Updated: May 26th, 2023
Image Source: Facebook
લખનૌ, તા. 26 મે 2023 શુક્રવાર
વારાણસીમાં ગંગાની લહેરો પર વોટર ટેક્સી દોડતી જોવા મળશે. આ સેવાના શરૂ થયા બાદ ગંગાના માર્ગે બાબા વિશ્વનાથના દરબાર જવાનો રસ્તો સરળ થઈ જશે. શરૂઆતી સમયમાં 2 વોટર ટેક્સી ચલાવવામાં આવશે બાદમાં તેની સંખ્યા પણ વધારાશે. હાલ તંત્રએ આની સફળ ટ્રાયલ પણ કરી લીધી છે. આ વોટર ટેક્સીમાં એક સાથે 86 લોકો મુસાફરી કરી શકશે.
અધિકારીના જણાવ્યા અનુસાર રામનગરથી નમો ઘાટ વચ્ચે આ વોટર ટેક્સીને ચલાવવામાં આવશે. આ રૂટમાં રવિદાસ ઘાટ, અસ્સી ઘાટ, દશાશ્વમેઘ અને લલિતા ઘાટ પર આનુ સ્ટોપેજ હશે. ગુજરાતની એક કંપનીના સીએસઆર ફંડ દ્વારા આ વોટર ટેક્સીને ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
શ્રદ્ધાળુ પગપાળા જતા હતા
આ સેવા શરૂ થયા બાદ ગંગાના માર્ગે ઘાટોના દર્શન કરતા શ્રદ્ધાળુ બાબા વિશ્વનાથ દરબાર સુધી સરળતાથી પહોંચી જશે. વર્તમાન સમયમાં દશાશ્વમેઘ ઘાટથી લોકો પગપાળા મુસાફરી કરીને લલિતા ઘાટ થતા ગંગા દ્વારના માર્ગે શ્રદ્ધાળુ બાબા વિશ્વનાથ દરબાર પહોંચે છે.
ભાડુ ફિક્સ રહેશે
આ સિવાય અન્ય શ્રદ્ધાળુ બનારસના અન્ય ઘાટોથી નાવ દ્વારા પણ ગંગા દ્વાર થતા બાબા વિશ્વનાથ ધામ સુધી જતા હતા પરંતુ આ માટે તેમને મોટી રકમ ચૂકવવી પડે છે. પરંતુ વોટર ટેક્સીની સેવા શરૂ થયા બાદ ઓછા ભાડાથી શ્રદ્ધાળુ બાબા વિશ્વનાથ ધામ જશે. આ માટે ભાડુ નક્કી કરવામાં આવશે આ ભાડાના રેટને દરેક સ્ટોપેજ પર ચોંટાડવામાં આવશે જેનાથી મુસાફરોને આની જાણકારી મળી શકે.