહ માર્ગ અકસ્માત પર મુખ્યમંત્રી યોગીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારજનોને રૂ. 5 લાખની આર્થિક સહાય આપવા નિર્દેશ આપ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર રાહત અને બચાવ કામગીરી કરી રહ્યું છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘાયલોની હાલત ગંભીર હોવાના અહેવાલ મળ્યા છે.