આતંકવાદીઓના અડ્ડા અલ-ફલાહ યુનિ.ની રૂ. 450 કરોડની હેરાફેરી

- અલ-ફલાહ યુનિ.નો સ્થાપક વિદેશ ભાગવાની ફિરાકમાં હતો હવે જેલ હવાલે
- યુનિ.એ વિદ્યાર્થીઓ પાસેથી ખોટી રીતે કરોડો રૂપિયા પડાવી સ્થાપક સિદ્દીકીના પરિવારને ટ્રાન્સફર કર્યા હતા
નવી દિલ્હી : દિલ્હી વિસ્ફોટ કેસ સાથે સંકળાયેલા મોટાભાગના આરોપી ડોક્ટરો અલ ફલાહ યુનિવર્સિટી સાથે જોડાયેલા છે. આ કેસમાં નાણાકીય વ્યવહારોની તપાસ કરી રહેલી ઇડીએ અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેન જાવેદ અહમદ સિદ્દીકીની ધરપકડ કરી હતી, જેને હવે ૧૩ દિવસ માટે ઇડીની કસ્ટડીમાં મોકલી દેવાયા છે. તપાસમાં સામે આવ્યું છે કે અલ ફલાહ યુનિવર્સિટીએ ગેરરિતીથી ૪૧૫ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ પાસેથી જ આ મોટી રકમ પડાવવામાં આવી હતી.
દિલ્હી બ્લાસ્ટ સાથે જોડાયેલા આતંકી ડોક્ટરોને એનઓસી વગર જ ફલાહ યુનિ.માં રખાયા હોવાનો ખુલાસો
ઇડીએ અગાઉ અલ ફલાહ ગુ્રપના ૩૦ જેટલા સ્થળો પર દરોડા પાડયા હતા. ૧૫થી વધુ લોકોનો ભોગ લેનારા દિલ્હી આત્મઘાતી હુમલાની તપાસ કરી રહેલી ઇડીએ હવે અલ ફલાહ ગુ્રર અને તેની શૈક્ષણિક સંસ્થા વિરુદ્ધ આકરી કાર્યવાહી કરી છે. અગાઉ દિલ્હી પોલીસ દ્વારા અલ ફલાહ ગુ્રપ વિરુદ્ધ બે ફરિયાદ દાખલ કરાઇ હતી જેની નોંધ લઇને ઇડીએ આ તપાસ શરૂ કરી છે. જેમાં સામે આવ્યું છે કે અલ ફલાગ યુનિવર્સિટીએ જુઠા એક્રેડિટેશનના આધારે વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતા પાસેથી મોટી રકમ ફી તરીકે વસુલી હતી જેને બાદમાં યુનિ.ના ચેરમેનના પત્ની અને બાળકોના નામે ટ્રાન્સફર કરી દેવાયા હતા. દિલ્હી વિસ્ફોટ બાદ અલ ફલાહ યુનિવર્સિટીના સ્થાપક જાવેદ અહમદ સિદ્દીકી ભારત છોડવાની ફિરાકમાં હતા. તેના પરિવારના ઘણા લોકો ગલ્ફ દેશમાં સ્થાયી થઇ ગયા છે.
બીજી તરફ એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે દિલ્હી વિસ્ફોટમાં સામેલ ચાર આતંકી ડોક્ટરો નિયમો તોડીને હરિયાણાની આ અલ ફલાહ યુનિવર્સિટીમાં સામેલ થઇ ગયા હતા અને મહિનાઓ સુધી ત્યાં કામ પણ કર્યું હતું. આ ચાર ડોક્ટરો મુઝ્ઝફર અહમદ, આદિલ અહમદ, મુઝ્ઝમીલ શકીલ, શાહીન શાહીદે ઇન્ટર સ્ટેટ મેડિકલ પ્રેક્ટિસ માટેનું એનઓસી લીધા વગર જ આ યુનિવર્સિટીમાં કામ મેળવી લીધુ હતું.
નેશનલ મેડિકલ કમિશનના નિયમો મુજબ ડોક્ટર એક રાજ્યથી બીજા રાજ્યમાં પ્રેક્ટિસ શરૂ કરવા જાય તો તેણે નવા મેડિકલ કાઉન્સિલમાં નોંધણી કરાવવી પડે અને અગાઉના કાઉન્સિલ પાસેથી એનઓસી લેવુ પડે.

