ભયંકર ગરમી : રોટી, નોકરી અને મકાન પણ છીનવી લેશે ?
- વરસાદના ઉ. ભારતમાં એંધાણ જ નથી
- દેશના અનેક રાજ્યોમાં ઉષ્ણતામાન 44 સેલ્સિયસથી પણ ઉપર ચઢ્યું છે
નવી દિલ્હી : દેશના અનેક રાજ્યોમાં ઉષ્ણતામાન ૪૪ સેલ્સિયસથી ઉપર પહોંચી ગયું છે. મોસમ વિભાગનું કહેવું છે કે, ૧૫મી જૂન પછી જ વરસાદ તેની રફતાર પકડી શકશે. દરમિયાન અસામાન્ય ગરમી કાળો કેર વર્તાવી રહી છે શું તે 'ન્યુ નોર્મલ' થઈ રહેશે.
આ ગરમીથી કેટલું નુકસાન થશે તેનો અંદાજ આવી શકે તેમ નથી. પરિસ્થિતિ બેકાબૂ બની છે. આથી લાખ્ખો નોકરીઓ જવા સંભવ છે. અનાજ સંકટ વધશે, ખરી વાત તો તે છે કે, ભૂમિના કેટલાક વિસ્તારોમાં તો રહેવું જ અસંભવ બની રહેશે.
રાજસ્થાન, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના ઓછામાં ઓછા ૩૭ શહેરો અને વિસ્તારો તેવા છે કે જ્યાં ઉષ્ણતામાન ૪૪ ડિગ્રીથી વધુ છે. દિલ્હીમાં ઉષ્ણતામાન ૪૪થી ૪૬ ડિગ્રી વચ્ચે રહ્યું છે. ઉત્તરાખંડ અને હરિદ્વારમાં પણ તેણે રેકોર્ડ તોડયો છે ત્યાં ઉષ્ણતામાન ૪૨.૫ સેલ્સિયસ પહોચી ગયું છે.
જ્યારે મેદાનોમાં ઉષ્ણતામાન ૪૦ ડિગ્રી, તટીય પ્રદેશમાં ૩૭ ડિગ્રી અને પર્વતીય વિસ્તારોમાં ૩૦ ડીગ્રીથી ઉપર જાય ત્યારે હવામાન વિભાગ 'હીટવેવ' જાહેર કરી દે છે. જુદા જુદા સ્થળોએ જુદું જુદું ઉષ્ણતામાન હોય છે. પરંતુ કોઈ પણ સ્થળે તે સરેરાશ કરતા ૪.૫થી ૬.૪ ડિગ્રી સેલ્સિયસથી વધે તો 'હીટ વેવ' જાહેર કરાય છે.
સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ (CSE) જણાવે છે કે ગત વર્ષના પ્રમાણમા 'હીટવેવ' ૪ ગણું વધુ છે.
આ હીટ વેવ મૃત્યુઆંક વધારે છે. ૧૯૭૫થી ૨૦૨૧ સુધીમાં ૧૫ હજારથી વધુ મૃત્યુ હીટવેવથી જ થયા હતા. ૨૦૧૫થી ૨૦૧૯ વચ્ચે સાડા ત્રણ હજારથી વધુ મૃત્યુ થયા તે પૈકી માત્ર ૨૦૧૫માં જ ૨,૦૮૧ મૃત્યુ નોંધાયા છે.
૨૦૧૫માં વર્લ્ડ બેંકનો અહેવાલ જણાવે છે કે ભારતમાં સરેરાશ ઉષ્ણતામાન ૧થી ૨ ડિગ્રી વધવા સંભવ છે.
આપણી ઉપર શી અસર થશે ?
હિટવેવને લીધે ઘઉંનું ઉત્પાદન ૨૦ ટકા ઘટયું છે. પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ૧૦થી ૩૫ ટકા ફસલ ખરાબ થઈ ગઈ છે.
જર્મનીની ક્લાઇમેટ વોચ સંસ્થા કહે છે કે, ભારત તેવા ૧૪ સંવેદનશીલ દેશોમાંથી એક છે કે જેની ઉપર ક્લાઇમેટ ચેન્જની સૌથી વધુ અસર થઈ છે. હવે જો સરેરાશ ઉષ્ણાતામાન ૪.૫ ડિગ્રી વધે તો ભારતના કેટલાય વિસ્તારો રહેવા યોગ્ય જ નહી રહે ટૂંકમાં મકાન છિનવાઈ જશે.
ભારતમાં ૯૦ કરોડ લોકો નોકરી યોગ્ય છે. પરંતુ ૨૦૩૦ સુધીમાં સાડા ત્રણ કરોડ નોકરીઓ ગરમીને લીધે જ ખત્મ થશે. ૨૦૧૯માં ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO) એ અનુમાન આપ્યું છે કે, દ. એશિયામાં ૨૦૩૦ સુધીમાં ૪.૩ કરોડ નોકરીઓ ખતમ થઈ જશે કારણ કે ઉત્પાદન કેન્દ્રો જ ઘટી ગયા હશે.