| Images Sourse: 'X' |
Uttarakhand Bus Accident: ઉત્તરાખંડમાં વર્ષના અંતિમ દિવસોમાં એક ભીષણ દુર્ઘટના સર્જાઈ છે. અલ્મોડા જિલ્લાના ભીકિયાસૈન વિસ્તારમાં મુસાફરોથી ભરેલી એક ખાનગી બસ ઊંડી ખીણમાં ખાબકતા સાત લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાંના અહેવાલ છે. આ દુર્ઘટનામાં અનેક મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને બચાવવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
બચાવ ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ઘર્યું
અહેવાલો અનુસાર, આ દુર્ઘટના મંગળવારે (30મી ડિસેમ્બર) સવારે ભીકિયાસૈન-રામનગર માર્ગ પર આવેલા શિલાપાની પાસે સર્જાઈ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે શિલાપાની પાસે ચાલકે બસ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બસ સીધી ઊંડી ખીણમાં જઈ પડી હતી.
ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામજનો મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસ તથા એસડીઆરએફ (SDRF)ની ટીમને જાણ કરી હતી. અત્યાર સુધીમાં સાત મુસાફરોના મોતની પુષ્ટિ થઈ છે.
બસમાં સવાર અન્ય મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને ખીણમાંથી બહાર કાઢીને તાત્કાલિક નજીકની હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસ અને વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે હાજર છે અને અન્ય કોઈ મુસાફરો દબાયેલા છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.


