Get The App

જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષકારોને ઝટકો, સંપૂર્ણ પરિસરનો સરવે કરાવવાની માગ કોર્ટે ફગાવી

Updated: Oct 26th, 2024

GS TEAM

Google News
Google News
જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષકારોને ઝટકો, સંપૂર્ણ પરિસરનો સરવે કરાવવાની માગ કોર્ટે ફગાવી 1 - image


- મંદિર તોડી મસ્જિદ બનાવાઇ હોવાનો દાવો કરી રહેલા હિન્દુઓને ફટકો

- અગાઉ જ્ઞાનવાપીના કેટલાક હિસ્સાનો વૈજ્ઞાનિક સરવે થઇ ચુક્યો છે, હિન્દુ પક્ષકારો હવે હાઇકોર્ટમાં અપીલની તૈયારીમાં

Gyanvapi Masjid News | જ્ઞાનવાપીને લઇને હિન્દુ પક્ષકારોને મોટો ઝટકો લાગ્યો છે. વારાણસીના સિવિલ જજ સીનિયર ડિવીઝન ફાસ્ટ ટ્રેકે જ્ઞાનવાપીનો એએસઆઇ સરવે કરાવવાની માગ કરતી અરજી રદ કરી નાખી છે. જ્યારે જ્ઞાનવાપી મામલામાં હિન્દુ પક્ષના વકીલ વિજય શંકર રસ્તોગીએ કહ્યું હતું કે કોર્ટે એએસઆઇ દ્વારા પુરા જ્ઞાનવાપી ક્ષેત્રની સુરક્ષા સિવાયના વિસ્તારમાં સરવે કરાવવાની અમારી માગણી નકારી દીધી છે.  

હિન્દુ પક્ષકારોએ સંપૂર્ણ જ્ઞાનવાપી મસ્જિદનો સરવે કરાવવાની માગણી કરતી અરજી કરી હતી. 

અરજદારોના વકીલ વિજય શંકર રસ્તોગીએ કહ્યું હતું કે અમારી માગણીને ફગાવતા કોર્ટના આદેશનો અમે અભ્યાસ કરીશું બાદમાં તેને અલ્લાહાબાદ હાઇકોર્ટમાં પડકારવા અંગે વિચારીશું. અરજદારોની માગણી કરી હતી કે કોર્ટ એએસઆઇના ડાયરેક્ટર જનરલને સમગ્ર જ્ઞાનવાપી મસ્જિદનો સરવે કરાવવા આદેશ આપે. જેમાં જીપીઆર, જીયો રેડિયોલોજી સિસ્ટમ વગેરે આધુનિક પદ્ધતીનો ઉપયોગ કરીને સરવે કરાવવામાં આવે. હાલમાં જે ઇમારત છે તેને કોઇ પણ પ્રકારનું નુકસાન પહોંચાડયા વગર આ સરવે કરાવવામાં આવે. 

અરજદારના વકીલ રસ્તોગીનો દાવો છે કે જ્ઞાનવાપી મસ્જિદ પ્લોટ નંબર ૯૧૩૦ પર છે જેની બાજુમાં જ પ્લોટ નંબર ૯૧૩૧ અને ૯૧૩૨ આવેલા છે જે ભગવાન આદિ વિશ્વેશ્વર સાથે સંકળાયેલા છે. 

જોકે જ્ઞાનવાપી મસ્જિદનું સંચાલન કરનારી અંજુમન ઇન્તેઝામીઆ મસ્જિદ કમિટીએ હિન્દુઓની આ માગણીનો વિરોધ કર્યો હતો. 

કોર્ટે હાલ હિન્દુ પક્ષકારોની માગણીને ફગાવી દીધી છે જેને પગલે હવે આ મામલો અલ્લાહાબાદ હાઇકોર્ટ પહોંચી શકે છે. 

આ પહેલા એએસઆઇએ જ્ઞાનવાપી મસ્જિદના કેટલાક હિસ્સાનો વૈજ્ઞાનિક સરવે કર્યો હતો. હિન્દુ પક્ષકારોનો દાવો છે કે આ મસ્જિદ મંદિર તોડીને બનાવવામાં આવી છે.

Tags :