Get The App

સહમતી હોય તો છૂટાછેડા માટે 6 મહિનાની પ્રતિક્ષા જરૂરી નહીં

Updated: May 2nd, 2023

GS TEAM


Google News
Google News
સહમતી હોય તો છૂટાછેડા માટે 6 મહિનાની પ્રતિક્ષા જરૂરી નહીં 1 - image


- લગ્ન જીવન વેરવિખેર હોય, ફરી એક થવાની શક્યતા જ ન હોય તેવા કિસ્સામાં તાત્કાલિક છૂટછેડા શક્ય

- છૂટાછેડા માટે ફેમિલી કોર્ટમાં જ જવાનું રહેશે પણ જે મામલા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હોય તેનો ચુકાદો સુપ્રીમ આપી શકશે 

- ધર્માંતરણ, વ્યભિચાર, ક્રૂરતા જેવા મુદ્દાઓને પણ છૂટાછેડાનો આધાર બનાવી શકાશે

નવી દિલ્હી : છૂટાછેડાને લઇને સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હવેથી જો છૂટાછેડાનો કોઇ વિવાદ સુપ્રીમ કોર્ટ પહોંચે તો આવા કેસોમાં સુપ્રીમ કોર્ટ પોતે પણ છૂટાછેડાને મંજૂરી આપી શકશે. આ ઉપરાંત જો પતિ કે પત્ની સ્વેચ્છાએ છૂટાછેડા લેવા માગતા હોય અને બેમાંથી કોઇનો પણ વિરોધ ના હોય તો તેવા કેસોમાં પતિ-પત્નીએ છૂટાછેડા માટે છ મહિનાની રાહ જોવી નહીં પડે. કેમ કે સુપ્રીમ કોર્ટે આવા કેસો માટે છ મહિના પ્રતિક્ષા કરવાનો નિયમ કાઢી નાખ્યો છે. આ છ મહિનાનો સમયગાળો પતિ-પત્ની વચ્ચે ફરી સાથે રહેવાની કે લગ્ન જીવન જાળવી રાખવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને લાગુ કરાયો હતો.  સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સંજય કિશન કૌલ, સંજીવ ખન્ના, એએસ ઓકા, વિક્રમનાથ અને એકે મહેશ્વરીની બંધારણીય બેંચ દ્વારા આ ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યું હતું કે જો લગ્ન જીવનના સંબંધોમાં સુધારો થવાની કોઇ શક્યતાઓ જ ના હોય તો તેવા કેસોમાં સુપ્રીમ કોર્ટ પાસે મામલો આવે તો સુપ્રીમ કોર્ટ પોતે પણ છૂટાછેડાને મંજૂરી આપી શકે છે.

 આવા કેસોમાં ફેમેલી કોર્ટ જવાની જરૂર નહીં રહે. જોકે જે વિવાદ સુપ્રીમ કોર્ટ પહોંચે તેને લઇને જ આ આદેશ આપવામાં આવ્યો છે. છૂટાછેડા માટે તો ફેમેલી કોર્ટમાં જ અરજી કરવાની રહેશે તેવી પણ સ્પષ્યતા કરવામાં આવી છે. 

આ સાથે જ સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કેટલીક ગાઇડલાઇન પણ નક્કી કરી છે. જ્યારે ડિવોર્સના કેસોમાં ચુકાદા આપવામાં આવે ત્યારે આ ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ધર્માંતરણ, વ્યભિચાર, ક્રૂરતા જેવા મુદ્દાઓને પણ છૂટાછેડાનો આધાર બનાવી શકાશે. સુપ્રીમ કોર્ટ સમક્ષ કેટલીક અરજીઓ દાખલ કરાઇ હતી. જેમાં માગણી કરાઇ હતી કે પતિ અને પત્ની સ્વેચ્છાએ છૂટા પડવા માગતા હોય તો પછી તેમની વચ્ચે સમાધાનની શક્યતાઓને ધ્યાનમાં રાખીને જે છ મહિનાનો સમયગાળો આપવામાં આવ્યો હતો તે બિનજરૂરી છે. આ મામલો સૌથી પહેલા ૨૯મી જુન ૨૦૧૬ના રોજ બંધારણીય બેંચ સમક્ષ આવ્યો હતો. જેને બાદમાં પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચ સમક્ષ મોકલવામાં આવ્યો હતો.

સહમતીથી છૂટા પડવા માગતા પતિ-પત્નીને છૂટાછેડા માટે છ મહિનાની રાહ જોવામાંથી સુપ્રીમ કોર્ટ દ્વારા જે છૂટ આપવામાં આવી છે. તેમાં કેટલીક સ્પષ્ટતા કરવામાં આવી છે. અને આ નિર્ણય પણ કોર્ટ પર છોડયો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો કોર્ટને એમ લાગે કે પતિ-પત્ની સમજાવવા છતા પણ સાથે રહેવા નથી માગતા અને લગ્ન જીવનનો અંત આવી ગયો છે તો તેવા કેસોમાં છ મહિનાની રાહ જોવાની જરૂર છે કે નહીં તે કોર્ટે નિર્ણય કરવાનો રહેશે. સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યું હતું કે પતિ-પત્ની વચ્ચેના સંબંધો એટલા ખરાબ થઇ જાય કે ફરી પહેલા જેવા શાંતિપૂર્ણ અને વિખવાદો વગરના થવા શક્ય ન હોય તો તેના આધારે છૂટાછેડા શક્ય છે.  

સુપ્રીમ કોર્ટના છૂટાછેડાના ચુકાદાના ત્રણ મહત્વપૂર્ણ મુદ્દા

(૧) સુપ્રીમ કોર્ટ પોતે પણ જો કોઇ કેસ લગ્ન વિવાદને લઇને કે છૂટાછેડાને લઇને તેની સમક્ષ પહોંચ્યો હોય તો તેવા કેસોમાં સુપ્રીમ કોર્ટ પોતે પણ છૂટાછેડાને મંજૂર કરી શકશે, આવા કેસોમાં સુપ્રીમ કોર્ટ છૂટાછેડા માટે પતિ કે પત્નીને ફેમેલી કોર્ટ જવાનું નહીં કહે પણ તેનો અર્થ એ નથી કે છૂટાછેડા માટે સુપ્રીમ કોર્ટમાં જ જવું. છૂટાછેડા માટે ફેમેલી કોર્ટમાં જ અરજી કરવાની રહેશે. સીધા સુપ્રીમ કોર્ટ કે હાઇકોર્ટમાં આવી કોઇ અરજી નહીં કરી શકાય તેવી પણ સ્પષ્ટતા સુપ્રીમ કોર્ટે કરી હતી. 

(૨) લગ્ન જીવન અશાંત હોય, પતિ અને પત્ની વચ્ચે સતત ઝઘડા થતા હોય અને લગ્ન જીવનને ટકાવી રાખવાની કોઇ જ શક્યતાઓ ના હોય તેવા કેસોમાં કોર્ટમાં પતિ અને પત્નીએ પૂરવાર કરવાનું રહેશે કે તેઓની વચ્ચે લગ્ન જીવન ટકાવી રાખવાની હવે કોઇ જ શક્યતાઓ નથી બચી માટે તેમના છૂટાછેડા મંજૂર કરવામાં આવે. જેને આધાર બનાવીને કોર્ટ છૂટાછેડાને માન્યતા આપી શકશે. 

(૩) છૂટાછેડાની અરજી કર્યા બાદ પણ કોર્ટ દ્વારા પતિ અને પત્નીને છ મહિનાનો સમયગાળો આપવામાં આવતો હતો, જેને કૂલિંગ પીરિયડ તરીકે ઓળખવામાં આવે છે. જે કેસોમાં લગ્ન જીવન જાળવી રાખવું શક્ય જ ન હોય તેવા કેસોમાં આ કૂલિંગ પીરિયડને કાઢી નાખવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આવા કેસોમાં છ મહિનાના કૂલિંગ પીરિયડની જરૂર નથી. જોકે એના માટે પણ બન્ને પતિ અને પત્નીની સહમતી હોવી જરૂરી છે, જો બેમાંથી કોઇ એક છ મહિનાનો સમય લેવા માગતું હોય તો તેવા કેસમાં તેને છ મહિનાનો સમયગાળો આપવામાં આવશે.  

Tags :