- બિહાર ચૂંટણી પહેલાં કોંગ્રેસ નેતાનો ભાજપ અને ચૂંટણી પંચ પર આક્ષેપોનો મારો
- રાહુલના આરોપો ખોટા, મહારાષ્ટ્રમાં કોંગ્રેસને મતદાર યાદી અપાઈ હતી, કોંગ્રેસના એજન્ટોની હાજરીમાં જ મતદાન થયું હતું : ચૂંટણી પંચ
- કોંગ્રેસે બિહારમાં હાર જોઈ લીધી હોવાથી અત્યારથી જ જુઠ્ઠાણા ફેલાવવાનું શરૂ કર્યું : ભાજપ પ્રમુખ નડ્ડા
પટના: બિહારમાં આ વર્ષના અંત પહેલાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને બધા જ રાજકીય પક્ષોે તેની તૈયારીના ભાગરૂપે રેલીઓ અને જાહેર સભાઓ શરૂ કરી દીધી છે. આવા સમયે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપ અને ચૂંટણી પંચ પર ચૂંટણીમાં ગેરરીતિઓનો આક્ષેપ કર્યો હતો. રાહુલે મહારાષ્ટ્ર ચૂંટણીમાં વ્યાપક સ્તરે ગેરરીતિ થયાનો દાવો કરીને હવે બિહારમાં પણ મેચ ફિક્સિંગ કરવામાં આવશે તેવા આક્ષેપો કર્યા હતા. જોકે, ચૂંટણી પંચે રાહુલ ગાંધીના આક્ષેપોને નકારી કાઢ્યા હતા.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અનેક ભાષામાં દેશના અનેક અખબારોમાં 'મેચ-ફિક્સિંગ મહારાષ્ટ્ર' મથાળા હેઠળ લેખ લખ્યો અને સોશિયલ મીડિયા એક્સ પર તેને શૅર કર્યો હતો. આ લેખમાં તેમણે ચૂંટણીમાં કેવી રીતે ગેરરીતિ કરી શકાય છે તે અંગેના પાંચ તબક્કામાં વર્ણવ્યા છે. રાહુલે લખ્યું કે, ૨૦૨૪ની મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી લોકતંત્રને નુકસાન પહોંચાડવા માટેની સુનિયોજિત યોજના હતી. ભાજપને જ્યાં પણ પરાજય દેખાશે ત્યાં ચૂંટણી લડવા આ રણનીતિ લાગુ કરાશે. કોંગ્રેસ નેતાએ આક્ષેપ કર્યો કે, ભાજપે પાંચ તબક્કામાં આ રણનીતિ લાગુ કરી અને મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો પોતાની તરફેણમાં કરવામાં સફળ થયો.
રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો કે, ચૂંટણીમાં ગેરરીતિનો પહેલો તબક્કો ચૂંટણી પંચમાં કમિશનરોની નિમણૂક છે. અગાઉ વડાપ્રધાન, લોકસભામાં વિપક્ષના નેતા અને મુખ્ય ન્યાયાધીશની પેનલ ચૂંટણી કમિશનરની નિમણૂક કરતી હતી. પરંતુ ૨૦૨૩માં સરકારે ચૂંટણી કમિશનરોની નિમણૂકનો કાયદો બદલી નાંખ્યો. હવે વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી અને લોકસભામાં વિપક્ષના નેતા ચૂંટણી કમિશનરની નિમણૂક કરે છે. રાહુલ ગાંધીએ સવાલ કર્યો કે, મુખ્ય ન્યાયાધીશ જેવી નિષ્પક્ષ વ્યક્તિને હટાવીને કેન્દ્રીય મંત્રીનો પેનલમાં શા માટે સમાવેશ કરાયો?
રાહુલ ગાંધીએ મતદાર યાદીમાં નકલી નામો ઉમેરવા, મતદાનની ટકાવારી ખૂબ જ વધારીને બતાવવી, ભાજપને જરૂર હોય ત્યાં બોગસ વોટિંગ કરાવાયું અને ચૂંટણી ગેરરીતિઓના પૂરાવા છુપાવવા માટે પણ કાયદામાં ફેરફાર કરાયા હોવાના આક્ષેપો કર્યા હતા. મહારાષ્ટ્રમાં વિપક્ષે ચૂંટણી પંચ સમક્ષ વિવિધ જગ્યાના મતદાનની વીડિયોગ્રાફી અને સીસીટીવી ફૂટેજ માગ્યા તો સરકારે કાયદો બદલીને ઈલેક્ટ્રોનિક પુરાવા કોઈના હાથમાં જતા અટકાવી દીધા.
રાહુલ ગાંધીના આક્ષેપોના જવાબમાં ચૂંટણી પંચે પણ રાહુલ પર પલટવાર કર્યો હતો. ચૂંટણી પંચે લખ્યું કે, મહારાષ્ટ્ર ચૂંટણીમાં ગેરરીતિના રાહુલ ગાંધીના આક્ષેપો હકીકતોની સંપૂર્ણપણે અવગણના કરવા સમાન છે. તેમના આક્ષેપોને સાનુકૂળ પરિણામ ના આવતા ચૂંટણી પંચને બદનામ કરવા સમાન ગણાવ્યા હતા. ચૂંટણી પંચે કહ્યું કે, ખોટી માહિતી ફેલાવવી એ કાયદાનું અપમાન કરવા સમાન છે.
મહારાષ્ટ્રની ચૂંટણી અંગે ચૂંટણી પંચે કહ્યું કે, મહારાષ્ટ્ર ચૂંટણી પહેલાં અંતિમ ફાઈનલ મતદાર યાદી કોંગ્રેસ સહિત બધા જ પક્ષોને અપાઈ હતી. આ સમયે કોંગ્રેસે મતદાર યાદી અંગે કોઈ ફરિયાદ કરી નહોતી. ઉપરાંત મહારાષ્ટ્ર ચૂંટણીમાં દરેક મતદાન કેન્દ્રો પર કોંગ્રેસના ઉમેદવારો અથવા પ્રતિનિધિઓની હાજરીમાં મતદાન થયું છે. કોંગ્રેસના એજન્ટો અથવા ઉમેદવારોમાંથી કોઈએ મતદાનના બીજા દિવસે પણ રિટર્નિંગ અધિકારી સમક્ષ કોઈ ફરિયાદ કરી નહોતી. મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામો સાનુકૂળ નહીં આવ્યા રાહુલ ગાંધી આ બધા આક્ષેપો કરી રહ્યા છે.
ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ જણાવ્યું કે, રાહુલ ગાંધીનો નવો લેખ ખોટું નેરેટિવ ફેલાવવાની સૌથી મોટી બ્લુપ્રિન્ટ છે. તેઓ સતત ચૂંટણી હારી રહ્યા છે. સૌથી પહેલું તો રાહુલ ગાંધીના કૃત્યોના કારણે કોંગ્રેસ ચૂંટણી હારે છે. પોતાના પરાજયનું આત્મમંથન કરવાના બદલે તે નકલી આક્ષેપબાજી કરીને બધી જ હકીકતોની અવગણના કરે છે. કોંગ્રેસ બિહારમાં પણ હારવાનું છે. તેમને અત્યારથી જ પોતાનો પરાજય દેખાઈ ગયો છે. તેથી જુઠ્ઠાણા ફેલાવવાનું શરૂ કરી દીધું છે.
રાહુલ ગાંધીનો ચૂંટણી પંચને પડકાર : છુપાવવા માટે કશું જ ના હોય તો સવાલોનો જવાબ આપી સત્ય બોલો
નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ગેરરીતિનો મુદ્દો ફરી એક વખત ઉઠાવતા રાજકારણ ગરમાયું છે. ચૂંટણી પંચે રાહુલ ગાંધીના આક્ષેપોને નકારી દીધા પછી કોંગ્રેસ નેતાએ ફરી એક વખત ચૂંટણી પંચ પર હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરતા કહ્યું કે, ચૂંટણી પંચ બંધારણીય સંસ્થા છે. હસ્તાક્ષર કર્યા વિના ટાળ-મટોળ કરતી નોંધ જાહેર કરવી એ ગંભીર સવાલોના જવાબ આપવાની રીત નથી. ચૂંટણી પંચ પાસે છુપાવવા માટે કશું જ ના હોય તો તેણે મારા સવાલોનો જવાબ આપવો જોઈએ અને સાબિત કરવું જોઈએ કે મહારાષ્ટ્ર સહિત બધા જ રાજ્યોની લોકસભા અને વિધાનસભાના તાજેતરની ચૂંટણીઓના એકત્રિત, ડિજિટલ, મશીન-રીડેબલ વોટર રોલ્સ જાહેર કરો. મહારાષ્ટ્રના મતદાન કેન્દ્રોના સાંજે પાંચ વાગ્યા પછીના બધા જ સીસીટીવી ફૂટેજ જાહેર કરો. જવાબો ટાળવાથી નહીં પરંતુ સત્ય બોલવાથી જ તમારી વિશ્વસનીયતા સુરક્ષિત થશે.


