For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આઝાદીનો અમૃત મહોત્સવ, આત્મનિર્ભર ભારતનો આરંભ : મોદી

Updated: Mar 12th, 2021


'એક ભારત શ્રેષ્ઠ ભારત' વિશ્વગુરૂ ભારતનાં નવાં નજરાણાનો નવાજેશ

નમક પર વેરો નાખી ભારતના આત્મસન્માનને ઠેસ મારનાર કાયદા સામે અવાજ ઊઠાવી આઝાદીની માગને ગાંધીજીએ બુલંદ બનાવી હતી

અમદાવાદ : આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના આરંભ સાથે રાષ્ટ્રના નવ જાગરણનો આરંભ કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાબરમતીના તટેથી સમગ્ર દેશની પ્રજાને આવાહન આપ્યું હતું.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ નમક પર વેરો નાખીને ભારતના આત્મ સન્માનને ઠેસ પહોંચાડવાનું કૃત્ય કરનાર બ્રિટીશ સરકારના કાયદાને દાંડીના નમક સત્યાગ્રહ છેડીને સમગ્ર રાષ્ટ્રમાં આઝાદીની લડત માટેના આગ્રહને બુલંદ બનાવ્યો હતો.

આજે 75 વર્ષ બાદ સાબરમતીના ગાંધીઆશ્રમથી 12.39ના વિજય મુહૂર્તમાં પુનરાવર્તિત દાંડી યાત્રાનો આરંભ કરાવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારતની જનતાને દેશ માટે જીવવા આવાહન આપ્યું છે.  નમક એ વિશ્વાસ, નમક એ વફાદારી અને નમક એ સમાનતા તથા નમક એ શ્રમનું પ્રતીક હોવાથી મહાત્મા ગાંધીએ નમક પરના વેરોનો વિરોધ કરીને સરકાર સામે અહિંસક જંગ છેડયો હતો.

આ સાથે જ પ્રધાનમંત્રીએ દેશના દરેક નાગરિકને આઝાદીના અમૃત મહોત્સવમાં ભાગીદાર બનવા આમંત્રણ પણ આપ્યું હતું. 12મી માર્ચથી શરૂ થયેલા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી 15મી ઓગસ્ટ 2023 સુધી 75 અઠવાડિયા સુધી ચાલશે. આઝાદીના અમૃત મહોત્સવનું અમૃત નવા સંકલ્પ અને આત્મનિર્ભરતાનું અમૃત છે. આઝાદીનો અમૃત મહોત્સવ રાષ્ટ્રના નવજાગરણનો મહોત્સવ છે. 

દેશની જનતામાં રાષ્ટ્રપ્રેમ અને જનચેતના ઊભી થાય તે માટે અમદાવદથી આઝાદીના અમૃત મહોત્સવનો આરંભ કરાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આઝાદીનો અમૃત મહોત્સવ આપણા માટે સ્વાતંત્ર્ય સેનાનીઓની પ્રેરણાંનું અમૃત, નવા વિચારો અને નવા સંકલ્પોનું અમૃત બનશે. આત્મનિર્ભર ભારતનું અમૃત બનશે.

આઝાદીના અમૃત મહોત્સવના પાંચ આધારસ્તંભ હોવાનું જણાવતા તેમણે કહ્યું હતું કે સ્વતંત્રતા માટેનો સંગ્રામ, આઝાદીના 75માં પર્વ નિમિત્તે રાષ્ટ્રની પ્રગતિ માટેના નવા આઈડીયા, આઝાદીના 75માં પર્વએ મેળવેલી સિદ્ધિઓ, આઝાદીના 75માં પર્વએ લેવાને લાયક પગલાં અને આઝાદીના 75માં પર્વએ દેશના નાગરિક તરીકે તમે કરેલા સંકલ્પોના પાયા પર આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આઝાદીના આ પર્વ નિમિત્તે આપણે આપણા પૂર્વજોએ આઝાદી માટે આપેલા બલિદાનોથી અત્યારની પેઢીને અવગત કરાવીને રાષ્ટ્રના ઉજ્જ્વળ ભાવિ માટે પાયો નાખવાનો છે.

રાણી લક્ષ્મીબાઈ, વીર સાવરકર, સુભાષચંદ્ર બોઝ, લોકમાન્ય ટીળક, શહીદ ભગત સિંહ, શ્યામજી કૃષ્ણ વર્મા જેવા સ્વાતંત્ર્યવીરોને યાદ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ત્યાગ અને બલિદાનની પરંપરાને ટકાવી રાખવાથી જ દેશનું ગૌરવ ટકી શકે છે. ભારત પાસે ગૌરવ કરવા માટે અખૂટ ભંડાર છે, જે આજની યુવાપેઢીને દેશ માટે જીવવા-મરવાની પ્રેરણાં આપતશે.

તેમણે કહ્યું હતુંકે સ્વાધિનતાની ચળવળ પાછળ અભૂતપૂર્વ ગાથાઓ રહેલી છે. લોક માન્ય ટીળકની સ્વરાજ્ય માટેની માગ, 1857નો વિપ્લવ, મહાત્મા ગાંધીનું સ્વદેશાગમન જેવા અનેક પડાવોએ ભારતીયોના જનમાનસને આઝાદીની લડતમાં સામેલ થવાની પ્રેરણાં આપી હતી.

આ આઝાદીની લડતની અગણિત ઘટનાઓ અને વીરગાથાઓ હજી દેશ સામે આવી નથી ત્યારે આઝાદીનો અમૃત મહોત્સવ વર્મતાન પેઢી સમક્ષ તે ગાથાઓને ઉજાગર કરવાનો અવસર છે. શાળા અને કૉલેજના વિદ્યાર્થી ગુ્રપ બનાવીને તપાસ કરીને વડીલોને મળીને તેમની પાસેથી જાણીને આ ઘટનાઓને ઉજાગર કરવાનું કામ કરી શકે છે.

ખાસી, સંથાલ, નાગા, કૂકા, ભીલ, મુંડા જેવી વિવિધ આદિજાતિઓએ જન્મભૂમિની સ્વતંત્રતા માટે અંગ્રેજો સામે કરેલા સ્વાતંત્ર્ય સંઘર્ષનો ચિતાર આપે છે. રાણી ગાઈડીનલ્યુ, બિરસા મુંડા, મુર્મુ ભાઈઓ, અલ્લુરી, સિતારામરાજૂ, માનગઢના ગુરૂ ગોવિંદ, સંથાળો સહિતના નવવાસી ક્રાન્તિવીરોની ગાથાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો. 

આ સાથે જ તેમણે એક ભારત, શ્રેષ્ઠ ભારત અને આત્મ નિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ભારતને વિશ્વગુરૂ બનાવવાના નિર્ધારનો પુનરોચ્ચાર કર્યો હતો. ભારતનો દરેક નાગરિક વિકાસના તમામ લક્ષ્યોને પાર પાડવા સાથે રહે તેવો અનુરોધ પણ તેમણે કર્યો હતો. 

આઝાદીના અમૃત મહોત્સવની વેબસાઈટ લોન્ચ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવનો આરંભ કરાવતા india75.nic.in નામની વેબસાઈટ લોન્ચ કરી હતી. તેમાં શ્રેષ્ઠ ભારતની પરિકલ્પનાની વાત કરવામાંઆવી છે. તેમ જ ભારતમાં થઈ રહેલા અને થયેલા વિકાસની વાતો પણ મૂકવામાં આવશે. દરેક ભાષા અને દરેક રાજ્યનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતને વિશ્વના મંચ પર પ્રોજેક્ટ કરવાની કામગીરી પણ આ વેબ પોર્ટલના માધ્યમથી કરવામાં આવશે. 

વિશ્વગુરૂ બનવાની દિશામાં ભારત અગ્રેસર થઈ રહ્યું છે : રૂપાણી

ભારત આજે વિશ્વ ગુરૂ બનવાની દિશામાં અગ્રેસર થઈ રહ્યું છે ત્યારે પુનરાવર્તિત દાંડી યાત્ર દેશમાં જનચેતના જગાવતી જનયાત્ર બની રહેશે. આઝાદીના 75 વર્ષે સમગ્ર રાષ્ટ્ર દેશ માટે જીવવા સંકલ્પબદ્ધ બની રહ્યોહોવાનું ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી પ્રસંગે બોલતા તેમણે કહ્યું હતું કે  દાંડીયાત્રાની ચિનગારીએ સમગ્ર દેશમાં સ્વદેશીની ભાવનાનો સંચાર કર્યો હતો. ભારતના સ્વતંત્રતા માટેના સંગ્રામમાં ગુજરાતનું પ્રદાન યશસ્વી રહ્યું હતું. ગાંધીજીએ સમગ્ર દેશમાં જનતચેતનાનું આંદોલન ચલાવ્યું તો સરદાર પટેલે દેશને એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. ગાંધીજી સ્વતંત્રતાના શિલ્પી હતા અને સરકાર પટેલ અખંડ ભારતના શિલ્પી હતા. 

તેમણે કહ્યું હતું કે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વ હેઠળ દેશમાં આઝાદી માટેની લડતના મંડાણ થયા હતા તે જ ભૂમિ પર આજે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનો આરંભ થઈ રહ્યો છે તે ગૌરવ વંતી બાબત છે. 

ભારતની આઝાદીની લડતમાં ગણેશ વાસુદેવ માવલંકર, વિનોદ કિનારીવાલા, મગનભાઈ પટેલ, બળવંતરાય મહેતા, ઉછંગરાય ઢેબર જેવા અનેક દેશભક્તોએ અનન્ય યોગદાન આપ્યું હતું. જેને ગુજરાતની જનતા સદૈવ યાદ રાખશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. 

15મીથી પરીક્ષા છતાં સ્કૂલોના વિદ્યાર્થીઓને ફરજિયાત બોલાવાયા

દાંડીયાત્રા કાર્યક્રમ અંતર્ગત કોચરબ આશ્રમ ખાતે આજે સવારે ધો.9થી12ની સ્કૂલોના વિદ્યાર્થીઓને ફરજીયાત બોલવાવમા આવ્યા હતા. ગઈકાલે શિવરાત્રી હોવાથી સ્કૂલોમાં રજા હતી અને તેના એક દિવસઅગાઉ રાત્રે જ સરકાર તરફથી ડીઈઓને ભીડ ભેગી કરવા વિદ્યાર્થીઓને ફરજીયાત હાજર રાખવા માટે ઓર્ડર કરાયો હતો.જેને લઈને અધિકારીઓ પણ કંટાળી ગયા હતા અને  કેટલીક સ્કૂલોના 300થી વધુ વિદ્યાર્થીઓનેકોચરબ આશ્રમ ખાતે ફરજીયાત લાવવામા આવ્યા હતા.જેને લઈને વાલીઓ અને સ્કૂલોએ પણ વિરોધ  નોંધાવ્યો હતો.જ્યારે કોચરબ આશ્રમ ખાતે સોશિયલ ડિસન્સિંગ મુજબ વિદ્યાર્થીઓને બોસાડી શકવા માટે પુરતી વ્યવસ્થા ન હોવાથી કેટલીક સ્કૂલોના વિદ્યાર્થીઓને પાછા જવુ પડયુ હતું.

હરિહરન અને જુબિન નૌટિયાલે દેશભક્તિનાં ગીતો ગાયા

આશ્રમ પરિસરમાં આજે આમંત્રિતોથી ભરચક ડોમમાં ગાયક હરિહરન અને જુબિન નૌટિયાલે દેશભક્તિ ગીતો ગાયા હતા. આ દરમિયાન વંદે માતરમ ગીતથી સમગ્ર પરિસર ગૂંજી ઉઠયું હતું અને અભિનેતા અનુપમ ખેર સ્ટેજ નજીક આવી ગાયકોના વીડિયો ઉતારતા જોવાં મળ્યા હતા. આ ઉપરાંત ગુજરાત, કાશ્મીર, દક્ષિણ ભારતથી આવેલા કલાકારોએ તેમના પરંપારગત નૃત્ય રજૂ કર્યા હતા તો બીજી તરફ દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા કલાકારોએ પર્ફોર્મન્સ આપ્યું હતું.

Gujarat