દુનિયાની સૌથી મોંઘી ચાની કિંમત એક કિલોના નવ કરોડ રૂપિયા
- દા-હોંગ-પાઓ-ટી નામની સૌથી મોંઘી ચાનું ચીનમાં ઉત્પાદન
- સૌથી મોંઘી ટોપ-૫માં ભારતની સિલ્વર ઈમ્પિરિયલ ટીનો સમાવેશ : એક કિલોનો ભાવ રૂ. દોઢ લાખ
નવી દિલ્હી : દુનિયાની સૌથી મોંઘી ચાની વાત થાય તો એમાં ચીનમાં થતી દા-હોંગ-પાઓ-ટી પહેલો ક્રમ મેળવી જાય છે. એના એક કિલો ચાના વધુમાં વધુ ૧૨ લાખ ડોલર યાને અંદાજે ૯ કરોડ રૂપિયા મળી ચૂક્યા છે. ભારતની એક ચા પણ આ યાદીમાં સ્થાન પામે છે.
ચીનના ફુનિયાંત પ્રાંતમાં થતી દા-હોંગ-પાઓ-ટી દુર્લભ છે. એને રાષ્ટ્રીય ખજાનો જાહેર કરવામાં આવી છે. પહાડીઓમાં થતી આ ચાની વધુમાં વધુ કિંમત ૨૦૦૫માં ૧૨ લાખ ડોલર યાને નવ કરોડ રૂપિયા મળી હતી. એ રેકોર્ડ હજુય અકબંધ છે. બીજી સૌથી મોંઘી ચાનું નામ છે પાંડા-ડંગ ટી. પાંડાના છાણનો આ ચાની ખેતીમાં ઉપયોગ થતો હોવાથી એનું નામ પાંડા પરથી પડયું છે. એ પણ ચીનમાં જ થાય છે. આ ચાનો ભાવ લગભગ ૭૦ હજાર ડોલર એટલે કે અંદાજે ૫૭ લાખ રૂપિયા જેટલો છે. યલ્લો ગોલ્ડ ટી બર્ડ્સ નામની ચા સિંગાપોરમાં થાય છે અને તે આ યાદીમાં ત્રીજા ક્રમે છે. સોનાની જેમ તેના પાંદડાં ચમકતા હોવાથી નામ ગોલ્ડ ટી રખાયું છે. આ ચાની કિંમત ૭૮૦૦ ડોલર યાને અંદાજે છ લાખ રૂપિયા થાય છે.
ટોપ-૫માં ચોથો નંબર ભારતની ચાને મળે છે. સિલ્વર ટિપ્સ ઈમ્પિરિયલ ટી દાર્જિલિંગની પહાડીઓમાં થાય છે. તેને ખાસ પૂનમની રાતે જ તોડવામાં આવે છે. તેનો દેખાવ ચાંદી જેવો છે. એ ભારતની સૌથી મોંઘી અને વિશ્વની સૌથી મોંઘી ચોથા ક્રમની ચા છે. ૨૦૧૪માં એક હરાજીમાં તેની મહત્તમ કિંમત ૧૮૫૦ ડોલર એટલે કે એક કિલોના દોઢ લાખ રૂપિયા મળ્યા હતા.
જાપાનની ગ્રીન ટી ગ્યોકૂરો આ યાદીમાં પાંચમા નંબરે છે. આ ચાની કિંમત ૬૫૦ ડોલર યાને બાવન હજાર રૂપિયા જેવી થાય છે. એની ખેતીમાં ખાસ કાળજી લેવામાં આવે છે.