રસી અપાયા પછી કેન્દ્રમાં અડધા કલાક સુધી વ્યક્તિ પર નજર રખાશે
દેશમાં કોરોના રસીકરણની પ્રક્રિયા
રજિસ્ટ્રેશન વખતે આપેલા ફોટો આઈડીથી ઓળખ ચકાસ્યા પછી વ્યક્તિને કેન્દ્રમાં પ્રવેશ અપાશે
નવી દિલ્હી, તા. ૯
કેન્દ્ર સરકારે ૧૬મી જાન્યુઆરીથી દેશમાં કોરોના રસીકરણ કાર્યક્રમ શરૃ કરવાની જાહેરાત કરી દીધી છે. આ સાથે સરકારે બધા જ રાજ્યોને રસીકરણ કાર્યક્રમની માર્ગદર્શિકા અને રૃપરેખા પણ આપી દીધી છે. રાજ્યોમાં આ માર્ગદર્શિકા અને રૃપરેખા પ્રમાણે જ રસીકરણની પ્રક્રિયા હાથ ધરાય તે માટે દેશમાં ત્રણ તબક્કામાં રિહર્સલ પણ કરાયું હતું.
દેશમાં એક રસીકરણ કેન્દ્ર પર એક દિવસમાં ૧૦૦થી ૨૦૦ લોકોને રસી અપાશે. પ્રાથમિક તબક્કામાં હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન વોરિયર્સને રસી અપાશે. રસીકરણની પ્રક્રિયા પર નજર કરીએ તો કો-વિન એપ પર રજિસ્ટ્રેશન કરાવ્યા પછી વ્યક્તિને રસી આપવાની તારીખ અને સમયની મોબાઈલ પર જાણ કરાશે. રસીકરણ કેન્દ્ર પર પહોંચતા વ્યક્તિએ કો-વિન એપ પર રજિસ્ટ્રેશન કરતી વખતે આપેલા ફોટો આઈડી કાર્ડ મારફત તેની ઓળખ કરાશે. હાથ સેનિટાઈઝ કરાવ્યા પછી તેને રસીકરણ કેન્દ્રમાં પ્રવેશ અપાશે. ત્યાંથી તેને સોશિયલ ડિસ્ટન્સ સાથે વેઈટિંગ રૃમમાં બેસાડાશે.
ઓળખ થઈ ગયા પછી રસીકરણ માટે વેઈટિંગ રૃમમાં બેઠેલા વ્યક્તિને રસીકરણ રૃમમાં લઈ જવાશે. ત્યાં રસી આપતા પહેલાં ડૉક્ટર તેનું થર્મલ સ્કેનિંગ કરશે અને તેના સ્વાસ્થ્ય અને એલર્જી સંબંધિત માહિતી મેળવશે. તેને રસીકરણ અને તેના પછીની પ્રક્રિયાની માહિતી આપશે. ત્યાર પછી વ્યક્તિને રસી લગાવાશે. રસી અપાયા પછી વ્યક્તિને નિરિક્ષણ રૃમમાં બેસાડાશે. અહીં લગભગ અડધો કલાક સુધી તેના પર નજર રખાશે. રસીકરણ પછી વ્યક્તિને કોઈ આડ અસર દેખાશે તો તેને તાત્કાલિક તબીબી સુવિધા પૂરી પડાશે. કોઈ આડ અસર નહીં દેખાય તો વ્યક્તિને અડધા કલાક પછી રસીકરણ કેન્દ્રમાંથી બહાર જવા દેવાશે.