India

વોટ ચોરીના મુદ્દાએ કોંગ્રેસને વોટ ના અપાવ્યા, કેમ્પેઇન નિષ્ફળ રહ્યું

By GS TEAM
16 Nov 20251 min read
વોટ ચોરીના મુદ્દાએ કોંગ્રેસને વોટ ના અપાવ્યા, કેમ્પેઇન નિષ્ફળ રહ્યું

- રાહુલે લગભગ તમામ રેલીઓમાં વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો

- કોંગ્રેસે ચૂંટણી પહેલા એવા મુદ્દા પાછળ ઉર્જા, સંસાધનો અને સમય ખર્ચી નાખ્યા જેને જનતાએ ગંભીરતાથી ના લીધા 

પટણા : બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની બહુ જ ખરાબ રીતે હાર થઇ છે, કોંગ્રેસે આ ચૂંટણીના પ્રચારમાં વોટ ચોરીનો મુદ્દો ખુબ ઉઠાવ્યો હતો. જોકે આ વોટ ચોરીનો મુદ્દો કોંગ્રેસને મતો અપાવવામાં નિષ્ફળ રહ્યો છે. કોંગ્રેસે વોટ ચોર ગદ્દી છોડના સુત્રો પણ ચલાવ્યા હતા જોકે જનતાએ કોંગ્રેસને જ સત્તાની ગાદીથી દૂર રાખી.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને આરજેડીના નેતા તેજસ્વી યાદવે ૧૭મી ઓગસ્ટના બિહારના સાસારામથી વોટ ચોરી અભિયાન હેઠળ યાત્રા શરૂ કરી હતી. ૧૬ દિવસ ચાલેલી આ યાત્રામાં કુલ ૨૫ જિલ્લાને કવર કરવામાં આવ્યા હતા. જેમાં મહાગઠબંધનના તમામ પક્ષના નેતાઓ પણ જોડાયા હતા. જોકે વોટ ચોરીના નારાની મતદારો પર કોઇ ખાસ અસર ના જોવા મળી. બિહારમાં ચૂંટણી પંચ દ્વારા મતદારોનું વેરિફિકેશન કરાયું હતું જેને એસઆઇઆર તરીકે ઓળખવામાં આવે છે. 

આ એસઆઇઆરનો કોંગ્રેસે તેમજ અન્ય કેટલાક પક્ષોએ ભારે વિરોધ કર્યો હતો. જોકે મહાગઠબંધનના નેતાએ નામ ના આપવાની શરતે દાવો કર્યો હતો કે વોટ ચોરીનો આ મુદ્દો કોઇ ખાસ ઉદાહરણ સાથે રજુ ના કરી શકાયો. કેટલા બિહારીઓ મતના અધિકારથી વંચિત રહ્યા તે પણ ના દેખાડી શક્યા. જેનાથી આ પુરુ અભિયાન જ નબળુ પડી ગયું.