જમ્મુ-કાશ્મીર: બારામુલામાં આતંકી ભરતી મોડ્યુલનો પર્દાફાશ, બે સગીર સહિત 5 લોકોને બચાવી લેવાયા
શ્રીનગર, તા. 25 જાન્યુઆરી 2023 બુધવાર
ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લામાં સેનાએ આતંકી સંગઠનમાં સામેલ કરનારા મોડ્યુલનો પર્દાફાશ કરતા બે સગીર સહિત પાંચને આંતકના માર્ગે જતા બચાવી લીધા. બંને પાકિસ્તાની હેંડલરના સંપર્કમાં હતા, જેમને સોશિયલ મીડિયા દ્વારા કટ્ટરતાનો પાઠ ભણાવવામાં આવી રહ્યો હતો. તમામને કાઉન્સેલિંગ બાદ પરિવારજનોને સોંપી દેવાયા.
એસએસપીએ જણાવ્યુ કે ખાસ માહિતી મળી હતી કે જિલ્લાના પટ્ટન વિસ્તારમાં પાકિસ્તાન યુવાનોને આતંકવાદમાં સામેલ કરવાનો પ્રયત્ન કરી રહ્યુ છે. માહિતીના આધારે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યુ કે બે સગીર સહિત પાંચ યુવાન પાકિસ્તાની હેન્ડલરોના સંપર્કમાં છે.
આ લોકોના માતા-પિતાની હાજરીમાં પૂછપરછ કરવામાં આવી તો જાણવા મળ્યુ કે પાકિસ્તાની હેન્ડલર યુવાનોને ફોસલાવીને આતંકવાદી બનાવવાના પ્રયત્નમાં લાગેલા છે. પાકિસ્તાની હેન્ડલર આ લોકોને કટ્ટર બનાવવામાં કાર્યરત હતા. તેમણે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કર્યો.
કાઉન્સેલિંગ બાદ પરિવારને સોંપ્યા
બે સગીર સહિત તમામ પાંચ લોકોની કાઉન્સેલિંગ કરવામાં આવી અને તેમને સમજાવવામાં આવ્યુ કે તેઓ ખોટા માર્ગે ના જાય. એસએસપી નાગપુરેએ જણાવ્યુ કે સુરક્ષા દળ આતંકી સંગઠનો તથા સરહદપારની દેશવિરોધી પ્રવૃતિઓને નિષ્ફળ કરવામાં સક્ષમ છે. તેમણે માતા-પિતાને અપીલ કરી છે કે તેઓ બાળકો પર ધ્યાન રાખે જેથી તેઓ કોઈ ખોટુ પગલુ ઉઠાવી ના શકે.