Get The App

સેન્સેક્સ ઊછળીને 51,348 નિફ્ટી 15,115ની વિક્રમી ટોચે

- રોકાણકારોની સંપત્તિ રૂ. 2.49 લાખ કરોડ વધીને 202.82 લાખ કરોડની ટોચે

Updated: Feb 8th, 2021

GS TEAM

Google News
Google News
સેન્સેક્સ ઊછળીને 51,348 નિફ્ટી 15,115ની વિક્રમી ટોચે 1 - image

અમદાવાદ, તા. 8 ફેબ્રુઆરી, 2021, સોમવાર

પ્રોત્સાહક બજેટની બીજી તરફ હાલ ચાલી રહેલી પરિણામોની સિઝનમાં આગેવાન કંપનીઓના અપેક્ષાથી સારા પરિણામો પાછળ વિદશી રોકાણકારોની ઓલરાઉન્ડ લેવાલી પાછળ આજે બીએસઇ સેન્સેક્સ ઉછળીને 51348 અને એનએસઇ નિફ્ટી 15115ની વિક્રમી ટોચે પહોંચ્યા હતા.

પ્રોત્સાહક બજેટના પગલે શેર બજારમાં ઉદભવેલી વિક્રમી તેજીની ચાલ આજે આગળ વધી હતી. બજેટ બાદ રિઝર્વ બેંકની ધિરાણનીતિમાં લેવાયેલા સાનુકૂળ નિર્ણયોની પણ બજાર પર સાનુકૂળ અસર થઇ હતી. આ ઉપરાંત હાલ ચાલી રહેલ ડિસેમ્બર ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામોની સીઝનમાં અપેક્ષાથી સારા પરિણામો જાહેર થતા બજારની તેજીની ચાલને વેગ સાંપડયો હતો.

આ અહેવાલો પાછળ મુંબઇ શેરબજાર ખાતે કામકાજનો પ્રારંભ ઊછાળા સાથે થયા બાદ વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ નીકળેલી નવી લેવાલીએ અફડાતફડી વચ્ચે સેન્સેક્સ ઇન્ટ્રાડે વધીને 51523ની નવી ઓલટાઇમ હાઇ રહી કામકાજના અંતે 617.14 પોઇન્ટ ઉછળીને 51348.77ની નવી વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો.

એનએસઇ ખાતે પણ ચોમેરની નવી લેવાલી પાછળ નિફ્ટી ઇન્ટ્રાડે વધીને 15159નો ઇતિહાસ રચાયા બાદ કામકાજના અંતે 191.55 પોઇન્ટ ઉછળીને 15115.80ની નવી ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો.

સેન્સેક્સમાં નોંધાયેલ ઊછાળાના પગલે આજે રોકાણકારોની સંપતિમાં (બીએસઇ માર્કેટ કેપ) રૂ. 2.49 લાખ કરોડનો વધારો થતા અંતે રૂ. 202.82 લાખ કરોડની ટોચે પહોંચ્યું હતું. વિદેશી રોકાણકારોએ આજે રૂ. 1876 કરોડની ખરીદી કરી હતી.