- શેલ્ટર હોમને ઉજ્જવલા ઘર નામ આપ્યું છે
નવી દિલ્હી તા.21 જાન્યુઆરી 2021 ગુરૂવાર
છત્તીસગઢના બિલાસપુરમાં આવેલા ઉજ્જવલા હોમની મહિલાઓએ એવો આક્ષેપ કર્યો હતો કે આ સંસ્થા ચલાવતી એનજીઓ શિવ મંગલ શિક્ષણ સમિતિના કર્મચારીઓ અમારા પર રેપ કરતા હતા.
આ શેલ્ટર હોમમાં મહિલાઓને બંદી બનાવીને તેમના પર રેપ કરાઇ રહ્યા હોવાના ચોંકાવનારા રિપોર્ટ આવ્યા હતા. વીસ વર્ષની એક મહિલાએ મિડિયાને કહ્યું કે મેં મારી પુત્રીને મળવાની પરવાનગી માગી તો એ લોકોએ મને મારપીટ કરી અને મારા પર જાતીય અત્યાચાર કર્યા.
આ મહિલા સહિત કુલ ત્રણ મહિલાઓએ એવો આક્ષેપ કર્યો હતો કે શિવ મંગલ શિક્ષણ સમિતિના કર્મચારીઓ અમારા પર જાતીય દુરાચાર આચરે છે અને અમને મારપીટ પણ કરે છે. આ મહિલાઓએ એવો આક્ષેપ કર્યો હતો કે સમિતિના કર્મચારી સેક્સ રેકેટ ચલાવી રહ્યા હતા.
કેન્દ્ર સરકારે ઉજ્જવલા મહિલા અને બાલ વિકાસ મંત્ર્યાલય દ્વારા મહિલાઓના સશક્તિકરણ અને સંરક્ષણની યોજના ઘડી હતી. આ યોજના હેઠળ 2019-20માં શિવ મંગલ શિક્ષણ સમિતિને સાડા ચૌદ લાખ રૂપિયા ગ્રાન્ટ રૂપે મળ્યા હતા. સંબંધિત મહિલાઓ અને તેમના પરિવારેાએ પોલીસનો સંપર્ક સાધ્યો ત્યારે શિક્ષણ સમિતિના પદાધિકારીઓએ તેમને ધાકધમકી આપી હતી અને તેમની સાથે ગેરવર્તન કર્યું હતું એવો પણ આ મહિલાઓનેા આક્ષેપ હતો. રસપ્રદ મુદ્દો એ હતો કે પોલીસે આ મહિલાઓની મેડિકલ તપાસ કરાવવા સુદ્ધાંના પગલાં લીધાં નહોતા. જો કે ફર્સ્ટ ઇન્ફર્મશન રિપોર્ટ લખ્યો હતો ખરો એમ આ મહિલાએાએ મિડિયાને કહ્યું હતું.
બુધવારે આ મહિલાઓનાં સ્વજનોએ બિલાસપુર રેંજના ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ રતનલાલ ડાંગીને એક નિવેદન પત્ર આપ્યો હતો જેમાં ઉજ્જવલા હોમના કર્મચારીઓ દ્વારા કરાયેલા જાતીય ગેરવર્તનની વિગતો લખેલી હતી. પોલીસ પ્રવક્તાએ કહ્યું હતું કે આ મહિલાઓનું મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આજે ગુરૂવારે નોંધવામાં આવશે.


