Get The App

હાઈકોર્ટમાં સેંગરના જામીનની ચર્ચા અંગ્રેજીમાં થઈ, કંઈ ખબર ના પડી : પીડિતા

Updated: Dec 26th, 2025

GS TEAM

Google News
Google News
હાઈકોર્ટમાં સેંગરના જામીનની ચર્ચા અંગ્રેજીમાં થઈ, કંઈ ખબર ના પડી : પીડિતા 1 - image

- ઉન્નાવ બળાત્કારના દોષિત સેંગરને જામીન સામે સુપ્રીમ કોર્ટમાં અરજી

- મારા શરીરમાં 250 ટાંકા, હાથ-પગમાં સળીયા છતાં પોલીસે ઢસડીને ઈન્ડિયા ગેટ પરથી હટાવી : પીડિતા

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય અને ઉન્નાવ બળાત્કાર કેસના આરોપી કુલદીપ સેંગરને દિલ્હી હાઈકોર્ટે જામીન આપી દીધા. એટલું જ નહીં તેને સંભળાવાયેલી સજા પણ સસ્પેન્ડ કરી દીધી. હાઈકોર્ટના આ આદેશથી પીડિતા અને તેનો પરિવાર ભારે ભયભીત થઈ ગયા છે. જોકે, પીડિતાએ હાઈકોર્ટના ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો દાવો કર્યો છે. તેણે કહ્યું કે, મારા શરીરમાં ૨૫૦ ટાંકા છે, હાથ-પગમાં સળીયા નાંખેલા છે. હાઈકોર્ટમાં મારા કેસની સુનાવણી અંગ્રેજીમાં થતી હતી. મને કંઈ ખબર ના પડી.

ઉત્તર પ્રદેશના ઉન્નાવ બળાત્કાર કેસના દોષિત કુલદીપસિંહ સેગરને દિલ્હી હાઈકોર્ટે જામીન આપી દીધા છે. સાથે જ તેની સજા પણ રદ કરી દીધી છે. હાઈકોર્ટના આ આદેશ વિરુદ્ધ અંજલે પટેલ અને પૂજા શિલ્પકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ બંને અરજદારોએ સેંગરના જામીન રદ કરવા માગ કરી છે. જોકે, અંજલે અને પૂજા બંને ક્યારેય આ કેસમાં પક્ષકાર રહ્યા નથી. દિલ્હી હાઈકોર્ટના ચૂકાદા અંગે ઉન્નાવની પીડિતાએ પીડા વ્યક્ત કરતા કહ્યું કે, સેંગરના જામીનનો વિરોધ કરવા તે દિલ્હી હાઈકોર્ટ ગઈ હતી, પરંતુ હાઈકોર્ટમાં કેસની ચર્ચા અંગ્રેજીમાં થતી હતી. મને કશી જ ખબર ના પડી અને સેંગરને જામીન આપી દેવાયા. હિન્દીમાં ચર્ચા થતી હોતો હું કંઈક કહી શકત. હું પૂછી શકત કે મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે. 

પીડિતાએ કહ્યું કે, સેંગરના જામીનના વિરોધમાં તેણે ઈન્ડિયા ગેટ પર દેખાવો કરવાનો પ્રયત્ન કર્યો હતો,  મારા આખા શરીરમાં ૨૫૦ ટાંકા છે. હાથ-પગમાં સળીયા નાંખ્યા છે, છતાં પોલીસે  બળજબરીથી ખેંચી અને ગાડીમાં નાંખી હતી. હાઈકોર્ટનો ચૂકાદો સાંભળીને મને આત્મહત્યા કરવાના વિચાર આવવા લાગ્યા હતા, પરંતુ બાળકો અને પરિવાર તરફ જોઈને વિચાર્યું મરવાથી ન્યાય નહીં મળે. પીડિતાએ આક્ષેપ કર્યો કે સેંગરના જામીનની પ્રક્રિયા સમયે અને ત્યાર પછી તેના પરિવાર અને સાક્ષીઓની સુરક્ષા હટાવી લેવાઈ હતી. મારા કાકાના જામીન નકારી દેવાયા છે. તેમણે કોઈ ગૂનો નથી કર્યો છતાં સાત વર્ષથી જેલમાં છે. આજે મારી સાથે જે થયું છે, તે કાલે મારી પુત્રી સાથે પણ થઈ શકે છે. હાઈકોર્ટના ચૂકાદાએ તેના આખા પરિવારને ભયભીત કરી દીધો છે.