મધ્યપ્રદેશની વિચિત્ર ઘટના: એક જ દુકાનમાં 5મી વખત ચોરી, 2 મિનિટમાં 8 લાખ ઉપાડી રફુચક્કર
Madhya Pradesh: મધ્ય પ્રદેશના સતનામાં કૃષિ મંડી રોડ પર અમન ટ્રેડર્સ નામની દુકાનમાં ભર દિવસે રૂપિયા આઠ લાખની ચોરીનો બનાવ બન્યો છે. ચોરીની આ પૂરી ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે.
બે મિનિટમાં 8 લાખ રૂપિયાની ચોરી
રિપોર્ટ અનુસાર પીડિત વ્યાપારી રાજેશ અગ્રવાલે જણાવ્યું કે તે દરરોજની જેમ સવારે 11 વાગ્યે દુકાને પહોંચ્યો હતો. અંદાજે 11:25 વાગ્યે રાજેશે તિજોરીમાં 7-8 લાખ રૂપિયા મૂક્યા હતા. દરમિયાન તેની દુકાનમાં એક ગ્રાહક આવ્યો. ગ્રાહકે તક મેળવી કાઉન્ટર સુધી પહોંચી તિજોર ખોલી તેમા મુકેલી રોકડ રકમને બેગમાં નાખી દુકાનની બહાર એક લાલ રંગની હોન્ડા સિટી કારમાં ફરાર થઈ ગયો.
પીડિતની દુકાનમાં પાંચમી ચોરી
અગ્રવાલે આપેલી માહિતી પ્રમાણે તેની દુકાનમાં આ પાંચમી વાર ચોરીની ઘટના બની છે. ફરિયાદ નોંધાવ્યા પછી પણ પોલીસ કોઈ પણ આરોપીની ધરપકડ નથી કરી શકી. જો કે આ વખતે ચોરીની પૂર્ણ ઘટના CCTVના કેમેરા કેદ થઈ છે.
ફરાર આરોપીને શોધવા તપાસ શરૂ
ચોરીની ઘટનાની જાણકારી મળતા મેહર પોલીસ ઘટના સ્થળે પહોંચી અને CCTV ફૂટેજ ચેક કર્યા. પોલીસે આરોપીની ઓળખના આધારે ઝડપી ગતીએ તપાસ શરૂ કરી છે. પાંચમી વાર ચોરીની ઘટના બાદ સ્થાનિક વેપારીઓમાં પણ ચિંતા વધી છે. તેમજ સુરક્ષાને લઈને વેપારીઓમાં પણ આક્રોશ જોવા મળ્યો છે.