Get The App

આ મહિલા માત્ર યુપી જ નહી સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા

૧૯૪૯માં સંયુકત રાષ્ટ્રસંઘમાં ભારતનું પ્રતિનિધિત્વ પણ સંભાળ્યું હતું

નેહરુ અને ઇન્દિરા ગાંધીને પસંદ ના હોવા છતાં મુખ્યમંત્રી બન્યા હતા.

Updated: Dec 18th, 2021

GS TEAM

Google News
Google News
આ મહિલા માત્ર યુપી જ નહી સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા 1 - image


નવી દિલ્હી,૧૮ ડિસેમ્બર,૨૦૨૧,શનિવાર 

 ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચુંટણી માટે રાજકિય પક્ષો શતરંજ બિછાવી રહયા છે. એક જમાનામાં ઉત્તરપ્રદેશમાં કૉગ્રેસનું સમગ્ર દેશમાં એકચક્રી શાસન હતું. દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના જમાનામાં સીબી ગુપ્તા તરીકે ઓળખાતા ચંદ્રભાનુ ગુપ્તાનું ખૂબ મોટું નામ હતું. ઉત્તરપ્રદેશમાં તેમનું રાજકિય કદ એટલું વિશાળ હતું કે દિલ્હીમાં બેઠેલા નેતાઓ પણ તેમનાથી ફફડતા હતા. જવાહરલાલ નેહરુએ કોઇની ચડામણીથી સીબી ગુપ્તા પાસેથી બળજબરીથી મુખ્યમંત્રી પદે રાજીનામું લઇ લીધું હતું.  આ ઘટના પછી ઉત્તર પ્રદેશની કમાન એક મહિલાએ સંભાળી જે યુપીના જ નહી સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા.૧૯૬૨માં યુપીમાં કોગ્રેસ કમલાપતિ ત્રિપાઠી અને ચંદ્રભાનુ ગુપ્તા એમ બે ભાગમાં વહેંચાઇ ગઇ હતી. 

આ મહિલા માત્ર યુપી જ નહી સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા 2 - image

 ચંદ્રભાનુને સીએમ પદથી હટાવ્યા પછી પણ પ્રદેશના રાજકારણમાં તેઓ ઇચ્છે તે જ સીએમ બને તેવો પ્રભાવ ધરાવતા હતા. પદચ્યૂત મુખ્યમંત્રી ચંદ્રભાનુ ગુપ્તા પોતાની વિરુધના ગુ્રપમાંથી કોઇ મુખ્યમંત્રી બને તેમ ઇચ્છતા ન હતા. એ સમયે આચાર્ય કૃપલાની હોસ્પિટલમાં સારવાર લઇ રહયા હતા. ચંદ્રભાનુ તેમના ખબર અંતર પુછવા હોસ્પિટલ ગયા ત્યારે કૃપલાનીએ પોતાની પત્ની સુચેતા તરફ ઇશારો કરીને મુખ્યમંત્રી બનાવવાની વાત કરી.

સીબી ગુપ્તાને પણ લાગ્યું કે નેહરુ અને ઇન્દિરા ગાંધી સહિતના નેતાઓને જવાબ આપવા માટે આનાથી સારો મોકો મળશે નહી. સુચેતા કોઇ જ ગુ્પમાં ન હતી આથી કોંગ્રેસ પણ એક સારા વિકલ્પ તરીકે જોતી હતી. છેવટે સીબી ગુપ્તાની સમજણ અને ઇચ્છા પ્રમાણે સુચેતા કૃપલાની ભારતના સૌથી મોટા રાજય ઉત્તરપ્રદેશની મુખ્યમંત્રી બન્યા હતા. નવાઇની વાત તો એ હતી કે સુચેતાના નામનો નહેરુ અને ઇન્દિરા ગાંધીએ પણ વિરોધ કર્યો હતો કારણ કે સુચેતા પોતાના પતિની જેમ જ ઝુકવામાં કે ચાપલૂસી કરવામાં માનતી ન હતી. 

આ મહિલા માત્ર યુપી જ નહી સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા 3 - image

સુચેતા મુખ્યમંત્રી બન્યા તે પહેલા સંવિધાનસભામાં પણ સભ્ય તરીકે સક્રિય રહી હતી. ૧૯૪૦માં સુચેતા કૃપલાની ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની મહિલા શાખા અખિલ ભારતીય મહિલા કૉગ્રેસની સ્થાપના કરી હતી. ૧૯૪૨માં ભારત છોડો આંદોલનમાં ભાગ લઇને જેલવાસ ભોગવ્યો હતો.૧૯૪૬માં સંવિધાનસભા ઉપરાંત ૧૯૪૯માં સંયુકત રાષ્ટ્ર મહાસભા (યુનાઇટેડ નેશન)માં ભારતીય પ્રતિનિધિ તરીકે સેવા આપી હતી. સુચિતાના પતિ જેબી કૃપલાનીએ આઝાદી પછી જવાહરલાલ નેહરુથી અલગ થઇને કિસાન મજદૂર પ્રજા પાર્ટી બનાવી હતી.

૧૯૫૨માં સુચેતા કૃપલાની કિસાન મજદૂર પાર્ટીની ટીકિટ પર નવી દિલ્હીમાં સાંસદ તરીકે ચુંટાઇ હતી. ૧૯૫૭માં કૉગ્રેસમાં આવીને લોકસભાની સાંસદ ચુંટણી જીત્યા પછી  નેહરુ સરકારમાં રાજયમંત્રી પણ રહી હતી. સુચેતાને અચાનક જ નહેરુએ ઉત્તરપ્રદેશના રાજકારણમાં ઉતાર્યા હતા. સુચેતા ઉત્તરપ્રદેશના મેંઢવાલ વિધાનસભા બેઠક પર વિધાનસભ્ય બની હતી. સુચેતાએ ૧૯૬૩માં મુખ્યમંત્રી પદ સંભાળ્યું જે ૧૯૬૭ સુધી જાળવ્યું હતું. સુચેતાને પોતાના રાજકિય સમર્થક ચંદ્રભાનુ ગુપ્તા સાથે મતભેદ થતા રાજકારણમાંથી વળતા પાણી થયા હતા. ૧૯૬૭માં થયેલી ચુંટણી પછી ઇન્દિરા ગાંધીને પસંદ હતા એવા ચંદ્રભાનુ ગુપ્તા મુખ્યમંત્રી બન્યા હતા.ત્યાર પછી સુચેતાએ રાજકારણમાંથી ક્ષેત્ર સંન્યાસ લીધો હતો. 

આ મહિલા માત્ર યુપી જ નહી સ્વતંત્ર ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા 4 - image

સૂચેતાનો જન્મ ૨૫ જૂન ૧૯૦૮માં હરિયાણાના અંબાલામાં થયો હતો. નાનપણથી જ રાજકારણમાં ખૂબ  રસ હતો. જલિયાવાલા બાંગ હત્યાકાંડ થયા ત્યારે સુચેતાને ખૂબ ગુસ્સો આવ્યો હતો. પરિપકવ ઉંમર થયા પછી રાજકારણમાં ઝંપલાવ્યું અને આઝાદીની નાની મોટી ઘટનાઓમાં ભાગ લીધો હતો. ૧૯૩૪માં બિહારમાં ભૂકંપ આવ્યો ત્યારે ૨૪ વર્ષની ઉંમરની સુચેતાએ ભૂકંપ પીડિતોની મુલાકાત લીધી હતી.

અહીંયા તેમની મુલાકાત જીવતરામ ભગવાનદાસ કૃપલાની (જેબી કૃપલાની) સાથે થઇ હતી. એ સમયે સ્વતંત્રતા આંદોલનના તેઓ ખૂબ મોટા નેતા ગણાતા હતા. બંને વચ્ચે પરીચય ગાંઠ બનતા પ્રેમ થયો હતો છેવટે સંબંધો લગ્નમાં પરીણમ્યા હતા. ૧૯૩૮માં આચાર્ય જેબી કૃપાલાની અને સુચેતાએ લગ્ન કરવાનું વિચાર્યુ ત્યારે તેમનો પરીવાર અને ગાંધીજી બંને એક વિરોધમાં હતા. ગાંધીજીનો વિરોધ હોવા છતાં સૂચેતાએ પોતાનાથી ૨૦ વર્ષ મોટા જીબી કૃપલાની સાથે લગ્ન કર્યા હતા.

                               

Tags :