ભારત સાથે વેપાર બંધ કરવો પાક.ને ભારે પડયો ટામેટાનો ભાવ કિલોએ 300એ પહોંચ્યો
- પાકિસ્તાનની સાન ઠેકાણે આવશે?
- પાક.ના બજારમાં શાકભાજીની અછત: લોકો ત્રાહિમામ
નવી દિલ્હી, તા. 10 ઓગસ્ટ, 2019, શનિવાર
ભારતે જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ 370 નાબુદ કરતાં પાકિસ્તાને ભારત સાથેનો વેપાર બંધ કરી દીધો હતો. ભારતમાંથી કરાતી નિકાસને પાકે. બંધ કરી દેતાં અનેક ચીજ વસ્તુઓ બજારમાંથી ગાયબ થઇ હતી.
ભારતમાંથી અગાઉ ટામેટાની નિકાસ કરવામાં આવતી હતી જે બંધ થતાં પાક.માં ટામેટાની ભારે અછત સર્જાઇ છે, પરિણામે ટામેટોનો ભાવ કિલો દીઠ રૂપિયા 300 થઇ ગયો હતો.
ટામેટાના ભાવમાં આવેલો આટલો જંગી વધારો પાક.ના લોકો માટે અસહ્ય હોવાથી પ્રજા હેરાન થઇ ગઇ છે. આમ પણ પાક.માં મોંધવારીથી લોકો ત્રાસી ગયા છે તેવામાં જો ટામેટા જેવી ખાદ્ય સામાગ્રી માટે રૂપિયા 300 ચૂકવવા પડતાં હોવાથી તેઓ નારાજ થયા હતા.
ટામેટાના વધેલા ભાવનો સીધો અર્થ એ થયો કે વડા પ્રધાન ઇમરાન ખાનનો ભારત સાથે વેપાર સબંધ તોડવાનો નિર્ણય ખોટો હતો અને તેની સીધી અસર સામાન્ય લોકો પર પડી રહી છે.
અગાઉ ભારતમાંથી મોટા પ્રમાણમાં શોકભાજી અને ફળ ફળાદી પાકિસ્તાન મોકલવામાં આવતા હતા જેના કારણે ત્યાં શાકભાજી કે ફળોનો ભાવ લોકોને પોષાય તેવો રહેતો હતો.પરંતુ ભારત સાથે વેપાર બંધ કરાતા સપ્લાય બંધ થઇ અને લોકોને વધારે પૈસા ચૂકવવા પડતા હોવાથી તેઓ સરકારથી ખફા દેખાય છે.
તો આ તરફ ભારતના ટ્રક ઓપરેટરો કહે છે કે જો પાક. એમ માનતું હોય કે નિકાસ બંધ થતાં ભારતના ટ્રક ડ્રાઇવરો, ખેડૂતો અને વેપારીઓને નુકસાન થશે તો તેમની ભુલ છે. અમારી નિકાસ બંધ કરતાં પાક.માં શાકભાજીના ભાવ આકાશને આંબી રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરના કારણે ભારતના નિર્ણયથી પાક.ના સત્તાધિશો એટલા બેબાકળા બની ગયા હતા કે તેમણે વેપાર જ બંધ કરી દીધો છે.જો કે આની સીધી અસર ભારતીય નિકાસકારો પર પણ પડી જ રહી છે. અનેક ટ્રકો ની ટ્રિપ બંધ થઇ છે અને કેમિકલના વેપારીઓનો માલનો ભરાવો થઇ ગયો છે.
પાકે. એવું જ એક અન્ય પગલું એ લીધું કે ભારત-પાક.વચ્ચે દોડતી સમઝોતા એક્સપ્રેસ ટ્રેનને બંધ કરી દીધી અને લાહોર-દિલ્હી વચ્ચે દોડતી બસને પણ બંધ કરી દીધી. આમ પાકે. પણ પોતાની રીતે નિર્ણયો તો લીધા જ છે, પરંતુ થોડા સમય માટે તે નિર્ણયો પાક.માટે ઘાતક સાબીત થશે, એમ જાણકારો માને છે.
ભારતે કહ્યું હતું કે કલમ 370ને નાબુદ કરવી તે અમારો આંતરિક મામલો છે જ્યારે પાકિસ્તાન તેને આંતરરાષ્ટ્રીય સ્તરે લઇ જવા જીદ પર અડયો છે.જો કે પાકિસ્તાનને આ મામલે વિદેશમાંથી સારો પ્રતિભાવ મળ્યો નથી.અમેરિકા અને ચીને પોતાના હાથ ખંખેરી લીધા હતા અને કહ્યું હતું કે આ ભારતની આંતરિક બાબત છે તેમાં અમે માથું ના મારીએ.