- નાણામંત્રી 75 વર્ષ જૂની પરંપરા તોડી પાર્ટ-બીમાં આર્થિક ભાવિ માટે વિગતવાર વિઝન રજૂ કરશે
- પગારદાર વર્ગ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન, સસ્તી દવાઓ અને વીમા ક્ષેત્રમાં સુધારા જેવા મોટા નિર્ણયો લેવાઈ શકે
- ઈયુ સહિતના વેપાર કરારોના પગલે સ્થાનિક ઉદ્યોગો માટે લેવલ પ્લેઈંગ ફિલ્ડ ઉપલબ્ધ કરાવવા પર ફોકસની સંભાવના
નવી દિલ્હી : અમેરિકન પ્રમુખ ટ્રમ્પના ટેરિફના જોખમ, નાજુક વેપાર સ્થિતિ અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારામન રવિવારે તેમનું નવમું બજેટ રજૂ કરશે. આ બજેટમાં નાણામંત્રી સ્થિર વૃદ્ધિ, નાણાકીય શિસ્તની જાળવણી તેમજ ટ્રમ્પના ટેરિફ અને વૈશ્વિક અનિશ્ચિતતાથી દેશના અર્થતંત્રને બચાવવા માટેના સુધારાઓ હાથ ધરવાના પગલાંઓની જાહેરાત કરે તેવી શક્યતા છે. વધુમાં આ બજેટમાં યુરોપીયન યુનીયન સહિત અનેક દેશો સાથે થયેલા વેપાર કરારોના પગલે નાના ઉદ્યોગોને વૈશ્વિક કંપનીઓની હરીફાઈ સામે ટકી રહેવા લેવલ પ્લેઈંગ ફિલ્ડ ઉપલબ્ધ કરાવવા, સામાન્ય જનતાની આવકમાં વધારો કરવા સાથે જનતા અને ઉદ્યોગોની અનેક અપેક્ષાઓને પૂરી કરવા પર ફોકસ કરવામાં આવી શકે છે. વૈશ્વિક ભૂ-રાજકીય તણાવને પગલે સંરક્ષણમાં ફાળવણી વધવાની શક્યતા છે.
આગામી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭નું બજેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની એનડીએ સરકારના વર્તમાન કાર્યકાળનું મહત્વનું બજેટ મનાય છે. નાણામંત્રી સવારે ૧૧.૦૦ કલાકે સંસદમાં બજેટ રજૂ કરશે. આ બજેટમાં આવકવેરામાં છૂટ, પગારદાર વર્ગ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન, ખેડૂત ક્રિડેટ કાર્ડની લિમિટ વધારવી, સસ્તી દવાઓ અને વીમા ક્ષેત્રમાં સુધારા જેવા મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે. સાથે યુરોપીયન યુનિયન, બ્રિટન સહિત અનેક દેશો સાથે થયેલા મુક્ત વેપાર કરારોના પગલે સ્થાનિક ઉદ્યોગો માટે લેવલ પ્લેઈંગ ફિલ્ડ ઉપલબ્ધ કરાવવા પર પણ સરકાર ધ્યાન આપે તેવી શક્યતા છે. વધુમાં સરકારે આ વર્ષે અમેરિકા સાથે મુક્ત વેપાર કરાર થઈ જવાની આશા વ્યક્ત કરી છે, જેથી આ બાબતે પણ બજેટમાં ધ્યાનમાં લેવામાં આવી શકે છે.
નાણામંત્રી નિર્મલા સીતારામન આ બજેટમાં ૭૫ વર્ષ જૂની પરંપરા તોડે તેવી શક્યતા છે. પ્રત્યેક વર્ષે રજૂ થતા બજેટમાં નાણામંત્રી તેમના ભાષણના પાર્ટ-બીનો ઉપયોગ ભારતના આર્થિક ભવિષ્ય માટે એક વિગતવાર વિઝન રજૂ કરશે. અગાઉના બજેટમાં મોટાભાગે પાર્ટ-એમાં જરૂરી બાબતો રહેતી હતી જ્યારે પાર્ટ-બી ટેક્સ અને પોલિસી જાહેરાતો સુધી મર્યાદિત રહેતો હતો. જોકે, આ વખતે પાર્ટ-બીમાં ટૂંકાગાળાની અગ્રતા અને લંબાગાળાના લક્ષ્ય બંનેની રૂપરેખા જણાવાશે.
વૈશ્વિક ભૂ-રાજકીય જોખમોની સ્થિતિમાં આગામી બજેટમાં સંરક્ષણમાં મોટો ફેરફાર થઈ શકે છે. આગામી બજેટમાં ડિફેન્સ ઈક્વિપમેન્ટની ખરીદી પર વધુ ધ્યાન અપાશે. એટલે કે સંરક્ષણ બજેટનો ેક મોટો ભાગ નવી ખરીદી અને આધુનિકીકરણ પર ખર્ચ થશે. આ નાણાં વિશેષરૂપે ભારતમાં જ બનેલા સંરક્ષણ સામાનોની ખરીદી માટે ઉપયોગમાં લેવાશે. સંરક્ષણ મંત્રાલયે નાણાકીય વર્ષ ૨૦૨૭ માટે ડિફેન્સ ઈક્વિપમેન્ટની ખરીદીના બજેટમાં લગભગ ૨૦ ટકા વધારાની માગ કરી છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો વાર્ષિક વધારો હશે. સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટ કરી દીધું છે કે તે ભારતમાં બનેલા સંરક્ષણ સામાનોની ખરીદીને પહેલી પ્રાથમિક્તા આપશે.
આ બજેટમાં આવકવેરા સ્લેબ્સમાં ખાસ મોટા ફેરફારો થવાની શકયતા ઓછી જણાવાઈ રહી છે. જ્યારે નવી ઈન્કમ ટેક્ષ રિજીમ-સિસ્ટમ હેઠળ સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો થઈ શકે છે. જ્યારે હોમ લોન વ્યાજ કપાત મામલે મહત્તમ સિલિંગ લિમિટમાં વધારો થઈ શકે છે. ઓલ્ડ ટેક્ષ રિજીમ-આવકવેરાની જૂની સિસ્ટમ હાલ તુરત આગામી અમુક વર્ષો સુધી ચાલુ રહે એવી શકયતા છે. જ્યારે જીએસટીમાં આઈટીસી રીફોર્મ્સમાં કાર્યકારી મૂડીમાં વધારા પર ફોક્સ કરવામાં આવે એવી સંભાવના છે. રેલવે બજેટમાં ફાળવણી વધવાની અને ક્ષમતા વિસ્તારની પણ શકયતા મૂકાઈ રહી છે. શેર બજારો માટે એસટીટી-સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્ષ અને કેપિટલ ગેઈન ટેક્ષ સંબંધિત ખાસ મોટા ફેરફાર થવાની શકયતા ઓછી છે.


