૭૫ પરીવારની વસ્તી ધરાવતા ઉત્તરપ્રદેશના આ ગામે ૪૭ IAS અને IPS આપ્યા છે
આઇએએસ,આઇપીએસ બનવા ઇચ્છતા યુવાનો માટે રોલ મોડેલ ગામ
લખનૌ,18 નવેમ્બર,2021,ગુરુવાર
ઉત્તરપ્રદેશના જોનપુર જિલ્લામાં આવેલા માધોપટ્ટી ગામે એક કે બે નહી પરંતુ ૪૭ જેટલા IAS અને IPS આપ્યા છે આથી માત્ર ૭૫ પરીવાર અને ૮૦૦ લોકોની વસ્તી ધરાવતા માધોપટ્ટીને અફસરોના ગામ તરીકેની ઓળખ મળી છે. આ ગામના આઇએએસ અને આઇપીએસ અફસરો ઉત્તરપ્રદેશ અને બીજા રાજયોમાં સેવા આપે છે એટલું જ નહી આ ગામના સંતાનો ભાભા ઇન્સ્ટિટયૂટ અને વિશ્વબેંકમાં અધિકારી તરીકે કામ કરે છે. જે સનદી પરીક્ષા પાસ કરીને ઉચ્ચ અધિકારી બનવા ઇચ્છે છે તેમના માટે આ ગામ રોલ મોડેલ બને તેવું છે.
આ અંતરિયાળ ગામમાં આજકાલથી નહી પરંતુ અંગ્રેજોના જમાનાથી સ્પર્ધાત્મક પરીક્ષા આપીને અફસર બનવાની પરંપરા છે. પ્રાપ્ત માહિતી મુજબ ઇસ ૧૯૧૪માં માધોપટ્ટી ગામના યુવક મુસ્તુફા હુસેનને અંગ્રેજોએ અધિકારી તરીકે પસંદ કર્યો હતો. ૧૯૪૭માં દેશ આઝાદ થયા પછી ૧૯૫૨માં માધોપટ્ટી ગામના ઇન્દુપ્રકાશસિંહે સનદી અધિકારી બન્યા હતા. ઇન્દુપ્રકાશ સિવિલ સર્વિસમાં જોડાયા એ પછી ગામમાં અફસર બનવાની હોડ જામી હતી. ઇન્દુપ્રકાશસિંહ ફ્રાંસ સહિત અનેક દેશોમાં રાજદૂત પણ રહયા હતા. ઇન્દુપ્રકાશ સહિત કુલ ૪ સગા ભાઇઓએ સનદી અધિકારી બનીને રેકોર્ડ સ્થાપ્યો હતો. ૧૯૫૫માં વિનયસિંહે સનદી પરીક્ષા પાસ કરીને આગળ જતા બિહાર રાજયના મુખ્ય સચિવ બન્યા હતા. ૧૯૬૪માં તેમના બે સગાભાઇઓ છત્રપાલસિંહ અને અજયસિંહ એક સાથે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસની પરીક્ષા પાસ કરી હતી.
જયારે ચોથા ક્રમના ભાઇ શશિકાંતસિંહ પણ ૧૯૬૮માં પરીક્ષા પાસ કરી સિવિલ સર્વિસમાં જોડાયા હતા. એક જ પરીવારના ચાર ભાઇઓ આઇએસ બન્યા પછી પણ આ ક્રમ અટકયો નથી. ૨૦૦૨માં શશીકાંતસિંહના પુત્ર યશસ્વીે ૩૧ માં ક્રમ સાથે સિવિસ સર્વિસ એકઝામમાં ઉર્તિણ થયા હતા. માધોપટ્ટીના લોકોના જણાવ્યા અનુસાર પોતાના ગામે સ્પર્ધાત્ત્મક પરીક્ષાની જે આહલેક જગાડી છે તે સમગ્ર દેશમાં અનોખી છે. કોલેજમાં અભ્યાસ કરતા મોટા અફસર બનવુંએ દરેક યુવાનનું સપનું હોય છે તેના માટે તેઓ ખંતથી તૈયારીઓ પણ કરે છે. ગામની યુવક અને યુવતીઓ ઉપરાંત પરણીને આવેલી વહુઓ પણ અફસર બની છે. ૧૯૮૦માં આશાસિંહ, ૧૯૮૨માં ઉષાસિંહ તેના ઉદાહરણો છે. ૧૯૮૩માં ચંદ્રમોલસિંહ સાથે તેમના પત્ની ઇન્દુસિંહ, ૧૯૯૪માં ઇન્દુપ્રકાશસિંહ અને તેમના પત્ની સરિતાસિંહ સનદી પરીક્ષા પાસ કરી આઇપીએસ થયા હતા. માધોપટ્ટી ગામે ૧૭ જેટલા પીસીએસ અધિકારીઓ પણ આપ્યા છે. નવાઇની વાત તો એ છે કે મોટા હોદા પર પહોંચ્યા પછી પણ અફસરો પોતાના ગામને ભૂલ્યા નથી. વાર તહેવારે ગામની મુલાકાત લઇને પરીવારજનોને મળે છે.