Get The App

તેલંગાણામાં નક્સલવાદીઓ સાથે અથડામણમાં ત્રણ પોલીસકર્મી શહીદ, ટાર્ગેટ બનાવી કર્યો હતો હુમલો

Updated: May 8th, 2025

GS TEAM


Google News
Google News
તેલંગાણામાં નક્સલવાદીઓ સાથે અથડામણમાં ત્રણ પોલીસકર્મી શહીદ, ટાર્ગેટ બનાવી કર્યો હતો હુમલો 1 - image


Clash Between Naxalites And Security Force In Telangana : તેલંગાણાના મુલુગુ જિલ્લામાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો હતો. જેમાં ત્રણ પોલીસ કર્મી શહીદ થયા છે. છત્તીસગઢની સુકમા બોર્ડર નજીક તેલંગાણાના મુલુગુમાં IED વિસ્ફોટ થયો હતો. નક્સલવાદીઓએ પોલીસને ટાર્ગેટ બનાવી આ હુમલો કર્યો હતો.

નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા IED હુમલામાં તેલંગાણાના ત્રણ પોલીસ કર્મી શહીદ થયા છે. પોલીસ રૂટિન કોમ્બિંગ કરી રહી હતી. તે દરમિયાન નક્સલવાદીઓએ બ્લાસ્ટ કર્યો હતો. અગાઉ 7 મેના રોજ છત્તીસગઢ-તેલંગાણા સરહદના બીજાપુર જિલ્લાના જંગલોમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સુરક્ષાદળોએ 22થી વધુ નક્સલવાદીઓને ઠાર માર્યા હતા. 

22 નક્સલીઓ ઠાર

આંતર-રાજ્ય સરહદ પર કર્રેગુટ્ટા પહાડોના જંગલમાં બુધવારે નક્સલવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 22 નક્સલવાદીઓ ઠાર થયા હતાં. સ્તર અને બીજાપુર પોલીસે 22 નક્સલવાદીઓ ઠાર માર્યા હોવાની ખાતરી કરી છે.નક્સલવાદીઓનો ખાતમો બોલાવવાના મિશન હેઠળ રક્ષાદળોએ 21 એપ્રિલના રોજ છત્તીસગઢ-તેલંગાણા બોર્ડર પર આવેલા કર્રેગુટ્ટાની ખીણમાં ઓપરેશન કગાર શરૂ કર્યું હતું. જેમાં મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરી નક્સલવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઓપરેશનમાં કુલ 35 નક્સલવાદીના એન્કાઉન્ટર કરવામાં આવ્યા છે. જેમાં 24 એપ્રિલના રોજ બે મહિલા નક્સલવાદી અને અન્ય 5 મેના રોજ એક મહિલા નક્સલવાદી ઠાર થઈ હતી.

400થી વધુ IED જપ્ત

ઓપરેશન કગાર હેઠળ સુરક્ષાદળોએ 400થી વધુ IED,બે ટન વિસ્ફોટક સામગ્રી, છ ટન રાશન, દવા, રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ અને 40 જેટલા હથિયારો જપ્ત કર્યા છે. આ ઓપરેશનમાં કુલ 35 નક્સલવાદીને ઠાર કર્યા છે. જેમાં સુરક્ષાદળોએ 26ના શબ કબજે લીધા હતા. આ ઓપરેશનમાં જિલ્લા રિઝર્વ ગાર્ડ (ડીઆરજી), બસ્તર ફાઈટર્સ, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ), રાજ્ય પોલીસ દળ, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ  (સીઆરપીએફ) અને તેના વિશિષ્ટ એકમ કોબરા સહિત આ ટીમમાં લગભગ 24000 સુરક્ષાકર્મી સામેલ છે.

શું છે ઓપરેશન કગાર?

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલા ઓપરેશન કગારનો ઉદ્દેશ નક્સલવાદીઓના જડમૂળને દૂર કરી માઓવાદી વિચારધારાને ખતમ કરવાનો છે. આ અભિયાન હેઠળ નક્સલવાદને જ ખતમ કરી દેવાનો લક્ષ્યાંક છે. 2025ના પ્રથમ ત્રણ માસમાં જ છત્તીસગઢમાં સુરક્ષાદળો દ્વારા 140થી વધુ નક્સલવાદીઓના ઢીમ ઢાળી દેવામાં આવ્યા છે.

તેલંગાણામાં નક્સલવાદીઓ સાથે અથડામણમાં ત્રણ પોલીસકર્મી શહીદ, ટાર્ગેટ બનાવી કર્યો હતો હુમલો 2 - image

Tags :