Get The App

ધરતીપુત્રોનું ભવિષ્ય મારે માટે શિરમોર છે : મોદી

Updated: Aug 8th, 2025

GS TEAM

Google News
Google News
ધરતીપુત્રોનું ભવિષ્ય મારે માટે શિરમોર છે : મોદી 1 - image


- અમેરિકાના 'ટેરિફ ટેરરિઝમ' સામે કોઈ બાંધછોડ નહીં

- ખેડૂતો, માછીમારો અને ડેરી સેક્ટરના હિતો અમારા માટે સર્વોચ્ચ પ્રાથમિક્તા, ભારત ક્યારેય સમાધાન નહીં કરે : વડાપ્રધાન

- વેપાર વાટાઘાટો ચાલુ છે તેવા સમયે ટ્રમ્પની જંગી ટેરિફની જાહેરાતો બીનતાર્કિક : વિદેશ મંત્રાલય

નવી દિલ્હી : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ૫૦ ટકા ટેરિફ નાંખવાની જાહેરાત કરી છે અને વધુ ટેરિફની ધમકી આપી છે ત્યારે હવે ભારત ટ્રમ્પના ટેરિફ ટેરરીઝમ સામે લડી લેવાના મૂડમાં છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પને જડબાતોડ જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સ્પષ્ટ કર્યું કે, ભારત ખેડૂતોના હિતો સાથે કોઈ સમાધાન નહીં સાધે. મારે તેની અંગત કિંમત ચૂકવવી પડશે, પરંતુ હું તેના માટે તૈયાર છું.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ૨૫ ટકા ટેરિફ નાંખ્યો છે, જેનો અમલ આજથી શરૂ થઈ રહ્યો છે. વધુમાં અન્ય ૨૫ ટકા ટેરિફનો અમલ ૨૭ ઑગસ્ટથી થવાનો છે. આ સિવાય ડોનાલ્ડ ટ્રમ્પે વધુ ટેરિફ નાંખવાની ધમકી આપેલી છે. આવા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે, અમારા માટે ખેડૂતોના હિતો સર્વોચ્ચ પ્રાથમિક્તા છે. ભારત ખેડૂતો, માછીમારો અને ડેરી સેક્ટરના હિતો સાથે ક્યારેય સમજૂતી નહીં કરે. હું જાણું છું કે તેનું વ્યક્તિગતરૂપે મને ભારે નુકસાન થશે.

પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાાનિક ડૉ. એમ. એસ. સ્વામીનાથનની જન્મ શતાબ્દી પર આયોજિત ત્રણ દિવસના વૈશ્વિક સંમેલનના ઉદ્ધાટન સમારંભમાં પીએમ મોદીએ કહ્યું કે, મારા માટે મારા દેશના ખેડૂતો, માછીમારો અને પશુપાલકોને પ્રાથમિક્તા વધુ મહત્વની છે. 

અમેરિકન પ્રમુખ ટ્રમ્પ ભારત પર સતત ટેરિફનું દબાણ લાવી રહ્યા છે ત્યારે ભારતે બોઈંગ સાથે રૂ. ૩૧,૫૦૦ કરોડનો સંરક્ષણ સોદો રદ કરીને ભારતે અમેરિકાને મોટો ફકો પહોંચાડયો હોવાનું મીડિયા અહેવાલોમાં જણાવાયું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ભારતીય નેવીએ પી-૮આઈ વિમાનો ખરીદવા અમેરિકા સાથે સોદો કર્યો હતો. પરંતુ ટ્રમ્પના ટેરિફના દબાણ વચ્ચે ભારતે આ સોદો હાલ અટકાવી દીધો છે. જુલાઈ ૨૦૨૫માં અમેરિકન કંપની બોઈંગ સાથે અંદાજે રૂ. ૩૧૫૦૦ કરોડમાં પી-૮આઈ ખરીદવાનો સોદો થયો હતો.

દરમિયાન ટ્રમ્પના ટેરિફ મુદ્દે વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ રાજદૂતે જણાવ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચે હજુ વેપાર સોદાની વાટાઘાટો ચાલી રહી છે ત્યારે અમેરિકામાં ભારતની વસ્તુઓની આયાત પર ૫૦ ટકા સુધીનો ટેરિફ નાંખવાની ટ્રમ્પની 'એકપક્ષીય' જાહેરાત બિનતાર્કિક છે. 

વિદેશ મંત્રાલયના આર્થિક સંબંધો પરના સચિવ દામ્મુ રવીએ જણાવ્યું કે, ભારતીય ચીજો પર બેવડા ટેરિફની વોશિંગ્ટનની જાહેરાત એકપક્ષીય નિર્ણય છે. ટ્રમ્પની ટેરિફની જાહેરાત અન્યાયી અને અનૈતિક છે.

તેમણે ઉમેર્યું કે, અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર વાટાઘાટો માટે હજુ તો અમેરિકાની ટીમ આ મહિનાના અંતમાં ભારત આવવાની છે. ભારત અને અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારો છે. થોડાક સમયથી બંને દેશના સંબંધો સૌહાર્દપૂર્ણ છે અને બંને પક્ષો વેપાર તકો વધારવા પર ભાર મૂકી રહ્યા છે. ટ્રમ્પના ઊંચા ટેરિફની ભારતીય ઉદ્યોગો પર કોઈ ગંભીર અસર નહીં કરે.

રશિયા, બ્રાઝિલ પછી હવે ચીન પણ ભારતના સમર્થનમાં

ટ્રમ્પની ટેરિફ દાદાગીરી સામે ઢીલ આપો તો ફાયદો ઉઠાવા લાગે : ચીન

- ટ્રમ્પ ભારત સહિત દુનિયાના દેશોને દબાવવા માટે ટેરિફનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે : ચીન

બેઈજિંગ : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ વિરુદ્ધ રશિયા, બ્રાઝિલ પછી હવે ચીનનો ભારતને સાથ મળ્યો છે. ભારત સહિત દુનિયાના દેશો પર ટ્રમ્પની ટેરિફની જાહેરાતને ચીને અમેરિકાની દાદાગીરી ગણાવી છે. ચીને કહ્યું કે, તમે ધમકી આપનારાને તમે થોડીક પણ ઢીલ દો તો તે તમારો ફાયદો ઉઠાવવા લાગે છે. અમેરિકા દુનિયાના દેશોને દબાવવા માટે ટેરિફનો હથિયાર તરીકે ઊપયોગ કરી રહ્યું છે. 

ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ ભારત સહિત અન્ય દેશો પર ટ્રમ્પના ટેરિફ થોપવાની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું ટ્રમ્પના આ પ્રવૃત્તિ આંતરરાષ્ટ્રીય કાયદાઓનો ભંગ છે. ભારતમાં ચીનના રાજદૂત શૂ ફેઈહોંગે તેમના વિદેશ મંત્રીનું નિવેદન સોશિયલ મીડિયા પર શૅર કર્યું હતું. ફેઈહોંગે કહ્યું કે, તમે ધમકી આપનારાને એક ઈંચની જગ્યા આપો તો તે તમારી એક માઈલની જગ્યા લઈ લેશે. ચીને બ્રાઝિલની સંપ્રભુતા અને વિકાસના અધિકા પ્રત્યે પણ સમર્થનની જાહેરાત કરી છે.

ચીનના વિદેશ મંત્રીએ કહ્યું કે, ભારત સહિત દુનિયાના અન્ય દેશોને દબાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફનો હથિયાર તરીકે ઊપયોગ કરી રહ્યા છે અને તે સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનો ભંગ છે. તે ડબલ્યુટીઓના નિયમોને નબળા કરે છે અને અલોકપ્રિય તથા અસ્થિર નિર્ણયો કરે છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદીને યુક્રેન યુદ્ધમાં તેને મદદ કરી રહ્યું છે તેવો દાવો કરતાં ભારત પર ૫૦ ટકા ટેરિફ નાંખવાની જાહેરાત કરી છે. ઉપરાંત ટ્રમ્પે બ્રિક્સ દેશોને અમેરિકા વિરોધી ગણાવતા બ્રાઝિલ પર પણ જંગી ટેરિફ નાંખ્યા છે.

Tags :