India

ટાઇગર શ્રોફ પર ફાયરિંગ: ફડણવીસની ચેતવણી- કોઈ પણ ગેંગને છોડવામાં નહીં આવે, ગુજરાત પોલીસ પણ ઍલર્ટ

By GS Team
19 Oct 20263 mins read
TukuTouch Logo
મુંબઈમાં અભિનેતા ટાઈગર શ્રોફ પર 5 રાઉન્ડ ફાયરિંગ થતા ખળભળાટ મચ્યો છે. આ હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બિશ્નોઈ ગેંગને ચેતવણી આપી છે કે, હુમલાખોરોના આકાઓ ગમે ત્યાં છુપાયા હશે, તેમને શોધી કાઢીશું. ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે અને ગુજરાત પોલીસ પણ એલર્ટ પર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટાઇગર શ્રોફ પર ફાયરિંગ: ફડણવીસની ચેતવણી- કોઈ પણ ગેંગને છોડવામાં નહીં આવે, ગુજરાત પોલીસ પણ ઍલર્ટ

Tiger Shroff Firing Case: CM Fadnavis Warns Bishnoi Gang, Crime Branch Probe Underway | માયાનગરી મુંબઈમાં સેલેબ્રિટીઝની સુરક્ષા સામે ફરી એકવાર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થયો છે. જાણીતા બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર થયેલા જીવલેણ હુમલાએ સિનેમા જગતમાં સનસનાટી મચાવી દીધી છે. રવિવારે રાત્રે બનેલી આ ઘટના મામલે હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન સામે આવ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે હુમલાના માસ્ટરમાઇન્ડ દુનિયાના ગમે તે ખૂણે છુપાયેલા હશે, કાયદો તેમને શોધી કાઢશે. રવિવારે રાત્રે બનેલી ઘટના બાદ મુખ્યમંત્રીએ ટાઇગર શ્રોફ સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેમના ખબર-અંતર પૂછ્યા હતા અને સરકાર તેમની પડખે હોવાની ખાતરી આપી હતી.

'હુમલાખોરોના આકાઓને શોધી કાઢીશું': મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ચેતવણી

સોમવારે પત્રકારો સાથે વાતચીત કરતાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે મુંબઈ પોલીસે આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લીધી છે. તેમણે કહ્યું કે, આ ખૂબ જ ગંભીર અને નિંદનીય બાબત છે. પોલીસે આને ગંભીરતાથી લીધી છે. પોલીસને કેટલાક પુરાવા મળ્યા છે. પોલીસે ઓળખ કરી છે કે આ લોકો દેશની બહારથી ઓપરેટ કરી રહ્યા છે. આ ડરપોક લોકો છે, જે છુપાઈ-છુપાઈને વાર કરવાનું કામ કરે છે. કોઈ પણ ગેંગ હોય, તેને છોડવામાં નહીં આવે. સીધા કેવી રીતે કરવા એ મુંબઈ પોલીસ સારી રીતે જાણે છે. આમના આકા ગમે ત્યાં બેઠા હોય, કાયદાકીય પ્રક્રિયા પૂરી કરીને તેમને શોધી કાઢીશું. વિપક્ષ આ મામલાને હાઇજેક કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ એ જ લોકો છે જે અગાઉ પોતાની પોલીસ પાસે હત્યાઓ કરાવતા હતા અને બદલી-પોસ્ટિંગમાં પૈસા ખાતા હતા. કોઈ પણ ગેંગ હોય, કોઈને છોડવામાં નહીં આવે.

હુમલાખોરો મહારાષ્ટ્ર બહારથી ઓપરેટ કરી રહ્યા છે: ફડણવીસ

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, આ ગુનેગારો પૈકી કોઈ પણ વ્યક્તિ મહારાષ્ટ્રની અંદરથી ઓપરેટ કરતો નથી. જે લોકો રાજ્યની અંદરથી ઓપરેટ કરી રહ્યા હતા, તેમની અગાઉ જ ધરપકડ કરી લેવામાં આવી છે. આ ગુનેગારો મહારાષ્ટ્રની બહારથી અથવા તો દેશની બહારથી નેટવર્ક ચલાવી રહ્યા છે. અન્ય રાજ્યો સાથે સંકલન સાધીને અને વિદેશથી ઓપરેટ કરનારાઓ સામે કેન્દ્ર સરકારની મદદ મેળવીને અમે તેમને ટ્રેક કરીશું અને કડક પગલાં ભરીશું.

ફૂટબોલ રમીને પરત ફરતાં 5 રાઉન્ડ ફાયરિંગ: ટાઇગર અને ડ્રાઇવર ઈજાગ્રસ્ત

રવિવારે ટાઇગર શ્રોફ ફૂટબોલ રમીને પરત ફરી રહ્યો હતો, તે દરમિયાન બે અજાણ્યા હુમલાખોરોએ અચાનક 5 રાઉન્ડ અંધાધૂંધ ફાયરિંગ કરી દીધું હતું. આ હુમલામાં ટાઇગર શ્રોફના ડ્રાઇવરને સીધી ગોળી વાગી હતી, જ્યારે પોતે ટાઇગર શ્રોફ પણ ઈજાગ્રસ્ત થયો હતો. પ્રાથમિક તપાસ વચ્ચે આ હુમલાની જવાબદારી કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગે સ્વીકારી હોવાની વિગતો સામે આવતાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે.

45 મિનિટ રેકી અને પ્લાન્ડ એસ્કેપ: પુષ્પા પાર્કથી અંધેરી સ્ટેશન સુધીનો રૂટ

  • સ્થળ પર રેકી: હુમલો કરતાં પહેલાં શૂટર્સે વિસ્તારની વ્યવસ્થિત રેકી કરી હતી.
  • બાઇક છોડીને ફરાર: હુમલા બાદ આરોપીઓ મોટરસાઇકલ લઈને તાબડતોબ અંધેરી પશ્ચિમ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસ બીટ ચોકી નજીક જ બાઇક મૂકીને ફરાર થઈ ગયા હતા.

તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ: ગુજરાત પોલીસ પણ એલર્ટ મોડ પર

આ કેસની સંવેદનશીલતા અને આંતરરાજ્ય કનેક્શનને ધ્યાને રાખીને તપાસ તાત્કાલિક અસરથી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. મીડિયા અહેવાલો અનુસાર મુંબઈ પોલીસ દ્વારા મળેલી બાતમીના આધારે ગુજરાત પોલીસ પણ સંપૂર્ણ એલર્ટ થઈ ગઈ છે. પોલીસ સૂત્રો મુજબ હુમલાખોરો ભાગીને ગુજરાતના સુરત શહેરમાં આશરો લઈ શકે છે એવી માહિતી મળતાં જ સુરતમાં પોલીસ દ્વારા સઘન અને નિયમિત વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.