Get The App

આતંકીઓનો 26 જાન્યુ.એ લાલ કિલ્લો ઉડાડવાનો 'મનસૂબો'

Updated: Nov 13th, 2025

GS TEAM

Google News
Google News
આતંકીઓનો 26 જાન્યુ.એ લાલ કિલ્લો ઉડાડવાનો 'મનસૂબો' 1 - image


- આતંકીઓ બે રોકટોક ભારત યાત્રાએ ! : બે વર્ષથી વિસ્ફોટકો ભેગા કરતા હતા

- દિલ્હી વિસ્ફોટમાં સામેલ શકીલ અને તેનો સાથી તુર્કી ગયા હતા, જ્યાં કોઇ હેન્ડલરને મળ્યા હોવાની શંકા

- કેન્દ્રીય કેબિનેટમાં ચર્ચા બાદ અંતે સરકારે દિલ્હીનો કાર વિસ્ફોટ આતંકવાદી કૃત્ય હોવાનું સ્વીકાર્યું

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટની તપાસમાં નવો ખુલાસો થયો છે. આ વિસ્ફોટમાં માસ્ટરમાઇન્ડ તરીકે ડો. મુઝમ્મીલ શકીલનું નામ ચર્ચામાં છે. શકીલની પોલીસે ધરપકડ કરી લીધી છે, તપાસમાં સામે આવ્યું છે કે શકીલે આ વિસ્ફોટ પહેલા જાન્યુઆરી મહિનામાં લાલ કિલ્લાની રેકી કરી હતી. ૨૬મી જાન્યુઆરીના રોજ લાલ કિલ્લા પર મોટો વિસ્ફોટ કરવાનું કાવતરુ હતું જોકે સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ વધુ હોવાને કારણે હુમલાખોરો નિષ્ફળ રહ્યા હતા. આતંકવાદીઓ બે વર્ષથી વિસ્ફોટકો ભેગા કરી રહ્યા હતા. લાલ કિલ્લા ઉપરાંત ઇન્ડિયા ગેટ, કોન્સ્ટિટયૂશન ક્લબ અને ગૌરીશંકર મંદિર પણ તેમના નિશાના પર હતા. દેશના અનેક શહેરોમાં વિસ્ફોટ કરવાનું કાવતરું હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. આતંકીઓ ૨૦૦થી વધારે આઈઈડી સહિતના બોમ્બ બનાવી રહ્યા હતા.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપીઓમાં સામેલ ઉમર અને શકીલ બન્ને તુર્કી ગયા હતા. આ દરમિયાન તેઓ કોઇ વિદેશી હેન્ડલરને મળ્યા હતા કે કેમ તેને લઇને તપાસ ચાલી રહી છે. બન્નેના પાસપોર્ટ પર લગાવેલા સ્ટેમ્પના આધારે જાણવા મળ્યું કે તેઓ તુર્કી પણ ગયા હતા. દિલ્હી પોલીસ લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટને લઇને તમામ માહિતી એકઠી કરી રહી છે. આ વિસ્ફોટમાં આઇ-૨૦ કારનો ઉપયોગ થયો હતો, જ્યારે અન્ય એક કાર ઇકોસ્પોર્ટ પણ આ વિસ્ફોટ માટે ઉપયોગમાં લેવાઇ હોવાની પોલીસને શંકા છે. જેની શોધખોળ માટે દિલ્હીના તમામ પોલીસ સ્ટેશનો અને ચોકીઓ એલર્ટ કરી દેવામાં આવી છે. ઠેરઠેર પોલીસ દ્વારા વાહનોની ચકાસણી કરાઇ રહી છે. 

દિલ્હીમાં થયેલા આ વિસ્ફોટમાં અનેક લોકો ઘાયલ પણ થયા હતા, જેમને મળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એલએનજેપી હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ કરી હતી જેમાં લખ્યું હતું કે ઘાયલોની મુલાકાત લીધી, ઝડપથી તેઓ સાજા થઇ જાય તે માટે પ્રાર્થના, આ હુમલામાં જે પણ સામેલ હશે તેને છોડવામાં નહીં આવે. કાવતરા પાછળ કોણ છે તેની પણ તપાસ ચાલી રહી છે. બીજી તરફ લાલ કિલ્લા અને તેની આસપાસના સીસીટીવીના તેમજ મોબાઇલ ડમ્પ ડેટા છે તેની ચકાસણી કરાતા સામે આવ્યું હતું કે ધરપકડ કરાયેલ શકીલે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં આ વિસ્તારની મુલાકાત લીધી હતી, તે ૨૬મી જાન્યુઆરીએ ઉજવણી સમયે મોટી જાનહાની થાય તે માટે હુમલો કરવાની ફિરાકમાં હતા તેથી આ રેકી કરાઇ હતી તેવા અહેવાલો છે.  

શકીલે લાલ કિલ્લાની આસપાસ સુરક્ષા વ્યવસ્થા કેવી છે તેની ચકાસણી કરવા આ રેકી કરી હતી, તેની સાથે ડોક્ટર ઉમર નાબી પણ હાજર હતો, ઉમર અલ-ફલાહ યુનિવર્સિટીનો અસિસ્ટન્ટ પ્રોફેસર છે. ઉમર જ એ કાર ચલાવી રહ્યો હતો જેમાં સોમવારે વિસ્ફોટ થયો હતો. ઉમર અને શકીલ બન્ને વિસ્ફોટ પહેલા દિલ્હીથી ૩૦ કિમી દૂર જે ત્રણ હજાર કિલો જેટલી વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી તેની સાથે પણ જોડાયેલા છે. બીજી તરફ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ફરિદાબાદના એક કાર ડીલરની અટકાયત કરી હતી, સાથે જ સમગ્ર દિલ્હી અને તેની આસપાસના રાજ્યોના સેકન્ડ હેન્ડ કાર ડીલરોને આદેશ આપ્યો હતો અને તાજેતરમાં વાહનો વેચાણા તેની વિગતો આપવા કહ્યું હતું. 

દરમિયાન જમ્મુ કાશ્મીર પોલીસે વ્હાઇટ કોલર ટેરર મોડયુલની તપાસના ભાગરૂપે હરિયાણાના એક મૌલવી ઇશ્તિયાકની અટકાયત કરી હતી. મૌલવીએ ફરિદાબાદમાં પોતાના ભાડે અપાયેલા મકાનમાં આ વિસ્ફોટક સામગ્રી એકઠી કરવામાં મદદ કરી હતી. મૌલવીના ઘરેથી આશરે ૨૫૦૦ કિલો વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. દરમિયાન આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને અંસાર ગઝવાતુલ હિન્દ સાથે સંકળાયેલા બે ઓવરગ્રાઉન્ડ વર્કર્સની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ ૨૯૦૦ કિલો વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી.

કાર શોધવા દિલ્હીના તમામ પોલીસ સ્ટેશન એલર્ટ હતા 

દિલ્હી વિસ્ફોટના માસ્ટરમાઇન્ડ ઉમરની લાલ કાર મળી આવી

- જે ગામમાંથી આ કાર મળી આવી ત્યાં કોણ લાવ્યું અને છોડીને જતુ રહ્યું તેની તપાસ કરાશે

નવી દિલ્હી : દિલ્હી વિસ્ફોટની તપાસ કરી રહેલી એજન્સીને મોટી સફળતા મળી છે. પોલીસ આ હુમલામાં શંકાસ્પદ એક લાલ રંગની કારની શોધખોળ કરી રહી હતી જે અંતે મળી ગઇ છે. આ ઇકોસ્પોર્ટ કાર હુમલામાં સામેલ ડો. ઉમર ભટની હોવાનું સામે આવ્યું છે. વિસ્ફોટ સમયે પણ આ કાર લાલ કિલ્લા આસપાસ હોવાની શંકા હતી.  

આ લાલ રંગની ઇકોસ્પોર્ટ કારનું રજિસ્ટ્રેશન દિલ્હીનું છે જેનો નંબર ડીએલ૧૦સીકે૦૪૫૮ છે. કાર ખંદાવલી ગામની પાસેથી મળી આવી હતી. પોલીસે જે એલર્ટ જારી કર્યું હતું તે જ આ કાર હોવાની ખાતરી પણ પોલીસે કરી હતી. હાલમાં કારને જપ્ત કરીને ફોરેંસિક તપાસ માટે મોકલી દેવામાં આવી છે. દિલ્હી વિસ્ફોટમાં આ કારની શું ભૂમિકા રહી તેની પણ તપાસ કરવામાં આવશે. અગાઉ આ કારને લઇને દિલ્હી પોલીસે તમામ પોલીસ સ્ટેશન અને ચોકીઓને એલર્ટ કરી દીધી હતી. 

આ કાર હુમલામાં સામેલ ડોક્ટર ઉમર ભટની હોવાનું સામે આવ્યું હતું, આ કારનું રજિસ્ટ્રેશન નવેમ્બર ૨૦૧૭ના રોજ રાજૌરી ગાર્ડન આરટીઓમાં થયું હતું. ઉમર મુખ્ય આરોપીઓમાં સામેલ છે. પોલીસનો દાવો છે કે ઉમરે આ કારની ખરીદી સમયે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. તેણે દસ્તાવેજોમાં નોર્થ ઇસ્ટ દિલ્હીના એક ઘરનું સરનામુ આપ્યું હતું, દિલ્હી પોલીસે મોડી રાત્રે આ જ એડ્રેસ પર દરોડા પાડયા હતા. જોકે ત્યાંથી કોઇ જ વ્યક્તિ નથી મળી. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ લાલ કારને ખંદાવલી ગામ સુધી કોણે પહોંચાડી અને કોણ તેને છોડીને ભાગી ગયું.  

પ્રેમી માટે પતિને તલાક આપ્યા હતા

દિલ્હી વિસ્ફોટના આરોપી શકીલ અને શાહીન વચ્ચે પ્રેમ સંબંધ હતો

- શાહીન આતંકી પ્રવૃત્તિમાં સામેલ હતી તે ખુલાસા પર પૂર્વ પતિ અને પરિવારને વિશ્વાસ નથી

લખનઉ : આંતરરાષ્ટ્રીય આતંકી નેટવર્કનો પર્દાફાશ કર્યા બાદ પોલીસે આઠ લોકોની ધરપકડ કરી હતી જેમાં લખનઉથી એક મહિલા ડોક્ટર શાહીન સઇદ ઝડપાઇ હતી. અગાઉ ઝડપાયેલા અન્ય એક ડોક્ટર મુઝમ્મીલ શકીલ અને શાહીન વચ્ચે પ્રેમ સંબંધ હોવાના અહેવાલો છે. શકીલ સાથે પ્રેમ થયા બાદ શાહીને પતિને છોડી તલાક લઇ લીધા હતા. 

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે દિલ્હીમાં સોમવારે થયેલા કાર વિસ્ફોટમાં ડો. શાહીન સઇદનું નામ ખુલ્યું છે. શાહીને મહારાષ્ટ્રના રહેવાસી ઝફર હયાત સાથે નિકાહ કર્યા હતા. જોકે બાદમાં તેને શકીલ સાથે પ્રેમ થઇ જતા તલાક લઇ લીધા હતા. શાહીનના ભાઇ મોહમ્મદ શોએબે કહ્યું હતું કે પોલીસ અને એટીએસની ટીમ અમારા ઘરે આવી હતી, સામાન્ય તપાસ અને પૂછપરછ કરી જતી રહી હતી, મારી બહેન કોઇ દેશ વિરોધી ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ હોય તેવો અમને વિશ્વાસ જ નથી. તે આવુ કઇ જ ના કરી શકે. 

જ્યારે શાહીનના પૂર્વ પતિએ કહ્યું હતું કે શાહીન ક્યારેય બુરકો નહોતી પહેરતી, તે એક બહુ જ સારી માતા રહી અને બાળકોને ખૂબ પ્રેમ આપ્યો, તે સારા જીવન માટે વિદેશ જવા માગતી હતી. જ્યારે શાહીનના ભાઇએ કહ્યું હતું કે મારી બહેન અને હું છેલ્લા ચાર વર્ષથી એકબીજાના સંપર્કમાં નહોતા. જોકે જ્યારે તે મેડિકલ ક્ષેત્રનો અભ્યાસ કરી રહી હતી ત્યારે પણ કોઇ જ શંકાસ્પદ પ્રવૃત્તિ કરી રહી હોય તેમ નહોતુ જણાતું.

Tags :