Get The App

સીયાચીન પર શહીદ થયેલા વીર જવાનનો પાર્થિવ દેહ 38 વર્ષે ઘરે પહોંચ્યો

Updated: Aug 17th, 2022

GS TEAM

Google News
Google News
સીયાચીન પર શહીદ થયેલા વીર જવાનનો પાર્થિવ દેહ 38 વર્ષે ઘરે પહોંચ્યો 1 - image


નવી દિલ્હી, તા. 17 ઓગસ્ટ 2022

1984મા ભારતીય સેનાએ ઓપરેશન મેઘદૂત હાથ ધરીને દુનિયાના સૌથી ઉંચા યુધ્ધક્ષેત્ર સિયાચીન ગ્લેશિયરને પાકિસ્તાન પાસેથી આંચકી લીધુ હતુ.

આ ઓપરેશન દરમિયાન શહીદ થયેલા ભારતીય સેનાના વીર જવાન અને ઉત્તરાખંડના હલ્દ્વાનીના રહેવાસી લાન્સ નાયક ચંદ્રશેખર હર્બોલાનો પાર્થિવ દેહ 38 વર્ષ બાદ આજે તેમના ઘરે આવ્યો હતો.

38 વર્ષ બાદ ચંદ્રશેખરના પત્ની અને પરિવારજનો તેમના પાર્થિવ દેહના દર્શન કરી શક્યા હતા.

ચંદ્રશેખર જ્યારે શહીદ થયા ત્યારે તેમની વય 28 વર્ષની હતી.તે પછી તેમના પત્ની શાંતિ દેવીએ બંને પુત્રીઓનુ લાલન પાલન કર્યુ હતુ. તે વખતે આ બંને બાળકીઓ માત્ર સાડા ચાર અને દોઢ વર્ષની હતી.

શાંતિદેવીનુ કહેવુ હતુ કે, 1984માં જાન્યુઆરીમાં ચંદ્રશેખર ઘરે આવ્યા હતા અને તેમણે જલ્દી પાછા આવવાનો વાયદો કર્યો હતો. જોકે વાયદો પૂરો થઈ શક્યો નહોતો. પણ મને ક્યારેક તો લાગતુ હતુ કે , તેમની કોઈ ખબર તો મળશે જ.

સીયાચીન પર શહીદ થયેલા વીર જવાનનો પાર્થિવ દેહ 38 વર્ષે ઘરે પહોંચ્યો 2 - image

શાંતિદેવીની વાત સાચી પડી છે પણ અલગ રીતે. તાજેતરમાં જ ભારતીય સેનાએ તેમને જાણકારી આપી હતી કે,38 વર્ષ બાદ ચંદ્રેશેખરનો મૃતદેહ બરફમાં દટાયેલો મળી આવ્યો છે. 14 ઓગસ્ટે તેમના પરિવારજનોને આ વાતની જાણકારી અપાઈ હતી.

શહીદ ચંદ્રશેખર 1975માં સેનામાં જોડાયા હતા. 1984માં સીયાચીન પર ગ્લેશિયર તુટવાના કારણે પેટ્રોલિંગ કરી રહેલી 20 સૈનિકોની ટુકડી લાપતા થઈ હતી અને તેમાં ચંદ્રશેખરનો પણ સમાવેશ થતો હતો.


Tags :