વાહનોમાં ટાંકી ફુલ કરાવવા અંગે સરકારે જાહેર કરી ગાઈડલાઈન, થઈ શકે છે મોટું નુકસાન
વાહનોના રિફ્યુલિંગને લઈને નવા દિશાનિર્દેશ જારી
ખોટી માહિતીના કારણે ગ્રાહકો કરે છે પેટ્રોલ પંપના કર્મચારીઓ સાથે ઝઘડો
ગ્રાહકો બાબતોના મંત્રાલયે હાલમાં વાહનોમાં ફયુલ ભરાવવા અંગે એક નવો પરિપત્ર બહાર પાડ્યો છે. મંત્રાલયે વાહન ચાલકોને ક્યારેય ફયુલની ટાંકી ફુલ ન ભરવાની અપીલ કરી છે. આ સાથે મંત્રાલયે વાહન નિર્માતા કંપનીઓ પર ફયુલ ટેંકની યોગ્ય ક્ષમતા કરતા ઓછી ક્ષમતા બતાવવાનો પણ આરોપ લગાવ્યો છે. મંત્રાલયના જણાવ્યા મુજબ વાહનની મેન્યુઅલ બુકમાં આપવામાં આવેલી મર્યાદા ફયુલ ટેંકની વાસ્તવિક ક્ષમતા કરતા 15થી 20 ટકા ઓછી હોય છે. જેના કારણે ફયુલ ટેંક ફુલ કરાવનાર લોકોને ગેરસમજ થાય છે કે વાહન તેની નિયત મર્યાદા કરતા વધુ ફયુલનો વપરાશ કેવી રીતે કરે છે. આવી સ્થિતિમાં લોકો પેટ્રોલ પંપ પર તેમને છેતરવાનો આરોપ લગાવવા લાગે છે.
વાહનોના રિફ્યુલિંગને લઈને નવા દિશાનિર્દેશ જારી
મંત્રાલયે વાહનોના રિફ્યુલિંગને લઈને નવા દિશાનિર્દેશ પણ જારી કર્યા છે, જેમાં રિફ્યુઅલ કરતી વખતે કેટલીક સાવચેતી રાખવાનું કહેવામાં આવ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે વાહનોમાં ફયુલ ટેંક ફુલ કરવી જોખમી બની શકે છે. ટેંક ફુલ ભરવાથી ફયુલ લીક થઈ શકે છે, જેના કારણે વાહનમાં આગ લાગવાનું જોખમ વધે છે. નિર્દેશમાં આગળ જણાવવામાં આવ્યું કે, પેટ્રોલમાંથી નીકળતી વરાળને જગ્યા મળી શકે છે, તેથી ટેંક ફુલ ન કરાવવી જોઈએ. જ્યારે ટેંક ફુલ હોય છે, ત્યારે વધુ પ્રેશર સર્જાય છે, જેના કારણે એન્જિનમાં વધુ ફયુલનો વપરાશ થાય છે અને આ વાહનના એન્જિન પરફોર્મન્સને અસર કરે છે. જો ટેંક ફુલ હશે તો વાહન ઝૂકવાના કારણે તેમાંથી ફયુલ બહાર આવી શકે છે. પેટ્રોલ ખુબ જ જ્વલનશીલ પદાર્થ છે અને ટેંકથી બહાર આવતા તેમાં આગ પણ લાગી શકે છે.
ખોટી માહિતીના કારણે ગ્રાહકો કરે છે પેટ્રોલ પંપના કર્મચારીઓ સાથે ઝઘડો
આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં લોકો પેટ્રોલ પંપના કર્મચારીઓ સાથે વાહનમાં વધુ ફયુલ નાખવાને લઈને ઝઘડો કરતા જોવા મળ્યા હતા. આવા તમામ કિસ્સામાં ગ્રાહકોએ કંપનીની નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ફ્યુઅલ ટેન્કમાં ભરવાની ફરિયાદ કરી હતી.