India

'આ નિર્ણય કંઈ ગઈકાલે નથી લેવાયો...' પાસપોર્ટ અને નાગરિકતાના વિવાદ પર કેન્દ્ર સરકારની સ્પષ્ટતા

By GS TEAM
25 Jun 20263 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકારે ગુરુવારે સ્પષ્ટતા કરી કે ભારતીય પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી, આ દાયકાઓ જૂનો કાયદો છે. વિદેશ મંત્રાલયે 'પાસપોર્ટ સેવા દિવસ' નિમિત્તે જણાવ્યું હતું કે, પાસપોર્ટ મુખ્યત્વે મુસાફરીનો દસ્તાવેજ છે. આ નિવેદનથી વિવાદ થતા સરકારે પાસપોર્ટ એક્ટ, 1967 અને બોમ્બે હાઈકોર્ટના 2013ના ચુકાદાનો હવાલો આપ્યો. ભારતમાં નાગરિકતા જન્મ, વંશાવલી, રજીસ્ટ્રેશન કે દેશીયકરણ દ્વારા નક્કી થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'આ નિર્ણય કંઈ ગઈકાલે નથી લેવાયો...' પાસપોર્ટ અને નાગરિકતાના વિવાદ પર કેન્દ્ર સરકારની સ્પષ્ટતા
(IMAGE - ENVATO)

Indian passport controversy: ભારતીય પાસપોર્ટને નાગરિકતાના પુરાવા તરીકે ગણી શકાય કે નહીં તે અંગે ચાલી રહેલા વિવાદ પર કેન્દ્ર સરકારે ગુરુવારે એક મોટો ખુલાસો કર્યો છે. સરકારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે,

'આ કોઈ નવો નિયમ કે તાજેતરનો નીતિગત ફેરફાર નથી, પરંતુ આ કાનૂની સ્થિતિ દાયકાઓથી અમલમાં છે.'

આ બાબતે વધુ વિગતો આપતા એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે,

'એવું બિલકુલ નથી કે પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી તેવો નિર્ણય ગઈકાલે જ લેવાયો હોય, પણ છેલ્લા 12 વર્ષમાં પણ આવો કોઈ નવો નિર્ણય લેવામાં આવ્યો નથી અને આ કાયદો વર્ષો જૂનો જ છે.'

શા માટે શરૂ થયો વિવાદ?

આ વિવાદની શરૂઆત બુધવારે થઈ, જ્યારે વિદેશ મંત્રાલય (MEA) દ્વારા 'પાસપોર્ટ સેવા દિવસ' નિમિત્તે ચિપ-આધારિત ઈ-પાસપોર્ટના ફાયદાઓ વિશે માહિતી આપવામાં આવી રહી હતી. આ બ્રીફિંગ દરમિયાન મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે પાસપોર્ટ એ મુખ્યત્વે મુસાફરી માટેનો દસ્તાવેજ (ટ્રાવેલ ડોક્યુમેન્ટ) છે, તેથી તેને નાગરિકતાનો અંતિમ કે પાકો પુરાવો ન ગણવો જોઈએ.

વિદેશ મંત્રાલયના આ નિવેદન બાદ વિપક્ષી નેતાઓએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે મોટી ચર્ચા જાગી હતી, લોકો સવાલ ઉઠાવી રહ્યા હતા કે જે દસ્તાવેજ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ અને ઓળખ અપાવે છે, તેને જ દેશની નાગરિકતાનો પુરાવો કેમ ન માની શકાય?

સરકારે આપ્યો કાયદા અને કોર્ટના ચુકાદાનો હવાલો

વિવાદ વધતા સરકારે વર્તમાન કાયદાઓ અને હાઈકોર્ટના જૂના ચુકાદાઓ ટાંકીને પોતાનો બચાવ કર્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે,

'પાસપોર્ટ એક્ટ, 1967 હેઠળ બિન-નાગરિકોને પણ અમુક સંજોગોમાં પાસપોર્ટ આપી શકાય છે. આ સિવાય 2013માં બોમ્બે હાઈકોર્ટે પણ પોતાના એક ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે પાસપોર્ટ એ નાગરિકતાનો પુરાવો નથી.'

શું છે પાસપોર્ટ એક્ટની કલમ 20?

વિદેશ મંત્રાલયે પાસપોર્ટ એક્ટ, 1967ની કલમ 20નો ઉલ્લેખ કર્યો છે. આ જોગવાઈ મુજબ, જો કેન્દ્ર સરકારને લાગે કે તે જાહેર હિતમાં છે, તો તે ભારતના નાગરિક ન હોય તેવી વ્યક્તિને પણ પાસપોર્ટ અથવા ટ્રાવેલ ડોક્યુમેન્ટ ઈશ્યૂ કરી શકે છે. આ જ કારણ છે કે ટેકનિકલ રીતે તેને નાગરિકતાનો ચોક્કસ પુરાવો ગણવામાં આવતો નથી.

તો ભારતની નાગરિકતાનો સાચો પુરાવો કયો?

આ વિવાદ બાદ ફરી એકવાર એ સવાલ ઊભો થયો છે કે જો પાસપોર્ટ પુરાવો નથી, તો દેશમાં નાગરિકતા સાબિત કરતો અલ્ટીમેટ દસ્તાવેજ કયો છે? ફેબ્રુઆરી 2020માં સંસદમાં પણ આવો જ એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું આધાર, પાસપોર્ટ, વોટર આઈડી, પાન કાર્ડ કે જન્મ પ્રમાણપત્રને નાગરિકતાનો અંતિમ પુરાવો ગણી શકાય?

ત્યારે ગૃહ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે,

'ભારત સરકાર કોઈ એક સિંગલ દસ્તાવેજને સત્તાવાર રીતે અંતિમ પુરાવો જાહેર કરતી નથી. નાગરિકતાના તમામ પ્રશ્નો સિટીઝનશિપ એક્ટ, 1955 (નાગરિકતા અધિનિયમ) અને તેના નિયમો હેઠળ નક્કી કરવામાં આવે છે.'

કઈ રીતે નક્કી થાય છે નાગરિકતા?

ભારતમાં કોઈપણ વ્યક્તિની નાગરિકતા સિંગલ કાર્ડ કે દસ્તાવેજના આધારે નહીં, પરંતુ કાયદાકીય જોગવાઈઓ અનુસાર નીચેની બાબતોના આધારે નક્કી થાય છે:

  • જન્મના આધારે (Birth)
  • વંશાવલીના આધારે (Descent)
  • રજીસ્ટ્રેશન દ્વારા (Registration)
  • નેચરલાઈઝેશન એટલે કે દેશીયકરણ દ્વારા (Naturalisation)
  • કોઈ ક્ષેત્ર ભારતમાં ભળી જવાના કારણે (Incorporation of territory)

આમ, ભારતમાં રાષ્ટ્રીય સ્તરે સિંગલ સિટીઝનશિપ કાર્ડની કોઈ વ્યવસ્થા ન હોવાથી, વ્યક્તિગત પરિસ્થિતિઓ અને રેકોર્ડ્સના આધારે જ નાગરિકતા પ્રમાણિત થાય છે.