દેશમાં ઈ-વોટિંગના યુગનો પ્રારંભ : બિહારમાં 40000 મતદારે ઘરબેઠાં મોબાઇલથી મતદાન કર્યું
Bihar Election News : દેશના સૌથી પછાત રાજ્યમાં સ્થાન પામની બિહારે ભારતની ચૂંટણીમાં નવા યુગની શરુઆત કરી શકે છે. આ નવી શરૂઆત ઇ-વોટિંગની છે. બિહારમાં છ નગરપાલિકાની ચૂંટણીમાં પહેલી જ વખત ઇલેક્ટ્રોનિક વોટિંગ એટલે કે ઇ-વોટિંગનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટ છે અને જો તેમા સફળતા મળે તો આગામી ચૂંટણીઓમાં તેનો ઉપયોગ સફળતાપૂર્વક કરવામાં આવી શકે છે.
ઇલેક્ટ્રોનિક વોટિંગમાં મોબાઇલથી અને કમ્પ્યુટરથી મતદાન કરવા મંજૂરી મળી છે. આ મંજૂરી હાલમાં સગર્ભા સ્ત્રીઓ, બીમાર મહિલાઓ, વૃદ્ધો, બીજા રાજ્યોમાં વસતા લોકોને આપવામાં આવી છે. આ બધા લોકો મોબાઇલથી કે વેબસાઇટ પર જઈ વોટિંગ કરી શકાય છે. આ સિવાય ભવિષ્યમાં આ પ્રકારની છૂટ બાંધકામની સાઇટ પર કામ કરતાં મજૂરો, દૈનિક રોજમદારો, ખેતમજૂરો, જંગલોમાં કે અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં રહેતાં લોકોને આપી શકાય છે.
ઇ-વોટિંગ પ્રણાલિમાં 51 હજારથી વધુ મતદારોએ સફળતાપૂર્વક રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ અને ચૂંટણીના દિવસે છ કલાકના આપવામાં સમયગાળામાં 40280 મતદારોએ વોટિંગ કર્યુ હતુ. આમ ઇ-વોટિંગની ટકાવારી કુલ રજિસ્ટર્ડ ઇ-વોટરમાં 70 ટકા રહી હતી. દેશનું સૌથી પહેલું ઇ-વોટિંગ વિભાકુમારી નામની મહિલાએ કર્યુ હતુ. વિભાકુમારી દેશની સૌપ્રથમ ઇ-વોટર બની હતી. તે પૂર્વીચંપારણ જિલ્લાના પકડીયાલના વોર્ડ નંબર-8ની રહેવાસી છે. જ્યારે પૂર્વી ચંપારણનો જ મુન્નાકુમાર ઇ-વોટર બનનાર દેશનો પ્રથમ પુરુષ મતદાતા છે. તેણે એપ દ્વારા વોટિંગ કર્યુ હતું.
ચૂંટણીપંચના આ પગલાંને ચૂંટણીની દિશામાં અત્યંત મહત્ત્વનું પગલું માનવામાં આવે છે. આ દિશામાં આગળ વધવામાં આવે તો ભવિષ્યમાં દેશના કોઈપણ ખૂણે રહેતો નાગરિક તેને ત્યાંની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ મતદાન કરી શકશે. આ રીતે ચૂંટણી પ્રક્રિયાને સર્વસમાવેશક બની શકાશે. અત્યાયર સુધી ગામ, શહેર કે રાજ્ય છોડનારે તો મતદાન કરવાનું ભૂલી જ જવું પડતું હતું.
બિહારના ચૂંટણીપંચના વડા દીપક પ્રસાદે જણાવ્યું હતું કે બિહાર દેશનું પ્રથમ રાજ્ય બનવા જઈ રહ્યું છે જ્યાં મોબાઇલ ફોન દ્વારા મતદાનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તેમની આ ટિપ્પણી પટણા અને રોહતાસમાં છ નગરપાલિકાની ચૂંટણી વખતે આવી છે. જો કે આગામી વિધાનસભા ચૂંટણીમાં મોબાઇલથી મતદાન કરવામાં આવશે કે નહીં તે સ્પષ્ટ નથી.
દીપક પ્રસાદે જણાવ્યું હતું કે આ સગવડ તે લોકો માટે છે જે મતદાન મથક પર જઈ શકતા નથી. ઓનલાઇન વોટ કરવા માટે મતદાતા પાસે ફોનમાં એક એપ ઇન્સ્ટોલ હોવી જોઈએ. આ સગવડનો લાભ સીનિયર સિટિઝન, દિવ્યાંગ, ગર્ભવતી મહિલા અને બીજા રાજ્યોમાં રહેતા લોકો કરી શકે છે. ચૂંટણીપંચે આ માટે ૧૦થી ૨૨ જૂન સુધી જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું. આ માટે ફોનધારકે એક એપ ડાઉનલોડ કરવાની રહેશે.
ઇ વોટિંગને લઈને ફ્રોડની સંભાવના રહે છે. આ સંજોગોમાં પ્રક્રિયામાં પારદર્શકતા જાળવવા વોટિંગ માટે એક મોબાઇલ નબરનો ફક્ત બે જ વખત ઉપયોગ કરી શકાશે. તેની સાથે પ્રત્યેક લોટની તપાસ અને ચકાસણી માટે મતદાર ઓળખપત્રનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત જેની પાસે મોબાઇલ ફોન નથી તે બિહાર ચૂંટણીપંચની વેબસાઇટ પર જઈ ઇ-વોટ નાખી શકે છે. હાલમાં કુલ દસ હજાર લોકોએ નોધણી કરાવી છે અને આ આંકડો 50 હજાર સુધી જઈ શકે છે.
નવી ઇ-વોટિંગ સિસ્ટમ બ્લોકચેન ટેકનોલોજી અને ફેસ રેકગ્નિશન ટેકનોલોજી જેવી અત્યાધુનિક ટેકનોલોજી પર આધારિત છે. તે મતદાન પ્રક્રિયાને સુરક્ષિત અને પારદર્શક બનાવે છે. ચૂંટણીપંચે જણાવ્યું હતું કે નગરપાલિકા ચૂંટણી અને પેટાચૂંટણી 2025 માટે બે જુદી-જુદી એપ્લિકેશન વિકસાવાઈ. પંચનો દાવો છે કે બંને એપ યુઝર ફ્રેન્ડલી છે, જેથી મતદારો તેની સરળતાથી નોંધણી કરાવી શકે અને નિર્ધારિત પ્રક્રિયા મુજબ તદાન કરી શકે. આમ કદાચ વન નેશન,વન ઇલેકશનની સંભાવનાને ઇ-વોટિંગથી ટાળી શકાય છે.
મતદાર યાદીની તપાસ મુદ્દે તૃણમૂલનો આક્ષેપ
દેશમાં પાછલા દરવાજેથી એનઆરસી લાવવાનો ચૂંટણી પંચનો પ્રયાસ : TMC
જર્મનીમાં નાઝી શાસનમાં પૂર્વજોના પાસ અપાતા, ચૂંટણી પંચનો પ્રયાસ નાઝી પાસની નવી આવૃત્તિ
નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના શસાક પક્ષ તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણી પંચ પર દેશમાં પાછલા બારણે એનઆરસી લાગુ કરવાનો ભયાનક પ્રયત્ન કરવાનો આક્ષેપ કર્યો છે. ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીના ઉંડાણપૂર્વકના પુનર્નિરીક્ષણ અભિયાનના ટાઈમિંગ પર સવાલ ઉઠાવતા તૃણમૂલ નેતા ડેરેક ઓ'બ્રાયને કહ્યું વિપક્ષ ઈન્ડિયા ગઠબંધનના પક્ષો આ મુદ્દો સંસદની અંદર અને બહાર બંને જગ્યાએ ઉઠાવશે.
ચૂંટણી પંચે ગયા સોમવારે બિહારમાં મતદાર યાદીનું ઉંડાણપૂર્વકનું પુનર્નિરીક્ષણ કરવા માટે દિશા નિર્દેશ જાહેર કર્યા હતા, જેના હેઠળ બિહારમાં મતદાર યાદીમાંથી અયોગ્ય નામો હટાવાશે. મતદાર યાદીમાં માત્ર યોગ્ય અને કાયદેસરના મતદારોના નામોનો જ સમાવેશ કરાશે. જોકે, વિપક્ષનો આરોપ છે કે ભાજપને લાભ પહંચડવા માટે ચૂંટણી પંચ આ કવાયત કરી રહ્યું છે. આ પહેલા બિહારમાં છેલ્લે ૨૦૦૩માં મતદાર યાદીમાં સુધારા કરાયા હતા. તૃણમૂલ નેતા ડેરેક ઓ બ્રાયને સવાલ ઉઠાવ્યો કે, હવે અચાનક મતદાર યાદીની તપાસ કેમ કરાઈ રહી છે?
તૃણમૂલ નેતાએ કહ્યું કે, અમારી પાસે એ બાબતના પુરાવા છે કે મતદાર યાદીની તપાસ હવે કેમ થઈ રહી ?હકીકતમાં ભાજપને બંગાળમાં આંતરિક સરવેમાં જાણવા મળ્યું છે કે તે આગામી વર્ષે બંગાળમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં તે માત્ર ૪૬થી ૪૯ બેઠકો જ જીતી શકે છે. એવામાં પરિસ્થિતિ બદલવાની ઉતાવળમાં આ બધું કરવામાં આવી રહ્યું છે. આ એનઆરસીને પાછલા દરવાજાથી લાગુ કરવાનો ભયાનક પ્રયત્ન છે. જર્મનીમાં ૧૯૩૫માં નાઝી શાસનમાં પૂર્વજોનો પાસ આપવામાં આવતો હતો. શું આ નાઝી શાસનના પૂર્વજોના પાસની નવી આવૃત્તિ છે? અચાનક આ પ્રવૃત્તિ હાથ ધરવાની શું જરૂર પડી?