- વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલનો દાવો
- એપ્રિલથી ડિસેમ્બર 2025માં ભારતની અમેરિકામાં નિકાસ 10 ટકા વધીને 66 અબજ ડોલર થઈ
- ટ્રમ્પના 50 ટકા ટેરિફ છતાં પણ નિકાસ માસિક ધોરણે સાત અબજ ડોલર જેટલા પોઝિટિવ ઝોનમાં રહી
નવી દિલ્હી : ભારત અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરવાની તૈયારીમાં છે અને યુરોપીયન યુનિયન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ)ને ગમે ત્યારે અંતિમ ઓપ આપવામાં આવી શકે છે.કોમર્સ સેક્રેટરી રાજેશ અગ્રવાલે જણાવ્યું હતંએ કે બંને દેશ વચ્ચે ડીલનો પ્રથમ તબક્કો પૂરા થવાની તૈયારીમાં છે. તેના પગલે ભારત પર લાગેલો રેસિપ્રોકલ ટેરિફ હવે ગમે ત્યારે હટી શકે છે, પરંતુ તેની તારીખ નક્કી ન કહી શકાય.
૧૫મી જાન્યુઆરીના રોજ રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં ભારતના વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ અને અમેરિકન વ્યાપાર પ્રતિનિધિ (યુટીઆર) વચ્ચે એક બેઠક થઈ હતી. બંને દેશની ટીમ સામાન્ય સંમતિ પર પહોંચવા સતત વાતચીત કરી રહી છે. બંને દેશ ડીલ કરવાની ઘણી નજીક છે, પરંતુ તેની તારીખ કહી શકાય તેમ નથી. તેની સાથે બંને દેશ વચ્ચેની વ્યાપાર મંત્રણા પડી ભાંગી હોવાની વાતને તેમણે નકારી કાઢી હતી.
અમેરિકાનું વ્યાપાર પ્રતિનિધિમંડળ ૯થી ૧૧ ડિસેમ્બર સુધી દિલ્હીમાં હતું. આ દરમિયાન ફ્રેમવર્ક પર સમજૂતીની સાથે-સાથે દ્વિપક્ષીય વેપાર સમજૂતી પર ચર્ચા થઈ હતી.ટેરિફને ઘટાડવા અને વ્યાપારને સંતુલિત કરવા અત્યાર સુધીમાં બંને દેશ વચ્ચે છ તબક્કાની વાતચીત થઈ ચૂકી છે, પરંતુ કોઈ રસ્તો નીકળી શક્યો નથી ભારતને આશા છે કે અમેરિકાની નિકાસ હકારાત્મક ઝોનમાં રહેશે.તેનું કારણ હાલમાં ટેરિફ મુક્ત ઇલેકટ્રોનિક્સ શિપમેન્ટ મુખ્ય ડ્રાઇવ રહ્યા છે.
સરકારી આંકડા મુજબ એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન અમેરિકામાં નિકાસ ૬૬ અબજ ડોલરની થઈ હતી, જે વાર્ષિક ધોરણે લગભગ ૧૦ ટકાનો વધારો ધરાવે છે. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ટેરિફ છતાં પણ ભારતથી અમેરિકામાં નિકાસ સાત અબજ ડોલર જેટલા પોઝિટિવ ઝોનમાં રહી હતી. આમ ટેરિફના લીધે અમેરિકામાં થતી ભારતીય નિકાસનો ધબડકો વળી જશે તેવો અંદેશો હકીકતમાં પરિણમ્યો નથી. ટ્રમ્પે હાલમાં ભારતની ૪૮ અબજ ડોલરની આયાત પર ટેરિફ નાખ્યો છે. જો કે આના પગલે એ વાત તો નિશ્ચિત થઈ ગઈ છે કે ભારત પર હાલમાં તો ૫૦૦ ટકા ટેરિફ લાદવાની વાત હતી તે સાવ ટળી ગઈ છે. ઉપરથી હાલમાં જે ૫૦ ટકા ટેરિફ છે તે પણ હટવાની વાત છે. રશિયા પાસેથી ઓઇલ ખરીદવા બદલ ભારત પર ૫૦૦ ટકા ટેરિફની ધમકી આપવામાં આવી હતી.


