Get The App

3.25 લાખ બેન્ક એકાઉન્ટ ફ્રીઝ થશે, ડિજિટલ અરેસ્ટ-સાઈબર ફ્રોડની 6000 ફરિયાદને પગલે ફરમાન

Updated: Oct 31st, 2024


Google NewsGoogle News
3.25 લાખ બેન્ક એકાઉન્ટ ફ્રીઝ થશે, ડિજિટલ અરેસ્ટ-સાઈબર ફ્રોડની 6000 ફરિયાદને પગલે ફરમાન 1 - image


- 6000થી વધુ ભારતીયો સાથે છેતરપિંડી કરનારો નકલી પોલીસ અધિકારી સ્ટિંગમાં કેદ, ઉપર પોલીસનો નકલી ડ્રેસ નીચે પાયજામો

- 6 લાખ મોબાઇલ નંબર, 709 જેટલી મોબાઇલ એપ્લિકેશન બ્લોક, ગૃહ મંત્રાલયની કમિટી તમામ રાજ્યોની પોલીસ સાથે મળી કામ કરશે 

Digital Arrest Fraud News | છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં ડિજિટલ અરેસ્ટ અને સાઇબર ફ્રોડ સાથે જોડાયેલા મામલાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ડિજિટલ અરેસ્ટથી બચવાની સલાહ આપી છે. એવામાં હવે ગૃહ મંત્રાલયે આ પ્રકારના કેસોને પહોંચી વળવા માટે એક ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરી છે. આ કમિટીની દેખરેખ ગૃહ સચિવ દ્વારા કરવામાં આવશે. મંત્રાલયના 14સી તરીકે જાણીતા સાઇબર કોઓર્ડિનેશન સેન્ટરે દેશના તમામ રાજ્યોની પોલીસને આ કમિટી અંગે જાણકારી આપી છે.   

આ વર્ષે અત્યાર સુધીમાં ડિજિટલ અરેસ્ટની કુલ 6000થી વધુ ફરિયાદો દાખલ થઇ છે. મંત્રાલયના 14સી સેન્ટરે 6 લાખ મોબાઇલ નંબર બ્લોક કર્યા છે. આ તમામ નંબર વિવિધ ડિજિટલ સ્કેમ સાથે સંકળાયેલા છે. સાઇબરક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરે આશરે 709 જેટલી મોબાઇલ એપ્લિકેશન પણ બ્લોક કરી છે. સાઇબર ફ્રોડ સાથે સંકળાયેલા 3.25 લાખ ફેક બેંક એકાઉન્ટને ફ્રીઝ કરવાનો પ્રશાસને આદેશ આપ્યો છે. આ સપ્તાહની શરૂઆતમાં કમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ ઓફ ઇન્ડિયા (સીઇઆરટી-ઇન) દ્વારા ઓનલાઇન સ્કેમમાં ઉપયોગમાં લેવાતા એક ડઝનથી વધુ પ્રકારના સ્કેમની યાદી જાહેર કરી હતી જેમાં ડિજિટલ અરેસ્ટનો પણ સમાવેશ થાય છે. 

દરમિયાન એક મીડિયા ગુ્રપ દ્વારા ડિજિટલ અરેસ્ટ સહિતના ઓનલાઇન સ્કેમ કરનારાને લઇને સ્ટિંગ ઓપરેશન કર્યું હતું, જેમાં દાવો કરાયો છે કે સ્કેમર્સ ખુદને દિલ્હી પોલીસ તરીકે ઓળખાવીને લોકોને લૂંટી રહ્યા છે. આવા જ એક સ્કેમરે આશરે ૬૦૦૦થી વધુ ભારતીયોની સાથે છેતરપિંડી કરી હતી. સ્કેમરે ઉપર પોલીસનો ડુપ્લિકેટ શર્ટ પહેર્યો છે જ્યારે નીચે પાયજામો પહેરેલો જોવા મળ્યો હતો. આ સમગ્ર સ્કેમની તસવીરો પણ સામે આવી છે. આ નકલી પોલીસ અધિકારી પોતે દિલ્હી પોલીસમાં હોવાનું કહીને લોકોને ધમકાવતો ઝડપાયો હતો. પીડિતોને નકલી સમન્સ આપવામાં આવે છે જે બાદ તેમની પાસેથી કરોડો રૂપિયાની લૂંટ કરવામાં આવે છે. 

આ સાઇબર ફ્રોડમાં હાઇ-પ્રોફાઇલ પ્રોફેશનલ્સ, બ્યૂરોક્રેટ્સ, જજ, બિઝનેસમેન ઉપરાંત સૈન્યના અધિકારીઓને પણ નિશાન બનાવવામાં આવી ચુક્યા છે. આ સ્કેમમાં સ્કેમર્સ પોતાની ઓળખ સરકારી અધિકારી તરીકે આપે છે. કોઇ તપાસ એજન્સી સાથે સંકળાયેલો અધિકારી હોવાનો દાવો કરે છે બાદમાં સામેવાળી વ્યક્તિને ધાક ધમકી આપીને તેમની પાસેથી બેંક સહિતની તમામ માહિતી કઢાવી લે છે. ડિજિટલ અરેસ્ટ માટે વોટ્સએપ કે અન્ય એપ્લિકેશન પર વીડિયો કોલ કરવામાં આવે છે. 


Google NewsGoogle News