Real Discoverer of Mount Everest Was Indian: વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ હોવાથી સૌ પરિચિત છે. આ મહાકાય પર્વતનો સરવે કરનારાનું નામ પૂછતાં તરત જ લોકો જ્યોર્જ એવરેસ્ટનું નામ યાદ કરે, પરંતુ શું તમે જાણો છો કે, સૌથી પહેલા એવરેસ્ટની ઊંચાઈ રાધાનાથ સિકદર નામના એક ભારતીયએ માપી હતી. જો કે, રાધાનાથ સિકદરને કદી તેનો શ્રેય ના મળ્યો અને તેમનું નામ ઈતિહાસના પાનાંમાં ગુમ થઈ ગયું. ચાલો જાણીએ કે કયા કારણોસર એવરેસ્ટના સાચા શોધકને આવો અન્યાય થયો હતો.
અપ્રસિદ્ધ પ્રતિભાની નિપુણતા
રાધાનાથ સિકદરનો જન્મ પાંચમી ઑક્ટોબર 1813ના રોજ કલકત્તામાં આર્થિક રીતે સાધારણ પરંતુ શિક્ષણપ્રેમી બંગાળી પરિવારમાં થયો હતો. ગણિતમાં તેમની અસાધારણ પ્રતિભાએ હિન્દુ કોલેજના પ્રોફેસર જોન ટાઈટલરનું ધ્યાન આકર્ષ્યું. પ્રોફેસર ટાઇટલરે આ યુવા પ્રતિભાશાળીને પોતાની તાલીમ હેઠળ લીધા, કારણ કે તેઓ સમજી ગયા હતા કે સિકદરનું મગજ સંખ્યાઓ અને જટિલ સમસ્યાઓને સુલઝાવવા માટે જ રચાયેલું હતું. ભારતીય ઉપખંડનો સચોટ નકશો બનાવવા માટે 1802 માં શરૂ કરાયેલા પ્રોજેક્ટ ‘ગ્રેટ ત્રિકોણમિતિ સર્વેક્ષણ’ (જીટીએસ)નું કામ દાયકાઓ સુધી ચાલીને છેક 1871માં પૂરું થયું હતું. સિકદર યુક્લિડ, ન્યૂટન અને વિશ્લેષણાત્મક ભૂમિતિમાં નિપુણ હોવાથી 1831માં તેમની ભરતી આ પ્રોજેક્ટમાં ગણિતશાસ્ત્રી તરીકે થઈ. તેમનો પગાર હતો મહિને ત્રીસ રૂપિયા!
કાંચનજંઘા નહીં 'પીક XV' સૌથી ઊંચું શિખર હતું
સર્વેક્ષણ વિભાગમાં કામ કરતાં-કરતાં સિકદરની કુશળતા ઝડપથી પ્રકાશમાં આવી. 1852માં તેમણે હિમાલયના વિવિધ શિખરોના અવલોકનોનું વિગતવાર વિશ્લેષણ કર્યું. તે સમયે કંચનજંઘાને વિશ્વનું સૌથી ઊંચું શિખર માનવામાં આવતું હતું, પરંતુ સિકદરની સૂક્ષ્મ ગણતરીઓએ એક અલગ જ તસવીર પ્રસ્તુત કરી. વિવિધ સ્થાનો પરથી લીધેલા અવલોકનો અને ત્રિકોણમિતિના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને તેમણે નક્કી કર્યું કે 'પીક XV' નામનું શિખર સૌથી ઊંચું છે, જેની ઊંચાઈ 29,002 ફીટ હતી. સિકદરની શોધ માન્ય રખાઈ અને 1856માં 'પીક XV'ને વિશ્વનું સર્વોચ્ચ શિખર જાહેર કરાયું. ઊંચાઈનો આ આંકડો લગભગ એક સદી સુધી અધિકૃત રહ્યો હતો. પીક(peak) એટલે શિખર.
ખોજ સિકદરની તો પછી નામ એવરેસ્ટનું શા માટે?
આ શિખરનું નામકરણ એ ઇતિહાસની સૌથી મોટી વિડંબનાઓમાં એક છે. સિકદર દ્વારા શિખરની ઓળખ કરાઈ હોવા છતાં તેનું નામ ભારતના પૂર્વ સર્વેયર જનરલ સર જ્યોર્જ એવરેસ્ટના નામ પરથી રાખવામાં આવ્યું. સર જ્યોર્જ એવરેસ્ટ 1830થી 1843 સુધી ભારતના સર્વેયર-જનરલ રહ્યા હતા, તેથી તેમના માનમાં ‘રોયલ જિયોગ્રાફિકલ સોસાયટી’એ 1865માં 'પીક XV'નું નામ બદલીને ‘માઉન્ટ એવરેસ્ટ’ કરી દીધું હતું.
જ્યોર્જ એવરેસ્ટ પોતે સહમત નહોતા!
વિડંબના તો એ છે કે સર જ્યોર્જ એવરેસ્ટ પોતે આ નામકરણના પક્ષમાં નહોતા. તેમણે કદી આ પર્વત જોયો નહોતો. તેમણે એવી દલીલ કરી હતી કે પર્વતોના નામકરણમાં સ્થાનીય ભારતીય નામોનો જ ઉપયોગ થવો જોઈએ. છતાં, તત્કાલીન વિશ્વમાં બ્રિટન મહાસત્તા ગણાતું હોવાથી એનો પડ્યો બોલ આખી દુનિયાએ ઝીલી લીધો અને એ રીતે દુનિયાના સૌથી ઊંચા શિખર સાથે એના શોધકનું નહીં, પણ એક બ્રિટિશ અધિકારીનું નામ જોડાઈ ગયું.


