કેદારનાથના જંગલ વિસ્તારમાં 11 હજાર ફીટની ઊંચાઈએ વાઘ જોવા મળ્યો
- કસ્તુરી મૃગ માટે હિમાલયમાં રચાયેલા અભયારણ્યમાં વાઘની એન્ટ્રી
- વન વિભાગે ગોઠવેલા કેમેરામાં વાઘ કેદ થયો : અત્યાર સુધીનું સૌથી ઊંચુ રહેઠાણ
2016માં પોણા અગિયાર હજાર ફીટે જોવા મળ્યો હતો
દહેરાદૂન, તા. 27 જૂન 2019, ગુરૂવાર
મેદાની પ્રદેશનું ગણાતું પ્રાણી વાઘ હવે છેક હિમાલયની ઊંચાઈ પહોંચ્યુ છે. કેદારનાથમાં 11,154 ફીટ (3400 મિટર)ની ઊંચાઈએ વાઘ જોવા મળ્યો હતો. ગઈ 26મી મેના દિવસે પ્રથમ વાર આ વિસ્તારના જંગલમાં વાઘ નજરે પડયો હતો. પણ હિમાલયની એ ઊંચાઈએ વાઘ હોઈ શકે એ વાત વન વિભાગના અધિકારીઓને જ માનવા જેવી લાગતી ન હતી.
માટે ખાતરી કરવા કેદારનાથ વાઈલ્ડલાઈફ સેન્ચુરીમાં કેમેરા ગોઠવી દેવાયા હતા. એ કેમેરામાં પણ વાઘ જોવા મળતાં હવે અધિકારીઓએ વાઘની હાજરી હોવાની વાત જાહેર કરી હતી.
વાઘ સામાન્ય રીતે મેદાની પ્રદેશનું રહેવાસી પ્રાણી છે. બરફીલા અને પહાડી વિસ્તારમાં વાઘ રહી શકે છે, પરંતુ ભારતમાં તો મોટે ભાગે મેદાની પ્રદેશમાં જ જોવા મળે છે. વાઘ આટલી ઊંચાઈએ જોવા મળતાં ટાઈગર નિષ્ણાતોનું કહેવું છે કે આ પ્રાણીની રહેણી-કરણીમાં ધરમૂળથી પરિવર્તન આવી રહ્યું છે.
વાઘ બદલતા પર્યાવરણ સાથે પોતાને બદલી રહ્યાં છે એ વાત પણ આ ઘટના પછી સ્પષ્ટ થાય છે. કેદારનાથ મંદિર જ્યાં આવેલું છે, ત્યાં 975 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું અભયારણ્ય પણ છે. આ અભયારણ્ય કસ્તુરી મૃગની રક્ષા માટે બનાવાયું હતું. કસ્તુરી મૃગ હિમાલયની ઊંચાઈ સિવાય ક્યાંય જોવા મળતાં નથી.
વાઘ ઊંચાઈ પર જોવા મળે એ બનાવ નવાઈ પ્રેરક છે, પરંતુ સાવ નવો નથી. 2016માં પણ ઉત્તરાખંડના જ આશ્કોટમાં વાઘ 10,741 ફીટની ઊંચાઈ દેખાયો હતો. એ સિવાય હિમાલયની ગોદમાં આવેલા રાજ્યો અરૂણાચલ પ્રદેશ અને સિક્કીમમાં પણ ક્યારેક ક્યારેક ઊંચાઈ પર વાઘ જોવા મળે છે. પરંતુ આ 3400 મિટરની ઊંચાઈ અત્યાર સુધીમાં નોંધાયેલી સૌથી વધુ છે.
અગાઉ આટલે ઊંચે વાઘની હાજરી જોવા મળી નથી. વન્યજીવ નિષ્ણાતોના કહેવા પ્રમાણે વાઘ તો 6 હજાર મિટરની ઊંચાઈ સુધી જઈને રહી શકે. પરંતુ ભારતના વાઘ ઘણા સમયથી મેદાની વિસ્તારમાં રહેવાનું પસંદ કરે છે. તેમને ખોરાક પણ મેદાની વિસ્તારમાં જ વધારે મળી રહે છે.