| (AI IMAGE) |
Haridwar Accident: ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના ઝબરેડા વિસ્તારમાંથી એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક ત્રણ વર્ષની માસૂમ બાળકીનું તેના જ પિતાના વાહન નીચે આવી જવાથી મોત નીપજ્યું છે. પિતા જ્યારે કામ પરથી ઘરે પરત ફર્યા ત્યારે પિતાને મળવા દોડેલી દીકરી કાળનો કોળિયો બની ગઈ હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, ઝબરેડાના રહેવાસી રવિ કુમાર વ્યવસાયે લોડિંગ વાહન ચલાવે છે. સોમવારે રાત્રે આશરે 8 વાગ્યાની આસપાસ તેઓ પોતાનું કામ પતાવીને ઘરે પરત ફર્યા હતા. રવિ કુમાર જ્યારે ઘરના આંગણામાં પોતાની ગાડી પાર્ક કરી રહ્યા હતા, ત્યારે ગાડીનો અવાજ સાંભળીને તેમની 3 વર્ષની નાની દીકરી નીલમ ઉત્સાહમાં આવીને પિતાને મળવા માટે દોડી હતી.
રિવર્સ લેતી વખતે સર્જાયો અકસ્માત
બાળકી દોડીને ગાડીની પાછળના ભાગે ઉભી રહી ગઈ હતી, જેનો અંદાજ રવિ કુમારને રહ્યો ન હતો. અંધારું હોવાને કારણે અને રિવર્સ લેતી વખતે દીકરી પાછળ હોવાની જાણ ન હોવાથી, માસૂમ નીલમ ગાડીના ટાયર નીચે આવી ગઈ હતી. બાળકીની ચીસ સાંભળીને પરિવારના સભ્યો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું.
આ પણ વાંચો: RTE હેઠળ 25% અનામતનો કડક અમલ કરવા સુપ્રીમ કોર્ટનો રાજ્યોને આદેશ
પરિવારમાં માતમનો માહોલ
બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. પોતાની જ ભૂલને કારણે વ્હાલસોયી દીકરી ગુમાવનાર પિતા અને અન્ય સભ્યોની ખરાબ હાલત છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મામલાની તપાસ હાથ ધરી હતી. અત્યંત ગમગીન માહોલમાં બાળકીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રવિ કુમારને બે દીકરીઓ છે, જેમાં નીલમ નાની હતી.


