સરકાર પાંજરાના પોપટ CBIને મુક્ત કરે
દેશની કેન્દ્રીય તપાસ સંસ્થાને સ્વાયત્તતા આપવા મદ્રાસ હાઇકોર્ટનો આદેશ
કેન્દ્ર સરકાર સીબીઆઇને ચૂંટણી પંચની જેમ બંધારણે આપેલા અધિકારો મુજબ કામ કરવા દે, અલગ કાયદો બનાવે : મદ્રાસ હાઇકોર્ટ
2013માં સુપ્રીમે સીબીઆઇને પાંજરાનો પોપટ કહી હતી
સીબીઆઇ ડાયરેક્ટર હાજર થાય અથવા એજન્સી રિપોર્ટ દાખલ કરે : મદ્રાસ હાઇકોર્ટ
સરકાર કોઇ પણ હોય પોપટ તો પાંજરામાં જ રહેવાનો !
ચેન્નાઇ : મદ્રાસ હાઇકોર્ટે સીબીઆઇની સ્વતંત્રતા મુદ્દે એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. હાઇકોર્ટે કહ્યું છે કે સીબીઆઇ હાલ પાંજરામાં કેદ પોપટની જેમ છે અને તેને પણ ચૂંટણી પંચની જેમ જ આઝાદી મળવી જોઇએ અને એક સ્વતંત્ર એજન્સી તરીકે તેને કામગીરી કરવા દેવી જોઇએ. મદ્રાસ હાઇકોર્ટે વર્તમાન વ્યવસૃથા છે તેમાં સુધારા કરવા માટે 12 મુદ્દાઓ સુચવ્યા હતા.
અને કહ્યું હતું કે આ આદેશ પાંજરામાં કેદ પોપટ સીબીઆઇને આઝાદ કરવા માટે ઘણો જ મહત્વપૂર્ણ છે. નોંધનીય છે કે 2013માં કોલસા કૌભાંડની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સીબીઆઇ અંગે આ જ શબ્દનો પ્રયોગ કર્યો હતો અને તેને પાંજરાનો પોપટ ગણાવી હતી. તે સમયે ભાજપે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ સરકારના દબાણ હેઠળ સીબીઆઇ કામ કરી રહી છે.
હવે આટલા વર્ષો પછી સીબીઆઇ કેન્દ્રની ભાજપ સરકારના તાબા કે દબાણ હેટળ કામ કરી રહી હોવાનો આરોપ લગાવાયો છે. અને સમગ્ર મામલો મદ્રાસ હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. ત્યારે હાઇકોર્ટે પણ તે જ પાંજરામાં કેદ પોપટ શબ્દનો પ્રયોગ કરીને આ આદેશ આપ્યા હતા. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીએ પણ સીબીઆઇ પર કેન્દ્રના ઇશારે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો.
તેમણે કહ્યું હતું કે સીબીઆઇ પીએમ દ્વારા કંટ્રોલ કરાયેલી સાજિશ બ્યૂરો ઓફ ઇંવેસ્ટિગેશન છે. કોર્ટે કહ્યું કે સીબીઆઇની સ્વતંત્રતા ત્યારે જ બહાલ થશે જ્યારે તેને બંધારણે આપેલા અિધકારો મુજબ કામ કરવા દેવાય. કેન્દ્ર સરકારે સીબીઆઇને વધુ સ્વતંત્રતા મળે તે માટેના પ્રયાસો કરવા જોઇએ અને અલગ જ કાયદો બનાવવો જોઇએ.
મદ્રાસ હાઇકોર્ટે સીબીઆઇમાં મોટા પાયે સુધારા કરવાના આદેશ પણ આપ્યા છે. જેમાં કોર્ટે કહ્યું છે કે સાઇબર અને ફોરેંસિક તેમજ ફાઇનાંશિયલ ઓડિટમાં જાણકારી રાખનારા વ્યક્તિઓની ભરતી પર નિર્ણય છ સપ્તાહની અંદર લેવામાં આવે. 31મી ડિસેમ્બર 2020 સુધીના જે પણ પેન્ડિંગ મામલા હોય તેનો ઝડપી નિકાલ કરવામાં આવે. આ સમગ્ર મામલામાં છ સપ્તાહની અંદર રિપોર્ટ આપવાનો આૃથવા સીબીઆઇ ડાયરેક્ટરને હાજર રહેવાનો આદેશ પણ આપ્યો છે.
મદ્રાસ હાઇકોર્ટમાં એક પીઆઇએલ દાખલ થઇ હતી, જેમાં કથીત ચિટફંડ કૌભાંડની સીબીઆઇ દ્વારા તપાસ કરવાની માગણી કરવામાં આવી હતી. હાઇકોર્ટે બાદમાં આ સમગ્ર મામલાને વ્યાપક રીતે સુનાવણી પર લીધો હતો અને સીબીઆઇમાં જે પણ ઉણપ કે સ્ટાફની અછત છે તેના પર ભાર મુક્યો હતો. માત્ર સરકાર જ નહીં હાઇકોર્ટે સીબીઆઇ ડાયરેક્ટરને પણ કહ્યું છે કે એજન્સીમાં જે પણ સ્ટાફની અછત હોય તે અંગે કેન્દ્ર સરકારને રજુઆત કરવામાં આવે.
મદ્રાસ હાઇકોર્ટે આપેલા આદેશના મહત્વપૂર્ણ મુદ્દાઓ
* ભારત સરકારને આદેશ આપીએ છીએ કે તે સીબીઆઇને વધુ સ્વતંત્રતા મળે તે માટે કાયદો ઘડે.
* કેગ અને ચૂંટણી પંચની જેમ જ સીબીઆઇને પણ વધુ સ્વતંત્રતા મળવી જોઇએ.
* સીબીઆઇ માટે બજેટમાં અલગથી નાણા ફાળવવા જોઇએ.
* સીબીઆઇ ડાયરેક્ટરની સત્તા સરકારના સચીવ જેટલી હોવી જોઇએ, ડીઓપીટી કરતા સીધા પીએમને રિપોર્ટ કરવાની સ્વતંત્રતા આપો.
* સીબીઆઇ પર વહીવટ કે કોઇ પણ પ્રકારનો કંટ્રોલ સરકારનો ન હોવો જોઇએ.
* ડીઓપીટીને આદેશ આપીએ છીએ કે તે સીબીઆઇના ખાલી પદ ભરે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અડચણો દુર કરે.
* સીબીઆઇએ પોતાનો વ્યાપ અને સ્ટાફ વધારવાની માગણી સરકાર સમક્ષ કરવી જોઇએ. કેન્દ્ર સરકારે પણ આ અંગે આદેશ આપવા જોઇએ.