Get The App

સ્વરકોકિલા લતા મંગેશકરનું સાચું નામ હતું હેમા, આ કારણથી નહોતા કર્યા લગ્ન...

Updated: Feb 6th, 2022

GS TEAM

Google News
Google News
સ્વરકોકિલા લતા મંગેશકરનું સાચું નામ હતું હેમા, આ કારણથી નહોતા કર્યા લગ્ન... 1 - image

- આશા ભોસલેએ લવ મેરેજ કરી લીધાઆ કારણે લતા મંગેશકર તેમના પર ખૂબ જ રોષે ભરાયા હતા અને બંને વચ્ચે અણબનાવ થયો હતો

મુંબઈ, તા. 06 ફેબ્રુઆરી, 2022, રવિવાર

ભારતના સ્વરકોકિલા લતા મંગેશકર એક એવા ગાયિકા છે જેમણે શાળામાં પગ મુક્યા વગર જ વિશ્વની જાણીતી યુનિવર્સિટીઓમાંથી ડિગ્રી મેળવેલી છે. લતા મંગેશકરનું જીવન અને સમગ્ર જીવનકાળ દરમિયાનનો તેમનો સંઘર્ષ સૌ કોઈ માટે પથદર્શક બની શકે તેમ છે. તેમણે પોતાના પરિવાર માટે થઈને કદી પણ લગ્ન ન કરવાનો નિર્ણય લીધો હતો. 

સાચું નામ

લતા મંગેશકરનો જન્મ મધ્ય પ્રદેશના ઈંદોર ખાતે એક સાવ સામાન્ય પરિવારમાં થયો હતો. 28 સપ્ટેમ્બર, 1929ના રોજ જન્મેલા લતા મંગેશકરનું સાચું નામ હેમા હરિડકર હતું. તેમના પિતાએ તેમના ગામ મંગેશી પરથી બાળકોની અટક મંગેશકર કરી દીધી હતી. ત્યાર બાદ હેમાએ સંગીતની દુનિયામાં ડગ માંડ્યા અને તેઓ લતા મંગેશકર તરીકે ઓળખાયા. લતા મંગેશકર ખૂબ નાના હતા ત્યારે જ તેમના પિતાનું અવસાન થયું હતું અને ઘરની જવાબદારી તેમના માથે આવી ગઈ હતી. 

આર્થિક સ્થિતિ કથળી

લતા મંગેશકરે પોતાની નાની બહેનોને ભણાવવા માટે પોતાનો અભ્યાસ જતો કર્યો હતો. ઘરની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે તેમણે શાળાએ જવાનું છોડી દીધું હતું અને ઘરે રહીને ભણવાનું ચાલુ કર્યું હતું. તેમણે પહેલેથી પોતાના પિતા સાથે મરાઠી સંગીત નાટકોમાં કામ કરેલું હતું. આ સાથે જ 14 વર્ષની ઉંમરે તેમણે મોટા શો અને નાટકોમાં અભિનયની શરૂઆત કરી હતી. 

આશા-લતા વચ્ચે અણબનાવ

1942ના વર્ષમાં તેમના પિતાનું અવસાન થયું હતું અને 7 વર્ષ બાદ ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો થવા લાગ્યો ત્યારે આશા ભોસલેએ લવ મેરેજ કરી લીધા હતા. આ કારણે લતા મંગેશકર તેમના પર ખૂબ જ રોષે ભરાયા હતા અને બંને વચ્ચે અણબનાવ થયો હતો. 1949માં આશાએ ગણપતરાવ ભોસલે સાથે લવ મેરેજ કર્યા હતા. 

પરિવાર માટે પોતાનું બલિદાન

આશાએ લગ્ન કરી લીધા ત્યાર બાદ ફરી એક વખત ઘરની તમામ જવાબદારી લતા મંગેશકરના ખભે આવી ગઈ હતી. જોકે ત્યાં સુધીમાં તેઓ પોતે ખૂબ પ્રખ્યાત થઈ ગયા હતા અને લોકો તેમને આશા કરતાં પણ વધારે માન આપતા હતા. એક ઈન્ટરવ્યુ દરમિયાન લતા મંગેશકરે પોતે પરિવારની જવાબદારીના કારણે કદી લગ્ન વિશે વિચારી જ ન શક્યા તેમ જણાવ્યું હતું. લતા મંગેશકરને તેમનાથી નાના 4 ભાઈ-બહેન છે જેમાં બહેનોના નામ મીના મંગેશકર, આશા ભોસલે, ઉષા મંગેશકર અને ભાઈનું નામ હૃદયનાથ મંગેશકર છે.