Get The App

મજૂરો ભયને લીધે પુલવામા છોડી રહ્યા છે ક્યારે અને ક્યાંથી હુમલો આવશે તે કહી શકાય તેમ નથી

Updated: Apr 13th, 2022

GS TEAM


Google News
Google News
મજૂરો ભયને લીધે પુલવામા છોડી રહ્યા છે ક્યારે અને ક્યાંથી હુમલો આવશે તે કહી શકાય તેમ નથી 1 - image


- પ્રવાસીઓ ઉપર થયેલા હુમલા પછી પાંચ મહિને ફરી હુમલો થયો : પહેલી ઘટના 19મી માર્ચે બની

શ્રીનગર : કાશ્મીરમાં રાજ્ય બહારથી આવેલા ૭ પ્રવાસી મજૂરોને ગોળી મારી ઘાયલ કરી દેવાયા છે દરેક હુમલા પુલવામાના દક્ષિણ વિસ્તારમાં થયા છે. તે હુમલાખોરોને શોધવામાં અધિકારીઓને સફળતા મળી નથી. પરિણામે ભય અને અનિશ્ચિતતાને લીધે અન્ય રાજ્યોમાંથી મજૂરો પૈકી મોટા ભાગના પોતાના રાજ્યોમાં પોતાને ઘેર જવા રવાના થઈ રહ્યા છે. કેટલાક કાશ્મીર ખીણમાં અહીં તહીં ચાલ્યા ગયા છે, પરંતુ તેઓની સંખ્યા નગણ્ય છે.

એક વર્તમાનપત્રના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, પુલવામામાં આવેલા પ્રચૂ ગામમાં માર્ગની ધાર ઉપર રહેલા બિહારના બગહા જિલ્લાના નિવાસી ધીરજકુમાર સતત નજર રાખે છે. જો કોઈ અજાણી વ્યક્તિને જુએ તો ડરી જાય છે. તેણે પત્રકારોને કહ્યું હતું કે, મને ખબર છે જ કે (આતંકીઓ) બહારના લોકોને નિશાન બનાવી રહ્યા છે. પરંતુ અમે કરી પણ શું શકીએ ? અમે કોઈ પણ રીતે મરવાના છીએ. જો અહીં કામ ન કરું તો મારા કુટુંબને ખવડાવું શું ? હું માત્ર સાવધાની રાખું છું અને માનું છું કે કશું જ નહિ થાય.'

તે સર્વવિદિત છે કે પ્રવાસીઓ ઉપર થયેલા હુમલા પછી પાંચ મહિને પહેલીવાર આતંકી હુમલો થયો છે. આ પૂર્વે ઓક્ટોબરમાં પાંચ લોકો માર્યા ગયા હતા. જો કે, ગોળીબારની ઘટના ૧૯મી માર્ચે પણ બની હતી. ત્યારે આતંકીઓએ ઉત્તર પ્રદેશના મહમ્મદ અકરમને ગોળી મારી હતી. ૭મી એપ્રિલે પંજાબના પઠાણકોટના રહેવાસી તેવા એક મજૂર સોનુ શર્મા ઉપર પુલવામાના યાહેર ગામમાં હુમલો કરવામાં આવ્યો હતો ત્યાં જ ૨૧ માર્ચે એક મજૂર વિશ્વજીત કુમાર ઘાયલ થયો હતો તા. ૩જી એપ્રિલે પઠાણ કોટના એક ડ્રાઇવર ધીરજ દત્ત અને કંડ્કટર સુરીન્દરનને આતંકીઓએ ગોળી મારી હતી. ૪થી એપ્રિલે બિહારના બે મજૂર પાતાલેશ્વર કુમાર અને જહુહુ ચૌધરી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.

એક વરીષ્ઠ પોલીસ અધિકારીએ પત્રકારોને જણાવ્યું હતું કે, અત્યારે પુલવામામાં આશરે ૬૦૦૦થી ૬૫૦૦ મજૂરો અન્ય રાજ્યોમાંથી આવેલા છે પરંતુ હજી તો પ્રવાસી મોસમ શરૂ થઈ નથી પ્રવાસી મોસમ સમયે અમારી પાસે ૨૦,૦૦૦થી ૩૦,૦૦૦ મજૂરો (બહારના રાજ્યોમાંથી આવેલા) હોય છે.

અધિકારીઓનું એક અનુમાન તેવું પણ છે કે, રાજ્યમાં લગભગ ૩ લાખ મજૂરો પૂરી પ્રવાસી મોસમ સમયે આવી વસે છે તેમાં મોટા ભાગના બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ અને ઝારખંડના હોય છે. બિહારના તો કેટલાય લોકો કાશ્મીરને ભારતનું દુબઈ માને છે. કાશ્મીર ખીણ કરતા મજૂરોને દૈનિક ૫૦૦- ૭૦૦ રૂપિયા મળે છે.

Tags :