એર ઈન્ડિયાની ફ્લાઈટ તોડી પડાયાની શક્યતા અંગે પણ તપાસ કરાશે

- નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલનો દાવો
- વિમાનના બંને એન્જિન એક સાથે અચાનક બંધ થઈ જાય તેવું ક્યારેય બન્યું નથી, બ્લેકબોક્સની ભારતમાં જ તપાસ શરૂ
- એએઆઈબીના પ્રમુખ જીવીજી યુગાંધરને સીઆરપીએફની એક્સ શ્રેણીની સુરક્ષા અપાઈ
કેન્દ્રીય મંત્રી મુરલીધર મોહોલે કહ્યું કે, એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭-૮ ડ્રીમલાઈનરનું બ્લેક બોક્સ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (એએઆઈબી) પાસે છે અને તેની સંપૂર્ણ તપાસ માટે તેને દેશની બહાર લઈ જવાની કોઈ યોજના નથી. આ બ્લેકબોક્સની ભારતમાં જ તપાસ થશે. તેમાં રહેલી વિગતોને ડિકોડ કરવામાં આવી રહી છે.
તેમણે ઉમેર્યું કે, એએઆઈબીએ તેની સંપૂર્ણ તપાસ શરૂ કરી દીધી છે, જેમાં સંભવિત ભાંગફોડની આશંકાનો પણ સમાવેશ થાય છે. સીસીટીવી ફૂટેજની સમીક્ષા કરવામાં આવી રહી છે અને તમામ પાસાઓનું આકલન કરવામાં આવી રહ્યું છે. આ દુર્ઘટનાની તપાસમાં એએઆઈબી સાથે અન્ય અનેક એજન્સીઓ પણ સામેલ છે. મુરલીધર મોહાલે કહ્યું કે, આ દુર્ઘટના એક 'દુર્લભ ઘટના' હતી. વિમાનના બંને એન્જિન એક સાથે અચાનક બંધ થઈ જાય તેવું ક્યારેય થયું નથી. અમે એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે ફ્લાઈટનું એન્જિન ફેઈલ હતું કે ઈંધણ સપ્લાયમાં કોઈ ખામી હતી? બંને એન્જિને અચાનક એક સાથે કામ કરવાનું કેમ બંધ કરી દીધું? વિમાન સાથે કોઈ ચેડાં થયા હતા કે કેમ? આ સવાલોના જવાબ શોધવામાં આવી રહ્યા છે. મોહાલેએ અનુભવી પાયલટો અને નિષ્ણાતોના દાવાને ટાંકીને કહ્યું કે એકસાથે બંને એન્જિનની નિષ્ફળતાના કારણે આ દુર્ઘટના ઘટી હતી. એક વખત તપાસ રિપોર્ટ આવી ગયા પછી આપણને ખ્યાલ આવશે કે આ એન્જિનની સમસ્યા હતી કે ઈંધણ પુરવઠાનો મુદ્દો હતો કે પછી બંને એન્જિને કેમ કામ કરવાનું બંધ કરી દીધું. બ્લેક બોક્સમાં એક સીવીઆર છે, જેમાં બંને પાયલટો વચ્ચેની વાતચીત સ્ટોર કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે, આ અકસ્માત અંગે હાલના તબક્કે કંઈપણ કહેવું ઘણું વહેલું ગણાશે. વિમાન અકસ્માતનો રિપોર્ટ ત્રણ મહિનામાં આવી શકે છે.
દરમિયાન અમદાવાદમાં એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭-૮ વિમાન અકસ્માતની તપાસ કરી રહેલી સંસ્થા એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (એએઆઈબી)ના પ્રમુખ જીવીજી યુગાંધરને કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ની એક્સ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશથી જીવીજી યુગાંધરને સીઆરપીએફના કમાન્ડોની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. તેમની સુરક્ષાના ભાગરૂપે ત્રણથી ચાર કમાન્ડો તેમની સાથે રહેશે.
એએઆઈબી પ્રમુખ યુગાંધર વિમાન અકસ્માતની તપાસ માટે ૧૨ જૂને જ તેમની ટીમ સાથે અમદાવાદ પહોંચી ગયા હતા. સૂત્રો મુજબ એએઆઈબીના મહાનિદેશક જીવીજી યુગાંધરને એક્સ શ્રેણીની સુવિધા ૧૬ જૂનથી અપાઈ છે. એએઆઈબી એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસનું નેતૃત્વ કરી રહી છે તેવા સમયે આ પગલું લેવાયું છે.
- ટોક્યો-દિલ્હી ફ્લાઈટનું ઈમર્જન્સી લેન્ડિંગ
એર ઈન્ડિયાની ફ્લાઈટની કેબિનમાં તાપમાન ગરમ થતાં કોલકાતા ડાયવર્ટ
કોલકાતા: એર ઈન્ડિયાની ટોક્યો-દિલ્હી ફ્લાઈટ એઆઈ-૩૫૭ને કેબિનમાં તાપમાન સતત ગરમ થવાના કારણે રવિવારે સાંજે તકેદારીના ભાગરૂપે કોલકાતા ડાયવર્ટ કરવામાં આવી હતી. વિમાન કોલકાતામાં સુરક્ષિતરૂપે લેન્ડ થયું હતું અને ટેક્નિશિયન્સે તેની તપાસ શરૂ કરી હતી. એર ઈન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, ફ્લાઈટ એઆઈ-૩૫૭ના પ્રવાસીઓને વહેલી તકે દિલ્હી પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ રહી છે. એરલાઈન કંપનીએ પ્રવાસીઓને થયેલી અસુવિધા માટે ખેદ વ્યક્ત કર્યો હતો. આ ફ્લાઈટે ટોક્યોના હનેડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઉડ્ડયન કર્યું હતું અને દિલ્હી આવી રહ્યું હતું.








