ભારતમાં અનેક સરકારી યોજનાઓ અને સબસિડીનો લાભ લઈ રહ્યા છે બાંગ્લાદેશીઓ, પોલીસ તપાસમાં ખુલાસો
Illegally Bangladeshi Gets Benefits Of Govt Scheme: બાંગ્લાદેશી નાગરિકો સામે દિલ્હી પોલીસની કાર્યવાહીમાં એક મોટો ખુલાસો થયો છે. દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં ગેરકાયદેસર રીતે રહેતા હજારો બાંગ્લાદેશીઓ સબસિડીવાળી યોજનાઓનો લાભ લઈ રહ્યા હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે. પોલીસે આ સંદર્ભમાં ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે. તપાસમાં જાણવા મળ્યું કે ગેંગ લીડર ચાંદ મિયાંએ હજારો બાંગ્લાદેશી નાગરિકોને દેશભરમાં સ્થાયી કર્યા હતાં. તેમજ તે બાંગ્લાદેશથી લોકોને ભારતમાં લાવી નોકરી અપાવતો હતો.
પોલીસ ગેંગના સભ્યોની પૂછપરછ કરી રહી છે અને અન્ય આરોપીઓની ઓળખ અને ધરપકડ કરવા માટે દરોડા પાડી રહી છે. ડીસીપી રવિ કુમારે જણાવ્યું કે અસલમની પૂછપરછ બાદ ઈન્સ્પેક્ટર વિષ્ણુ દત્તની ટીમે તેની ગેંગના બાંગ્લાદેશી નાગરિકો ચાંદ મિયાં, મોહમ્મદ અલી હુસૈન, મોહમ્મદ મિજાન, ફાતિમા, રેડિશ મુલ્લા અને ભારતીય નાગરિકો રંજન કુમાર, લુકમાન, મોહમ્મદ અનિસ, રહિમુદ્દીન અલી, શબ્બીર અલીની ધરપકડ કરી હતી. રંજન કુમાર, મોહમ્મદ અનિસ અને શબ્બીર અલી બાંગ્લાદેશીઓના આધાર કાર્ડ બનાવવાનું કામ કરતા હતા.
પોલીસે આકરી તપાસ કરી
દિલ્હીના ડીસીપીએ જણાવ્યું કે ઇન્સ્પેક્ટર વિષ્ણુ દત્તની ટીમે અસલમની પૂછપરછ કર્યા પછી ચાંદ મિયાં વિશે માહિતી મેળવી હતી. પોલીસ તેનો પીછો કરતાં છેક બાંગ્લાદેશ સુધી પહોંચી હતી. એસઆઈ સત્યનારાયણ, એસઆઈ સુધીર અને એએસઆઈ ઉપેન્દ્રની એક ટીમને લગભગ દોઢ મહિના સુધી ગુવાહાટીમાં રહીને ચાંદ મિયાં અને તેના નેટવર્ક વિશે માહિતી એકત્રિત કર્યા હતા. આ જ ટીમે બાંગ્લાદેશથી ભારત પરત ફરી રહેલા ચાંદ મિયાંની ધરપકડ કરી હતી.
નકલી આધારકાર્ડ બનાવવાનું રેકેટ
મોહમ્મદ અનીસ, શબ્બીર અલી બાંગ્લાદેશી નાગરિકોના નકલી આધાર કાર્ડ તૈયાર કરતા હતા. જ્યારે, રહીસુદ્દીન અલી જન્મ અને જાતિ પ્રમાણપત્રો બનાવી આપતો હતો. આરોપીઓ આ દસ્તાવેજો અને મોબાઇલ સિમ કાર્ડ બાંગ્લાદેશી નાગરિકોને આપતા હતા. ચાંદની માહિતીના આધારે, દિલ્હી પોલીસની ટીમે ચેન્નઈમાં વિવિધ ગોદામો પર દરોડા પાડી ૩૩ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી હતી. પૂર્વ દિલ્હીની મંડાવલી પોલીસે તાજેતરમાં જ ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતી છ બાંગ્લાદેશી મહિલાઓને પકડી હતી. પોલીસે આ તમામ મહિલાઓને બાંગ્લાદેશ પરત મોકલવા માટે દેશનિકાલ પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
આ પણ વાંચોઃ ભારતે પાકિસ્તાન જતું ચિનાબ નદીનું પાણી રોક્યું, સિંધુ સંધિ પર રોક બાદ પહેલો મોટો નિર્ણય
નોકરી માટે સસ્તા મજૂરો
તપાસમાં જાણવા મળ્યું છે કે, 55 વર્ષીય ચાંદ મિયાં ચાર વર્ષની ઉંમરે ભારત આવ્યો હતો. તે છેલ્લા 12 વર્ષથી બાંગ્લાદેશી નાગરિકોને ભારતમાં વસાવવાનું કામ કરી રહ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે તે પહેલા સીમાપુરી અને પછી દિલ્હીના તૈમૂર નગરમાં રહેતો હતો. થોડા વર્ષો પહેલા ચેન્નઈ શિફ્ટ થયો હતો. અહીં તેણે વેરહાઉસ અને દુકાનો ચલાવતા લોકો સાથે કરાર કરી તેઓને સસ્તા દરે કમિશન પર મજૂરો પૂરા પાડવાનો સાઠગાંઠ કરી હતી. આરોપીએ જણાવ્યું કે તે દર મહિને ત્રણ વખત બાંગ્લાદેશ જતો હતો અને દરેક વખતે તે ત્યાંથી 8 થી 10 બાંગ્લાદેશી નાગરિકોને પોતાની સાથે લાવતો હતો.
51 બાંગ્લાદેશીઓની ધરપકડ
દિલ્હી પોલીસના એન્ટી-નાર્કોટિક્સ સ્ક્વોડ દ્વારા 51 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં બાંગ્લાદેશી નાગરિકોને ભારતમાં સ્થાયી કરાવતી ગેંગના 11 સભ્યો સમાવિષ્ટ છે. તેમાં પાંચ ભારતીય નાગરિકો પણ સામેલ છે. ગેંગ લીડર ચાંદ મિયાંએ જણાવ્યું હતું કે તેની ગેંગ બાંગ્લાદેશી નાગરિકોને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશવામાં, નકલી દસ્તાવેજો બનાવવામાં અને રોજગાર મેળવવામાં મદદ કરતી હતી. ઘણા બાંગ્લાદેશીઓ પણ પકડાયા હતા. જેઓ ભારત સરકાર પાસેથી સરકારી યોજનાઓ માટે સબસિડી લેતા હતા. પૂછપરછ બાદ પોલીસે ચેન્નઈથી 33 બાંગ્લાદેશી નાગરિકોની પણ ધરપકડ કરી. આ ઉપરાંત, 100 કરતાં વધુ બાંગ્લાદેશી અને એજન્ટો પોલીસ તપાસ હેઠળ છે. આઠ બાંગ્લાદેશી નાગરિકોને ટ્રેનમાંથી પકડીને દેશનિકાલ માટે FRROને સોંપવામાં આવ્યા હતા.
ડીસીપી રવિ કુમારે જણાવ્યું હતું કે 12 માર્ચે પોલીસને માહિતી મળી હતી કે એક બાંગ્લાદેશી નાગરિક તૈમૂર નગરના હિલ નંબર 2 માં ગેરકાયદેસર રીતે રહે છે. પોલીસે 25 વર્ષીય આરોપી અસલમ ઉર્ફે XX માસૂમની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે તે બાંગ્લાદેશના નોઆખલી વિસ્તારનો રહેવાસી છે. પોલીસે તેની પાસેથી ભારતીય આધાર કાર્ડ અને બાંગ્લાદેશી ઓળખપત્ર જપ્ત કર્યું છે.