અક્કલ કામ ન કરે તેવી છેતરપિંડી! નકલી SBI બેંક ખોલી, 3 મહિના બાદ ભાંડો ફૂટ્યો
નકલી SBI બેંકમાં તમામ કાગળો પણ ડુપ્લીકેટ
આરોપીમાં બેંક કર્મચારીનો પૂત્ર પણ સામેલ
Fake SBI Bank in Tamil Nadu : દેશમાં ગજબની છેતરપિંડી સામે આવી છે. આરોપીઓએ ભેગા મળી આખેઆખી નકલી SBI બેંક ખોલી નાખવાનો પર્દાફાશ થયો છે. તમિલનાડુમાં ત્રણ મહિનાથી નકલી SBI બેંક ચલાવી રહેલા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તમિલનાડુ પોલીસે (Tamil Nadu Police) કહ્યું છે કે, પન્નુતિ વિસ્તારમાં નકલી SBI બેંક હોવાના મામલામાં ત્રણ આરોપીની ધરપકડ કરાઈ છે, જેમાં એક આરોપી પૂર્વ બેંક કર્મચારીનો પુત્ર છે.
માસ્ટરમાઈન્ડના માતા-પિતા પૂર્વ બેંક કર્મચારી
મીડિયા અહેવાલો મુજબ પોલીસે જણાવ્યું કે, કમલ બાબુ નકલી બેંક ખોલવાનો માસ્ટરમાઈન્ડ હતો, તેના માતા-પિતા બંને પૂર્વ બેંક કર્મચારી હતા. તેના પિતાનું 10 વર્ષ પહેલા મોત થયું હતું અને માતા બે વર્ષ પહેલા નિવૃત્ત થયા હતા. જ્યારે બીજો આરોપી પન્નુતિ વિસ્તારમાં પ્રિન્ટિંગ પ્રેસ ચલાવી રહ્યો હતો અને ત્રીજો આરોપી સ્ટેમ્પ પેપર છાપવાનું કામ કરતો હતો.
પ્રિન્ટીંગ પ્રેસમાં બેંકના કાગળો છાપતા હતા
ત્રણ આરોપીઓમાંથી એક પ્રિન્ટીંગ પ્રેસ ચલાવતો હતો. લોકોને નકલી બેંક હોવાની જાણ ન થાય તે માટે પ્રિન્ટિંગ પ્રેસમાં જ બેંકના તમામ નકલી કાગળો અને અન્ય દસ્તાવેજો છાપતા અને રબર સ્ટેમ્પની દુકાનમાંથી બેંકના સ્ટેમ્પ તૈયાર કરાવતા હતા.
અસલી SBI બેંકના મેનેજરે ભાંડો ફોડ્યો
જ્યારે અસલી એસબીઆઈ બેંકના મેનેજરે પન્નુતિ વિસ્તારમાં એસબીઆઈ બ્રાન્ચની શાખા જોઈ, તો તેમણે આશંકા વ્યક્ત કરી ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ નવી શાખાનું જાણી બેંકના ઝોનલ અધિકારી પણ ચોંકી ગયા હતા.
પન્નુતિમાં બે SBI બ્રાન્ચ, ત્રીજી કેવી રીતે આવી?
પન્નુતિ વિસ્તારમાં બે એસબીઆઈ બ્રાન્ચ હોવા છતાં આરોપીઓએ તવધુ એક બ્રાન્ચ ખોલી દીધી હતી. મેનેજરને માત્ર બે બ્રાન્ચ અંગે જાણ હતી, પરંતુ તેમની પાસે ત્રીજી બાન્ચ અંગે કોઈપણ માહિતી કે કાગળ ન હતા. આ અંગે મોટા અધિકારીઓને જાણ કરાયા બાદ તે બ્રાન્ચ પર ટીમ પહોંચી ગઈ હતી. નકલી બ્રાન્ચ તદ્દન એસબીઆઈ બ્રાન્ચ જેવી જ દેખાતી હતી. ઘટના બાદ અધિકારીઓએ તુરંત પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા મુજબ નકલી બેંકમાંથી કોઈપણ ટ્રાન્ઝેક્શન થયું નથી.