ગ્રામીણ વિસ્તારોમાં ફેલાઈ રહેલું કોરોનાનું ત્રીજું મોજું : સંક્રમિતોની સંખ્યા વધતાં સરકાર ચિંતિત
- દિલ્હી અને મુંબઈમાં ક્રમશ: 16 અને 13 જાન્યુઆરીએ નવા કેસોમાં ઘટાડો ઉપરાંત અન્ય મહાનગરોમાં કેસો ઘટયા છતાં સમગ્ર ભારતમાં કેસો વધ્યા છે
નવી દિલ્હી : એવું જાણવા મળે છે કે ભારતમાં કોરોનાનાં ત્રીજા મોજાંનો પ્રકોપ શહેરોથી વધારે ગ્રામીણ વિસ્તારોમાં વધ્યો છે. આ કેસોના વૃધ્ધિ દરમાં ગામડાંઓએ શહેરોને પાછળ રાખી દીધાં છે. એક વિશ્લેષણ પ્રમાણે શહેરો કરતાં ગામડાંઓમાં આ પ્રકોપ વધી રહ્યો છે.
'હાઉ-ઈન્ડિયા-લીવ્ઝ' દ્વારા એકત્રિત કરાયેલા આંકડાઓ પ્રમાણે મુંબઈ અને દિલ્હીમાં ક્રમશ: ૧૬ અને ૧૩ જાન્યુઆરીએ સરેરાશ કોરોના કેસોમાં ઘટાડો નોંધાયો છે. તેમજ ચેન્નાઈ અને કોલકત્તા જેવા મહાનગરોમાં પણ ઘટાડો થયો છે. ત્યારે કોરોનાનાં બીજાં અને ત્રીજાં મોજામાં સમગ્ર ભારતમાં કેસોની સંખ્યા વધી રહી છે. જો કે, હવે તેનો વૃધ્ધિ દર ઓમીક્રોનના વૃધ્ધિ દર કરતાં ઓછો તીવ્ર છે.
૨૩ જાન્યુ.એ પૂરા થયેલાં સપ્તાહે રાષ્ટ્રીય સ્તરે દૈનિક સંક્રમણની સરેરાશ ૩,૦૯,૨૪૪ હતી. જે એક સપ્તાહ પૂર્વે ૨,૩૯,૧૦૦ રહી હતી. એટલે કે, સાત દિવસમાં તેમાં ૨૯.૩% વૃદ્ધિ જોવા મળી છે. જ્યારે ૮ જાન્યુ.એ તે ચરમ સીમાએ પહોંચી ૫૨૮% જેટલી વધી હતી. જે બીજા મોજાં દરમિયાન થયેલા ઉચ્ચતમ દરથી લગભગ છ ગણી હતી. આ ગણતરીમાં ઉલ્લેખનીય છે કે જિલ્લામાં ૨૦%થી ઓછો ગ્રામીણ વિસ્તાર હોય તેને પૂર્ણત: શહેરી વિસ્તાર ગણાયો છે. જ્યારે ૮૦% ગ્રામીણ વિસ્તારોવાળા પ્રદેશોને પૂર્ણત: ગ્રામીણ પ્રદેશ તરીકે વર્ગીકૃત કરાયા છે.
આ તરફ કોરોનાનો નવો વેરીયન્ટ ઓમીક્રોન હવે ટ્રાન્સમીશન સ્ટેજમાં પહોંચી ગયો છે. INSACOGએ આ માહિતી તેનાં છેલ્લા બુલેટીનમાં આપી છે. તેમાં જણાવ્યું છે કે મોટા ભાગના ઓમીક્રોન કેસોમાં લક્ષણો પહેલાં તો દેખાતાં જ નથી, અથવા તો ઘણા મંદ દેખાય છે. ICUમાં કેસો વર્તમાન મોજાંમાં વધી ગયા છે અને ખતરાના પ્રમાણમાં કોઈ ફેરફાર નથી થયો.
આ બધા ઉપરથી સ્પષ્ટ તારણ મળી શકે છે કે, ભલે કોરોના કે તેના અન્ય વેરીયન્ટસના કેસો શહેરોમાં ઘટયા હશે પરંતુ સમગ્ર ભારતની દ્રષ્ટિએ તેમાં વધારો થયો છે. તેથી ગ્રામીણ વિસ્તારોમાં તે કેસો વધી રહ્યા હોવાનું સ્પષ્ટ તારણ નીકળે છે.