ટોફેલ અને જીઆરઆઇ પરીક્ષા ઘરે બેઠા ઓનલાઇન આપવાની રહેશે
- કોરોનાને ધ્યાનમાં રાખીને લેવાયેલો નિર્ણય
- વિશ્વની અગ્રણી યુનિ.ઓમાં એડમીશન માટે ટોફેલ અને જીઆરઇ જેવી પરીક્ષાઓ મહત્ત્વપૂર્ણ
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 3 એપ્રિલ 2020, શુક્રવાર
કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ટોફેલ અને જીઆરઇ જેવી વૈશ્વિક પરીક્ષાઓ ઇરાન અને ચીન સિવાયના દેશોમાં ઘરેથી આપવાની રહેશે તેમ એજ્યુકેશનલ ટેસ્ટિંગ સર્વિસ(ઇટીએસ)એ એક નિવેદનમાં જણાવ્યું છે.
કોરોના મહામારીને પગલે આ પરીક્ષા સમગ્ર વિશ્વમાં રદ કરવામાં આવી હતી. ટોફેલ પ્રોગ્રામના એક્ઝકયૂટીવ ડાયરેક્ટર શ્રીકાંત ગોપાલના જણાવ્યા અનુસાર કોરોેના મહામારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર પર લેવાનારી આ પરીક્ષા રદ કરવામાં આવી છે અને હવે આ પરીક્ષા ઘેર બેઠા ઓનલાઇન આપી શકાશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઘરે બેઠા ઓનલાઇન પરીક્ષામાં વિશ્વનીયતા અને સુરક્ષા જળવાઇ રહે તેનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે.
વિશ્વની અગ્રણી યુનિવર્સિટીઓમાં એડમિશન લેવા માટે ટેસ્ટ ઓફ ઇન્ગીશ એઝ અ ફોરોને લેંગ્વેજ(ટોફેલ) અને ગ્રેજ્યુએટ રેકોર્ડ એક્ઝામીનેશન(જીઆરઇ)ને મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસને કારણે વિશ્વમાં ૫૦,૦૦૦થી વધુ લોકોનાં મોત થયા છે. હાલમાં આ બિમારીને કારણે અમેરિકામાં સૌૈથી વધુ લોેકોનાં મોત થઇ રહ્યાં છે.