Get The App

દેશભરમાં આજથી એક્સપ્રેસ-વે પર મુસાફરી પણ મોંઘી, ટોલ ટેક્સમાં એકઝાટકે 5 ટકા સુધીનો વધારો

Updated: Jun 3rd, 2024

GS TEAM

Google News
Google News
દેશભરમાં આજથી એક્સપ્રેસ-વે પર મુસાફરી પણ મોંઘી, ટોલ ટેક્સમાં એકઝાટકે 5 ટકા સુધીનો વધારો 1 - image


Lok Sabha Elections 2024 | લોકસભા ચૂંટણીનું મતદાન પૂરું થવાની સાથે જ એનએચએઆઈએ દેશભરમાં સોમવારથી એક્સપ્રેસ હાઈવે પરના ટોલ ટેક્સમાં ત્રણથી પાંચ ટકાનો વધારો લાગુ કર્યો છે. દેશમાં લોકસભા ચૂંટણીના કારણે એપ્રિલમાં લાગુ થનારો ભાવ વધારો જૂન સુધી પાછો ઠેલવામાં આવ્યો હતો તેમ અધિકારીઓનું કહેવું છે. દેશમાં સોમવારથી 1100 ટોલ પ્લાઝા પર ટેક્સમાં ભાવ વધારો કરાયો છે. નવા દર રવિવારે રાતે 12 વાગ્યા પછીથી લાગુ થઈ જશે. દેશમાં મોંઘવારીને અનુરૂપ ટોલ દરમાં વાર્ષિક ફેરફાર કરવામાં આવે છે.

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ)ના અધિકારીએ જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. તેથી વપરાશકાર ટોલ દરમાં સુધારો કરાયા છે, જેનો અમલ ચૂંટણીના કારણે અટકાવી દેવાયો હતો. હવે 3 જૂનથી તેનો અમલ થઈ જશે. 

ટોલ ટેક્સમાં વધારાથી આઈઆરબી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ અને અશોક બિલ્ડકોન લિમિટેડ જેવા ઓપરેટર્સને લાભ થશે. જોકે, વિપક્ષ અને વાહનચાલકોએ ટોલ ટેક્સમાં થયેલા વધારાની આકરી ટીકા કરી હતી અને કહ્યું કે, કે ટોલ ટેક્સમાં વધારાથી આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થશે, જેના કારણે છેવટે સામાન્ય માણસો બોજ વધશે.

જોકે, ટોલ ટેક્સમાં વધારાની અસર કાર અને વાન સિવાયના અન્ય વાહનો પર થશે. નવા દર 31 એપ્રિલ 2025 સુધી લાગુ રહેશે. એનએચએઆઈના ડેપ્યુટી મેનેજર રોહિત કુમારે જણાવ્યું કે, કાર, જીપ, વાન સહિત અન્ય લાઈટ મોટર વાહનને રાહત આપતા સિંગલ પ્રવાસ માટે રૂ. 150 અને આવવા-જવા માટે રૂ. 230 નિશ્ચિત કરાયા છે. આ દર વર્ષ 2023થી જળવાયેલા છે.

જોકે, અન્ય વાહનોના દરમાં વધારો કરાયો છે, જે મુજબ વ્યાવસાયિક નાના વાહન અને મિની બસના દર પાંચથી દસ રૂપિયા વધારવામાં આવ્યા હતા. એ જ રીતે બસ અને ટ્રક પર રૂ. 15નો વધારો કરાયો છે. એચસીએમ અને ઈએસઈ વાહનો પર પણ સિંગલ પ્રવાસ માટેનો દર રૂ. 15 વધારાયો છે જ્યારે ઓવરસાઈઝ્ડ વાહનો પરનો દર રૂ. 25 વધારાયો છે.

ભારતે પાછલા દાયકામાં નેશનલ એક્સપ્રેસ વેના વિસ્તરણ માટે અબજો ડોલરનું રોકાણ કર્યું છે, જેની કુલ લંબાઈ લગભગ 146000 કિ.મી. છે. ભારતનું એક્સપ્રેસ વેનું રસ્તાનું નેટવર્ક દુનિયાનું બીજું સૌથી મોટંવ રોડ નેટવર્ક છે. ટોલ કલેક્શન વર્ષ 2018-19માં રૂ. 252 અબજથી વધીને નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 540 અબજ કરતાં વધુ થયું હતું. દેશમાં રોડ ટ્રાફિક તેમજ ટોલ પ્લાઝાની સંખ્યા વધવાના કારણે ટોલ કલેક્શનમાં વધારો થઈ રહ્યો છે.

Tags :