ગરીબો વધી રહ્યા છે, ધનાઢ્યોના હાથમાં જ સંપત્તિ : ગડકરી
- સૌથી મોટું અર્થતંત્ર અને વિકાસની વાતોની સરકારના મંત્રીએ પોલ ખોલી
- સંપત્તિનું વિકેન્દ્રીકરણ જરૂરી, માત્ર ધનાઢ્ય લોકો જ માલામાલ થાય ને ગરીબો ગરીબ જ રહે તે યોગ્ય નથી : કેન્દ્રીય મંત્રી
- ગ્રામીણ વિસ્તાર ઉપર આવે, રોજગારી વધે તે રીતે અર્થતંત્રનો વિકાસ થવો જોઇએ, આ દિશા તરફ અમે ધ્યાન આપી રહ્યા છીએ : ગડકરી
- જેમના પેટ ખાલી હોય તેમને જ્ઞાનના પાઠ ના શીખવી શકો : ગડકરીએ સ્વામી વિવેકાનંદના વિચાર યાદ કર્યા
- ગડકરીએ પૂર્વ પીએમ મનમોહનસિંહની આર્થિક નીતિના વખાણ કર્યા
નાગપુરના એક સમારંભમાં સંબોધન કરતા ગડકરીએ સંપત્તિના વિકેન્દ્રીકરણ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે સંપત્તિ અમુક શ્રીમંતોના જ કબજામાં આવી જાય એવું થવું ન જોઇએ. વધુ રોજગારીની તકો ઉભી થાય અને ગ્રામીણ ક્ષેત્રની ઉન્નતી થાય એ રીતે આર્થિક ક્ષેત્રમાં વિકાસ સધાવો જોઇએ. સંપત્તિનું વિકેન્દ્રીકરણ થાય એ જરૂરી છે. આ દિશામાં અનેક ફેરફારો થયા છે અને પરિવર્તન આવ્યું એ હકિકત છે.
ઉદાર આર્થિક નીતિ અપનાવવા માટેનું શ્રેય અગાઉના કોંગ્રેસી વડા પ્રધાનો ડૉ. મનમોહન સિંહ અને નરસિંહ રાવને આપવાની સાથે ભાજપના વરિષ્ઠ નેતાએ નિરંકુશ કેન્દ્રીકરણ સામે લાલબત્તી ધરી હતી. ગડકરીએ કૃષિ, ઉત્પાદન, કરમાળયું અને અર્થતંત્રને લગતી વિવિધ બાબતો વિશે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે દેશના અર્થતંત્રને વેગવાન બનાવવા માટે વધુને વધુ રોજગારીની તકો ઉભી થાય એવો આર્થિક વિકલ્પ અપનાવવામાં આવ્યો છે. આ દિશામાં અનેક કદમ ઉઠાવવામાં આવ્યા છે.
ભારતીય અર્થતંત્રના માળખા વિશે ટિપ્પણ કરતા પરિવહન પ્રધાને જણાવ્યું હતું કે વિવિધ ક્ષેત્ર તરફથી જીડીપીમાં યોગદાનમાં ઘણું અસંતુલન છે જે દૂર થવું જોઇએ ઉત્પાદન ક્ષેત્ર તરફથી ૨૨ થી ૨૪ ટકા, સર્વિસ ક્ષેત્ર તરફથી ૫૨ થી ૫૪ ટકા જીડીપીમાં ફાંળવવામાં આવે છે જ્યારે દેશમાં ૬૫ થી ૭૦ ટકા પ્રજા ગ્રામીણ વિસ્તારમાં વસતી હોવા છતાં કૃષિ ક્ષેત્ર તરફથી માત્ર ૧૨ ટકા જીડીપીમાં ફાળવે છે આ અસંતુલન દૂર થવું જોઇએ. ગડકરીએ કહ્યું હતું કે ગ્રામીણ વિસ્તારો ઉપર આવે તેનો વિકાસ થાય અને સાથે રોજગારીની તકો વધે તે પ્રકારે અર્થતંત્રનો વિકાસ થવો જોઇએ. આ દિશામાં અમે કામ કરી રહ્યા છીએ.
દેશમાં ગ્રામીણ વિસ્તારની ૬૫થી ૭૦ ટકા જનતા હજુ પણ કૃષિ પર નિર્ભર છે. તેમ છતા કૃષિનુ જીડીપીમાં યોગદાન માત્ર ૧૨ ટકા છે. સ્વામી વિવેકાનંદના વાક્યને યાદ કરીને ગડકરીએ કહ્યું હતું કે જેમના પેટ ખાલી હોય તેમને જ્ઞાન ના શીખવી શકો.