વાજતે-ગાજતે અંતિમ યાત્રા, દાહ સંસ્કાર પહેલાં જ મડદું ઊઠીને ભાગ્યું, 427 વર્ષ જૂની પરંપરા
A unique tradition in Bhilwara, Rajasthan for years: રાજસ્થાનના ભીલવાડામાં વર્ષોથી એક અનોખી પરંપરા નિભાવવામાં આવી રહી છે. જેમાં જીવિત વ્યક્તિને અર્થી પર સૂવડાવવામાં આવે છે અને પછી વાજતે ગાજતે રંગો ફેકીને આખા શહેરમાં તેની અંતિમયાત્રા કાઢવામાં આવે છે. ત્યારબાદ એક જગ્યાએ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.
આ પણ વાંચો: VIDEO : 100 ફૂટ ઊંચો રથ પડતાં ઉત્સવ માતમમાં ફેરવાયો, એકનું મોત અનેક ઈજાગ્રસ્ત
'મૃત' કૂદીને ભાગી જાય છે
જોકે, અંતિમ સંસ્કાર થાય તે પહેલાં અર્થી પર સૂતેલી વ્યક્તિ કૂદીને ભાગી જાય છે. ભીલવાડામાં શીતળા સાતમ પર છેલ્લા 427 વર્ષથી આ પરંપરા નિભાવવામાં આવી રહી છે. આ પરંપરાને 'ઈલાજી કા ડોલકા' કહેવામાં આવે છે. હોળીના સાત દિવસ બાદ આ શોભાયાત્રા કાઢવામાં આવે છે.
જ્યાં એક જીવિત વ્યક્તિને અર્થી પર સુવડાવવામાં આવે છે
આ શોભાયાત્રાની શરુઆત શહેરના ચિત્તોડવાળાની હવેલીથી કરવામાં આવે છે. જ્યાં એક જીવિત વ્યક્તિને અર્થી પર સૂવડાવવામાં આવે છે અને પછી વાજતે ગાજતે ઢોલ, સંગીત અને રંગો ફેંકીને અંતિમયાત્રા કાઢવામાં આવે છે. આ અંતિમયાત્રામાં ભાગ લેવા માટે ભીલવાડાના જ નહીં પરંતુ આસપાસના જિલ્લામાંથી પણ લોકો ઉમટી પડે છે.
આ યાત્રામાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ
અંતિમયાત્રા દરમિયાન ઘણી અભદ્ર ટિપ્પણી કરવામાં આવતી હોવાથી આ શોભાયાત્રામાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. આ અર્થીનો અંતિમ સંસ્કાર શહેરના મોટા મંદિરની પાછળના ભાગે કરવામાં આવે છે. અહીં પહોંચતા જ અર્થી પર સૂતેલી વ્યક્તિ કૂદીને ભાગી જાય છે.
આખા વર્ષની ખરાબવૃતિઓને બહાર નીકાળે છે
આ અંતિમયાત્રા પાછળની એવી માન્યતા રહેલી છે કે, જે કોઈ પણ આ યાત્રામાં ભાગ લે છે, તે પોતાની અંદર છુપાયેલા દુષ્ટતા અને ક્રોધને બહાર લાવે છે અને એક નવી શરૂઆત કરે છે. દર વર્ષે થતી જીવિત મૃતકોની અંતિમયાત્રામાં કોઈ નિશ્ચિત વ્યક્તિ હોતી નથી. દર વર્ષે આ અર્થી પર સૂઈ જનારી વ્યક્તિ બદલાતી રહે છે.
મડદું બનવાનું કામ મુશ્કેલ છે, કારણ કે ઘણું સહન કરવું પડે છે. મુસાફરી દરમિયાન મૃત બનેલી વ્યક્તિ કંટાળીને ગમે ત્યારે અર્થી પરથી ઉઠીને ભાગી શકે છે. ત્યાર બાદ તેના સ્થાને એક પૂતળું મૂકવામાં આવે છે અને પછી અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.